Western Times News

Gujarati News

શ્રીમંતાઈ એ શાપ નથી પણ પ્રભુ તરફથી મળેલો પ્રસાદ છે

કેવા શ્રીમંતો પ્રભુને ગમે? શ્રીમંતાઈ એ શાપ નથી જન્માંતરનું પૂણ્ય છે 

વાપરો પ્રભુ કાર્યો માટે તો, બીજા જન્મનું બેલેન્સ છે . શ્રીમંતાઈ એ શાપ નથી પણ પ્રભુ તરફથી મળેલો પ્રસાદ છે, આશીર્વાદ છે. વિત્તવાન-વૈભવવાન શ્રીમંતો આમ તો પ્રભુના લાડલા દીકરાઓ છે, લક્ષ્મી પુત્રો છે.

આગળના કેટલાક જન્મારાઓમાં ભગવાનને ગમતા, ભગવાનમાન્ય, ઋષિમાન્ય, ધર્મના સંસ્કૃતિના સંસ્કારો લોકોમાં લઈ જવા માટે સમય, સંપત્તિ, બુધ્ધિ અને શરીરનો ભાવપૂર્ણ રીતે ઉપયોગ કર્યો હોય જ. ગીતાએ કહ્યું છે કે કર્યા વિના મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. એ ન્યાયે પ્રભુને ગમતાં ઘણાં કામો આ લોકોએ કરેલાં છે તે નિર્વિવાદ વાત છે.

પરંતુ આ ભૌતિક સુખ-સગવડો, સન્માનો, સત્તાઓ અને અધિકારો મળતાં, સુખાસીનતામાં સ્વાધ્યાય છૂટતાં, ઘણી સારી વાતો, સમજણો બાજુ ઉપર જાણે અજાણે રહી જતી હોય છે. ભળતે રસ્તે યોગ્ય અભ્યાસના અભાવમાં જે તે વૈભવ વિત્ત-સત્તા મળી છે, તેનો કેફ ચઢી જતો હોય છે, જેના કારણે બુધ્ધિમાં વિપરીત સમજણ ઊભી થઈ જતી હોય છે.

જેમકે આ બધો વૈભવ, સત્તા, વિત્ત અમારી બુદ્ધિથી અમારા કતૃત્વથી જ મેળવ્યું છે. આ ભયંકર ગાઢ અંધકાર બુધ્ધિમાં આવી જાય છે. જેના લીધે વિવેક, સંયમ, ધૈર્ય, ભાવ, પ્રેમ, કરુણા, આત્મીયતા જેવા સદ્‌ગુણો જીવનમાંથી ખસી જાય છે.

જેવા કે કામ (લંપટતા), ક્રોધ (અવિચારીપણુ), લોભ (બીજાને લૂંટવુ), મોહ (મારાપણુ-પારકાપણુ) ધૃતરાષ્ટ્રવૃત્તિ. આની અતિરેક્તામાં વ્યસનાધીનતા, વિદ્યાહીનતા, આળસ, પ્રમાદના ઘેરાવામાં આવી જવાય છે. તેજસ્વીતા ચાલી જાય અને જન્માંતરનુ પુણ્ય ખલાસ થઈ જતું હોય છે અને અધઃ પતનની શરૂઆત થઈ જાય.

માટે લક્ષ્મીને ‘મા’ સમજો, ગોલી નહીં. ઘરમાં મા કામ કરે અને ગોલી પણ કામ કરે છે. કામ બંનેનું સરખું છે, પણ મા ગોલી નથી પૂજનીય છે, આ ફરક ધ્યાનમાં રહે તેવી રીતે વિત્ત (લક્ષ્મી) મારી ‘મા’ છે, વિષ્ણુ પત્ની છે. મા સમજી વ્યવહાર કરશો તો ‘મા’ મમ-મમ આપશે અને ગોલી સમજશો તો છાતી ઉપર લાત મારીને ચાલી જશે. માટે મા સમજી તેના ખોળામાં બેસી તેની હૂંફથી ઉદ્યોગ- ધંધા વેપાર કરો. તેની આપેલી શક્તિથી જ તેના થકી જ મારું શરીર ચાલે છે. બુધ્ધિ ચાલે છે.

