પક્ષને શિવસેના જ કહીશું, રાજ્યમાં રેલી યોજીશુંઃ ઉદ્ધવ
રત્નાગિરી, ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી ભલે ચૂંટણીપંચે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન છીનવી લીધા હોય અને આ વારસો એકનાથ શિંદેના જૂથને આપી દીધા હોય પણ લડાઈ હજુ યથાવત્ જ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે તો ખુદને શિવસેના કહેવાનું ચાલુ રાખીશું. આટલું જ નહીં નવેસરથી પગભર થવા માટે સમગ્ર મહારાષ્ટ્ર ભ્રમણ કરવાની યોજના જાહેર કરતાં તેમણે કહ્યું કે અમે સમગ્ર રાજ્યમાં રેલી યોજીશું.
ઉદ્ધવ ઠાકરેએ તેમના જૂથના નેતાઓનું સ્વાગત કરવા માટે રત્નાગિરીના ખેડમાં એક રેલીને સંબોધી હતી. ગત વર્ષે રાજ્યમાં એક બળવાને લીધે તેમની સરકાર પડી ભાંગ્યા બાદ ચૂંટણીપંચની ટીકા કરતાં ઠાકરેએ કહ્યું હતું કે ચૂંટણીપંચનો આદેશ છતાં અમે ખુદને શિવસેના કહેતા રહીશું.
ભાજપ પર નામ ચોરી કરવાનો આરોપ મૂકતાં ઉદ્ધવે કહ્યું કે તેમણે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને હવે બાલાસાહેબ ઠાકરેનું નામ ચોરી લીધું છે. સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે સરદાર પટેલનું નામ ચોરી લીધું. આ રીતે તેમણે સુભાષચંદ્ર બોઝ અને પછી બાલાસાહેબ ઠાકરે સાથે પણ આવું જ કર્યું. હું તેમને પડકારું છું કે તે મોદીના નામે વોટ માગે, ન કે શિવસેના કે બાલાસાહેબ ઠાકરેના નામે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ચૂંટણીપંચને તો મોતિયાબિંદ થઈ ગયો છે. તેણે સૌથી પહેલા તો ગ્રાઉન્ડ રિપોર્ટ પર નજર નાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે લોકોનો જનાદેશ નક્કી કરશે કે મારે ઘરે બેસવું જાેઇએ તો હું એ જ કરીશ. SS2.PG