ખેડૂતોને ૫ લાખ સુધી વિના વ્યાજે લોનની બજેટમાં જાહેરાતને આવકાર
હિંમતનગર, દેશનાં નાણાંમંત્રીએ તા.૧ ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કર્યુ છે. જેમાં ખેડૂતોને વિના વ્યાજે લોન આપવાની મર્યાદામાં વધારો કર્યાે છે.
અગાઉ ખેડૂતોને રૂ. ૩ લાખની લોન મળતી હતી. પરંતુ બજેટ અગાઉ ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન, સાબરકાંઠા બેન્કના પૂર્વ ચેરમેન તથા સહકારી અગ્રણી મહેશભાઇ પટેલના જણાવ્યા મુજબ, તેમણે થોડાક સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોને મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખી વિશ્વાસમાં લીધા બાદ ઠરાવ કર્યાે હતો.
ત્યારબાદ તેમણે તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણાંમંત્રીને રજૂઆત કરી હતી કે, મોંઘવારીને લીધે ખેડૂતોને ઘણી વખત નાણાંકીય જરૂરીયાત ઉભી થાય ત્યારે તગડું વ્યાજ ચૂકવીને પરાણે શાહુકારો પાસેથી પૈસા લેવા પડતા હતા. જેથી જો ખેડૂતોને રૂ. ૩ લાખને બદલે રૂ. ૫ લાખની લોન કેસીસી સ્વરૂપે વિના વ્યાજે મળે તો ગુજરાતના નહીં પણ દેશના ખેડૂતોને ફાયદો થાય તેમ છે.
દરમિયાન તા.૧ ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાના બજેટ પ્રવચનમાં ખેડૂતવર્ગને મોટી ભેટ આપી હોવાની જાહેરાત કરી હતી. જે રૂ. ૩ લાખથી વધારીને રૂપિયા ૫ લાખ વિના વ્યાજે જાહેર કર્યુ છે.
જેથી આગામી નવા નાણાંકીય વર્ષમાં ખેડૂતોને ફાયદો થશે. નવા નાણાંકીય વર્ષમાં ખેડૂતો માટે કેન્દ્ર સરકારે લીધેલા હિતવર્ધક નિર્ણયને ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન મહેશભાઇ પટેલે કરેલી રજૂઆતને પ્રતિસાદ મળ્યો છે.SS1MS