હવામાન વિભાગે ઠંડી અને માવઠા માટે શું કરી આગાહી?

પ્રતિકાત્મક
ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, રાજ્યમાં હવે માવઠાનું સંકટ ટળી ગયું છે. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી છે. જાેકે ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે. હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી.
આ સાથે જ મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જાેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. ગઇકાલે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું.
નલિયામાં ૧૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં ૧૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ખેડૂતો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. આજથી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
રાજ્યના કોઇ જગ્યાએ સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ૪ ડિગ્રી જેટલું ઘટયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ દિશા તરફથી આવતા પવન અને ભેજના કારણે કમોસમી વરસાદ વરસ્યો છે. સોમવાર બપોર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સોમવાર સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ઘમરોળી નાંખ્યું હતું.