Western Times News

Gujarati News

વાપી, નવસારી, વડોદરા જળબંબાકાર

વાપીમાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ એનડીઆરએફની ૧પ ટીમો તૈનાતઃ ઉંમરગામમાં ભારે વરસાદથી વીજળીના ૧પ થાંભલા તૂટ્યા

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત રહી છે. અતિભારે વરસાદને કારણે રાજ્યના ઘણા શહેરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, ગાંધીનગર, નવસારી, વલસાડમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણા શહેરો તથા ગામડાઓમાં પાણી ભરાયાના તથા વિજળી પડવાના બનાવો બન્યા છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. એક જ રાતમાં ઉમરગામમાં ૧ર ઈંચ વરસાદ વરસતા ઉંમરગામ તથા આજુબાજુના ગામડાઓમાં પાણી ભરાયા હોવાનું તથા એક સાથે ૧પ વિજળીના થાંભલા તૂટી પડ્‌વાના તથા અનેક વૃક્ષો ધરાશાયી થવાના તથા અનેક રસ્તાઓ ધોવાઈ જવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મુશળધાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર રસ્તાઓ પર ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. વેડરોડ, અડાજણ, રાંદેર, સુરત સ્ટેશનના ગરનાળામાં, તથા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ઉપરાંત શાળામાં જતા વિદ્યાર્થીઓ તથા કામધંધે જતાં લોકોને ભારે મુશ્કેલી થઈ હતી. વડોદરામાં અઢી ઈંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર થતા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયાના સમાચાર છે.

ગુજરાતમાં અન્ય શહેરોમાં પાદરા બે ઈંચ, નવસારી-૪ ઈંચ, શિનોર ૩ ઈંચ, કરજણમાં ૪, મથુવા ર ઈંચ, ઉંમરગામ પ ઈંચ, ભરૂચ ૩ ઈંચ, ગણદેવી ૪ ઈંચ, ખેચગામમાં ૩ ઈંચ,વાપી ૮ ઈંચ, પારડીમાં ૭ ઈંચ વરસાદ પડ્યો હતો.  વડોદરામાં પડી રહેલા ભારે વરસાદે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તા ઉપર ઠેર ઠેર ૩-૪ ફૂટ પાણી ફરી વળ્યા છે. તથા ગરનાળાઓમાં ભરાયેલા પાણીથી વાહનચાલકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે.

અમદાવાદ-વડોદરા હાઈવે એક્ષપ્રસ હાઈવે પર પડી રહેલા ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં ત્યાંનો વાહન વ્યહવાર ખોરવાઈ જતાં ટ્રાફિકજામના દ્રષ્યો સર્જાયા છે. ડાંગ તથા ભાટી પંથકમાં રાતભર વરસાદ વરસ્યો છે. શિહોરમાં પડેલા અતિભારે વરસાદને કારણે ત્યાંના મુખ્ય બજાર જળબંબાકાર બની જતાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

વલસાડ રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાઈ જવાને કારણે રેલ્વે વ્યવહારને અસર પહોંચી છે. વરસાદને કારણે રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યાના સમાચાર છે. વલસાડ તથા સુરત જીલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યાના સમાચાર છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ભરાયેલ પાણીનો નિકાલ ન થવાથી લોકોની ફરીયાદ ઉઠવા પામી છે.

અમદાવાદ શહેરમાં પણ કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યાના સમાચાર છે. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણને કારણે લોકો ભારે ઉકળાટ અનુભવી રહ્યા હતા. હવામાન વિભાગના સુત્રો જણાવે છે કે આજે તથા આવતીકાલે શહેરમાં ભારે વરસાદ પડી શકે છે. ૩ જી તથા ૪ થી જુલાઈના રોજ શહેરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.