પશ્ચિમ રેલવેની રાજકોટ-ભુજ અને ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ રદ

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી રવાના થતી કેટલીક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં રેલવે સ્ટેશન પર પણ સલામતીના વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેની આગામી ૧૦મીના રોજ દોડનારી ટ્રેનનં.૦૯૪૪૬-૦૯૪૪૫ ભુજ-રાજકોટ-ભુજ વિશેષ ટ્રેન રદ કરવામાં આવી છે. તા.૯મીના રોજ અમદાવાદ-ભુજ વચ્ચેની નમો રેપિડ રેલ ટ્રેનનં. ૯૪૮૦૧ પણ રદ કરવામાં આવી છે.
૧૦મીના રોજ ટ્રેનનં. ૨૨૪૮૪ ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે. મુસાફરોના ધસારા અને માંગણીને ધ્યાનમાં રાખીને મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસમાં વધારાનો કોચ જોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ચંદીગઢ એરપોર્ટ બંધ કરવાના કારણે ફસાયેલા મુસાફરોને પરત જવા માટે રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની કોઇપણ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા માટે રેલવે તમામ રીતે તૈયાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હાલની સ્થિતિમાં રેલવે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ચાલુ હોવાની પણ સ્પષ્ટતાં કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂર પડે જે તે શહેરો વચ્ચે વધારાની ટ્રેનો દોડાવવાની તૈયારી રખાઈ છે.SS1MS