ઈડીની કાર્યવાહીથી ડરીશું નહીં, વકફની લડાઈ અમે જીતીશુંઃ ખડગે

નવી દિલ્હી, સોનિયા અને રાહુલ ગાંધી સહિતના પક્ષના નેતાઓ સામેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીથી કોંગ્રેસ ડરશે નહીં તેવો હુંકાર કરતાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામેની વકફ કાયદા સામેની જંગમાં તેઓ વિજયી બનશે.
પક્ષના મહાસચિવો અને હોદ્દેદારોની બેઠકને સંબોધતા ખડગેએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મામલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ ઉભાં કરેલાં મુદ્દાઓને મહત્વ આપ્યું છે.
સરકાર પર આક્ષેપ મુકતાં તેમણે જણાવ્યું હતું કે, વકફ પ્રોપર્ટીઝમાં વિવાદો ઉભાં કરવા માટે સરકારે જાણી જોઈને વકફ બાય યુઝરનો મુદ્દો ઉઠાવ્યો છે. વકફ સુધારા બિલના વિરોધમાં કોંગ્રેસે સમગ્ર વિપક્ષને એકજૂથ કર્યાે છે.
સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે અને અમને વિશ્વાસ છે કે અમે આ લડાઈ જીતીશું. તેમણે કેન્દ્ર સરકાર પર વકફ મામલે લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મુક્યો હતો.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ દાખલ કરવાની અને દિલ્હી, લખનૌ તથા મુંબઈની નેશનલ હેરાલ્ડની સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી બદલાની ભાવનાથી કરાઈ છે.
તે લોકો ગમે તેના નામ ચાર્જશીટમાં મુકે પણ અમે તેનાથી ડરવાના નથી તેમ તેમણે ઉમેર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક વિશેષ અદાલતમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્યો પર રૂ. ૯૮૮ કરોડના મની લોન્ડરિંગનો આક્ષેપ કર્યાે છે.SS1MS