સરકાર પર એમએસપીની કાનૂની ગેરંટીના મુદ્દે દબાણ વધારીશું: રાહુલ ગાંધી

પ્રતિકાત્મક
નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટીના મુદ્દે ભારે રાજકારણ થયું છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર તેને છંછેડવાની વાત કરી છે.
રાહુલે ખેડૂતોને એમએસપીની કાનૂની ગેરંટી માટે ખેડૂતોને ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગઠબંધન આ બાબતે સરકાર પર દબાણ વધારશે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે સંસદના સંકુલમાં ખેડૂત નેતાઓના એક પ્રતિનિધી મંડળને મળ્યા હતા.
જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના ૧૨ ખેડૂત નેતા સામેલ હતા. રાહુલે મુલાકાત પછી જણાવ્યું હતું કે, “અમારા ચૂંટણી ઢંઢેરામાં એમએસપીની કાનૂની ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે.
અમે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે આ બાબતે ચર્ચા કરીશું અને ખેડૂતોને એમએસપીની કાનૂની ગેરંટી આપવા સરકાર પર દબાણ વધારીશું.” રાહુલે એક્સ પર જણાવ્યું હતું કે, “એમએસપીની કાનૂની ગેરંટી ખેડૂતોનો અધિકાર છે. ઇન્ડિયા ગઠબંધન નિશ્ચિત કરશે કે તેમને આ હક મળે.”
રાહુલ સાથેની મુલાકાત પછી એક ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોએ અમને ખાતરી આપી છે કે તે ખેડૂતોનો મુદ્દો ઉઠાવશે.” લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ ખેડૂત નેતાઓએ દિલ્હી કૂચ કરવાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો હતો. ખેડૂત નેતાઓ પૈકીના એક જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું હતું કે, સરકાર અમારી માગણીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.
સ્વામીનાથન રિપોર્ટનો અમલ થવો જોઈએ. અમારી માગણીઓને લઈને અમે દિલ્હી કૂચ કરીશું. ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબ, હરિયાણા, તેલંગાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના ૧૨ ખેડૂત નેતાઓ રાહુલને સંસદ પરિસરમાં મળ્યાં હતાં.SS1MS