દહેજ ભૂખ્યાં સાસરિયાએ ગરીબ દીકરી સાથે શું કર્યુ? શરમજનક કિસ્સો
યુવતીએ દહેજ લાવવાનો ઈનકાર કરતાં પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી
(એજ્ન્સી)અમદાવાદ, ગરીબ ઘરની દીકરી પાસેથી ૧૫ લાખ રૂપિયાનું દહેજ માંગતાં નફ્ફટ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.પતિને ધંધો કરવાનો હોવાથી તેણે પત્નીને માતા-પિતાના ઘરેથી ૧૫ લાખ રૂપિયા દહેજ પેટે લાવવાનું કહ્યું હતું, પરંતુ માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેણે લાવવાનો ઈનકાર કરી દીધો હતો. પત્નીએ દહેજ લાવવાનો ઈનકાર કરતાં પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
ગોમતીપુર વિસ્તારમાં રહેતી હિના (નામ બદલ્યું છે) એ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં શાહબુદ્દીન અંસારી, ખાતુનબીબી, અસદઉલ્લા, સમસુદ્દીન, શાહજહાનબાનુ અને નરૂલલેન અંસારી (તમામ રહે રખિયાલ) વિરુદ્ધ ઘરેલુ હિંસા, માર માર્યા તેમજ દહેજની ફરિયાદ કરી છે. હિનાના લગ્ન વર્ષ ૨૦૧૧માં સમાજના રીતરિવાજ મુજબ શાહબુદ્દીન અંસારી સાથે થયાં હતાં લગ્ન બાદ માતા-પિતાએ આપેલો કરિયાવર લઈને હિના સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી.
શાહબુદ્દીન જિન્સના કારખાનામાં કટિંગનું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. લગ્નના આઠ દિવસ બાદ તેના જેઠ-જેઠાણી અલગ રહેવા માટે જતાં રહ્યા હતા. હિનાને ત્રણ સંતાન છે. હિના છેલ્લા ઘણા સમયથી તેના માતા-પિતા સાથે પિયરમાં રહે છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે લગ્નના ૩૦ દિવસ પછી સાસરિયાંએ હિના સાતે બબાલ કરવાનું શરૂ કરી દીધું હ તું. સાસુ-સસરા હિનાને ઘરનાંકામ બાબતે ગાળો બોલતાં હતાં અને માર પણ મારતાં હતાં. હિના ઘરમાં સિલાઈકામ કરતી હતી, પરંતુ કોઈ દિવસ સિલાઈકામ કરવાનું ભૂલી જાય તો શાહબુદ્દીન ઘરે આવીને તેની સાથે બબાલ કરીને મારઝૂડ કરતો હતો. ઘરકામના ત્રાસ સિવાય હિનાને દહેજના મામલે પણ ટોર્ચર કરવામાં આવતી હતી. ઓછો કરિયાવર લાવી છે તેમ કહીને સાસુ તેમજ પતિ સહિતના લોકો હેરાન કરતા હતા.
હિનાના પિયરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે સાસરિયાનો ત્રાસ મૂંગા મોઢે સહન કરતી રહી હતી. હિનાનાં જેઠ-જેઠાણી તેમજ નણંદ પણ ઘરે આવીને શાહબુદ્દીનનાકાન ભરતાં હતાં, જેના કારણે ઘરમાં કંકાસ થતો હતો. શાહબુદ્દીન અંસારી હિનાને માર મારતો હતો. ગત વર્ષે શાહબુદ્દીન હિના પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે વેપાર-ધંધા માટે ૧૫ લાખ રૂપિયાની જરૂર હોવાથી તું તારાં માતા-પિતાના ઘરેથી રૂપિયા લઈ આવ.
હિનાનાં માતા-પિતાની સ્થિતિ ખરાબ હોવાથી તેણે ૧૫ લાખની વાત કરી નહીં અને પતિનો ત્રાસ સહન કરતી રહી હતી. હિનાએ ૧૫ લાખ રૂપિયાનો ઈન્કાર કરી દેતાં શાહબુદ્દીન તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદથી હિના તેના બે દીકરાન લઈ પિયરમાં રહે છે.
હિના તેના મોટા દીકરાને સ્કૂલમાં મળવા માટે ગઈ ત્યારે પણ તેના સાસરિયાએ તેને ભગાડી મૂક્યો હતો. સાસરિયાંના અનહદ ત્રાસથી કંટાળીને અંતે હિનાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.