માટે મારા ઉત્પાદનમાં તેનો ભાગ છે, આવી સમજથી ભગવાનનો ભાગ આપનાર શ્રીમંતો પ્રભુને ગમે છે. વિત્ત (લક્ષ્મી) મારા મહેનત-બુધ્ધિથી નહિ પણ પ્રભુએ મોકલેલી ગીફ્‌ટ છે, કારણ શરીર અને બુધ્ધિની પછવાડે પ્રભુની જ શક્તિ છે અને તેનાથી જ ક્રિયાઓ કરી શકું છું. એ શક્તિ ચાલી જતાં તો હું ચાર જણાના ખભા ઉપર સ્મશાને જ હોવું છું. આવી સમજણથી પ્રભુનુ અસ્તિત્વ માન્ય કરો.

આજના યંત્રયુગમાં માણસ ભાવશૂન્ય ભોગવાદી બન્યો છે. પ્રભુને માને છે પણ પ્રભુનું માનતો નથી. આ ફરક ધ્યાનમાં લેવો. જેમ પત્ની પતિને માને પણ પતિનું ના માને. દિકરો બાપાને માને, મારા બાપા થાય-પણ બાપાનું ન માને, તેવી રીતે પ્રભુને માનો પણ પ્રભુનું ન માનો તો વિકાસ જ નથી. પ્રભુનું માનવું એટલે પ્રભુનું બંધારણ માનવું-પ્રભુને ચંબલનો ડાકુ માને છે, દીવો-અગરબત્તી ધરે છે પણ પ્રભુનું માનતો નથી.

પ્રભુના કાયદા માનતો નથી. પ્રભુના મંદિરે દર્શન કરતાં બે હાથથી હાથ જોડી તે જ કહેવાનું પ્રભુ આ હાથોથી તારું કામ કરીશ. મસ્તક નમાવતાં તે જ સમજ છે કે-પ્રભુ મારી બુદ્ધિ તારા કામમાં વાપરીશ. આ પ્રભુ જોડે એકરાર છે બુદ્ધિ અને શરીર વિત્ત તારા જ આપેલ છે. સંપત્તિને સંસ્કૃતિનાં કાર્યોમાં વાપરીશ. એક ભાવગીત છે તેમાં કહે છે-‘પ્રભુકાર્યમાં વહે સંપત્તિ એવો ધનવાન.’

એક દાદા બજારમાં ગયેલા. કેળાં લાવેલા. તેમના પૌત્રોને કેળાં આપે છે ત્યારે તે પૌત્રો તે જ કેળાંને પકડી દાદા તમે ખાઓ, તમે ખાઓ, કહી દાદાના મોઢામાં મૂકે છે. દાદા ભાવવિભોર બની પૌત્રોના ગાલે ચુંબન કરે છે. દાદાનું લાવેલુ જ કેળુ દાદા ખાય છે પણ વચ્ચે પૌત્રો આવે છે. તેમાં દાદાને આનંદનાં ગલગલીયાં થાય છે. તેવી જ રીતે પ્રભુની સંપત્તિ શ્રીમંતો પ્રભુને આપશે, તો પ્રભુ હરખાઈ તેમને ખોળામાં બેસાડી લાડ કરશે. બીજા જન્મમાં પણ શ્રીમંતાઈ જ નહિ પણ શુચી શ્રીમંતતા હશે. આવી સમજવાળા શ્રીમંતો પ્રભુને જરૂર ગમશે.

શ્રીમંતાઈને પ્રભુ રંગ તો લગાડુ
શ્રીમંતાઈને પ્રભુ રંગ તો લગાડુ,
મળ્યો છે તારો પ્રસાદ એવું જાણુ…….. શ્રીમંતાઈને૦
આપ્યો છે વૈભવ તે ઘણા ઘણા ભાવનથી, આનંદ મળે છે મને તારા જ કામથી;
તારા કામોમાં વિત્તને વહાવું… શ્રીમંતાઈને૦
કીધેલાં સત્કર્મો મારાં સાચવી રાખેલાં, તારા સહવાસ થકી પુષ્ટએ બનેલાં;
તારા ચરણે હરખીને ધરાવું…. શ્રીમંતાઈને૦
વૈભવથી ગાંડો બનુ ના ધ્યાન રાખજે, ભૂલુ કોઈ પળે તો સંકેતથી બચાવજે;
મારા જીવનનો સુકાની બનાવું…. શ્રીમંતાઈ૦
લક્ષ્મી તમારી પ્રભુ, ‘મા’ સમ જાણું, બાળક બની બધા લાડકોડ માણુ;
તારી દૃષ્ટિ અમી ભરી, પુષ્ટ થાવું.. શ્રીમંતાઈને
પ્રભુ રંગ તો લગાડુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.