Western Times News

Gujarati News

ભારત સરકારે રચેલા નવા ત્રણ કાયદાઓ અંગે કાયદા શાસ્ત્રીઓમાં મત-મતાંતરો વચ્ચે દેશનું બંધારણ શું કહે છે ?!

અને સુપ્રિમ કોર્ટ શું કહે છે ?! તેના તરફ સૌની મીટ !

તસ્વીર ભારતના સંવિધાનની છે ! બીજી તસ્વીર ભારતના ત્રિરંગાની છે ! ત્રીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ચોથી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે ! ભારતના સંવિધાનની કલમ-૧૩(૧), ૧૪, ૧૯, ૨૦(૩) તથા ૨૧ એ દેશમાં કોઈપણ સરકારને બંધારણીય મૂલ્યો સાથે સુસંગત ન હોય તેવા કાયદા ઘડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે !

બંધારણની કલમ-૧૪ એ કાયદાની સમક્ષની સમાનતા અને અમર્યાિદત સત્તા પર રોક લગાવે છે કારણ કે સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપેલ છે ! બંધારણની કલમ- ૧૯(૧) એ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદીના મૂળભૂત અધિકાર ઠરાવ્યો છે ! બંધારણની કલમ-૨૦(૩) એ કોઈપણ આરોપીને ગુન્હો કબુલ કરવાની કે પોતાના વિરૂધ્ધ સાક્ષી થવાની ફરજ પાડી શકે નહીં અને બંધારણની કલમ-૨૧ એ કાયદાથી પ્રસ્થાપિત કાર્યવાહી અનુસર્યા સિવાય વ્યક્તિના જીવન કે વ્યક્તિ સ્વાતંત્ર્યથી વંચિત કરી શકશે નહીં તેવું સુનિશ્ચિત કરે છે !

ત્યારે સવાલ એ છે કે, નવા કાયદાની અનેક જોગવાઈ એ લોકોનીઆઝાદી પર અંકુશ મુકનાર છે ! અને ગેરબંધારણીય છે ! તે જો હવે આ મુદ્દે નવા કાયદા સુપ્રિમ કોર્ટમાં પડકારાય એવી પુરી શકયતા છે ! દાખલા તરીકે અગાઉ એવી કાયદાકીય જોગવાઈ હતી કે પોલીસે ૨૪ કલ્લાકમાં આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો અને રીમાન્ડ મંજુર થાય પછી કોર્ટની મંજુરીથી પોલીસ કસ્ટડી લઈ શકે !

અત્યારની જોગવાઈની કલમ-૧૮૭(૨) અનુસાર ૨કલાકની નહીં પણ પોલીસ ઈચ્છે તો ૯૦ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી શકે ! જો આ હકીકત હોય તો વકીલોએ વિચારવાનું છે કે, આ મુદ્દો ત્રિરંગાની શાન સાથે કેટલો સુસંગત છે ?! કહેવાય છે કે, ભારતીય ન્યાયસંહિતાની કલમ-૧૭૨(૨) પોલીસને વોરન્ટ વગર ધરપકડ કરવાની સત્તા આપે છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૧૧(૧) પણ લોકોની આઝાદી છીનવી લે છે એવું અર્થઘટન થઈ રહ્યું છે !

અદાલતોમાં બે કેસની અલગ અલગ કલમ સાથે કેસ ચાલશે ત્યારે ન્યાયાધીશ, વકીલો અને પક્ષકારો ભારે વિસામણમાં મુકાશે ! સુપ્રિમ કોર્ટના જુના ૮૩૦૦૦ જેટલા કેસો પેન્ડીંગ છે ! જેમાં કહેવાય છે કે, ૧૭૮૦૪ ફોજદારી કેસો પેન્ડીંગ છે ! જયારે ટ્રાયલ કોર્ટમાં તો કેસો ઘણાં પેન્ડીંગ છે ત્યારે કાયદાના બે ઘોડા પર સવારી કરાવવાની સરકારની ઈચ્છા સફળ થશે ?! કઈ રીતે થશે ?! એ હવે ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે સુઓમોટો અવલોકન કરવાની જરૂર છે !

ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડે પણ કહ્યું હતું કે, “આપણું જીવન સરકારના રાજકીય શાખા કરતા બીલકુલ અલગ છે ! પરંતુ સ્પષ્ટ રીતે ન્યાયાધીશે પોતાના નિર્ણયના વ્યાપક રાજકારણ પર પડનારા પ્રભાવને લઈને વાકેફ રહેવાની જરૂર છે ! ચીફ જસ્ટીસશ્રીએ ન્યાય વ્યવસ્થાની સુરક્ષા કરવા વાળા બંધારણીય મૂલ્યો સતત જાળવી રાખવાની ભાવનાને દર્શાવે છે”!! આ જોતાં નવા કાયદા બંધારણીય મૂલ્યો કેટલા સુરક્ષિત કરે છે એ વકીલોએ ખાસ જોવાની જરૂર છે ????!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા પ્રતિકકુમાર થાવર દ્વારા)

બંધારણની કલમ-૧૩(૧), ૧૪, ૧૯(૧), ૨૦(૩), ૨૧ સાથે નવા કાયદા કેટલા સુસંગત છે ?!

નવા કાયદા નાગરિક સુરક્ષા કાયદાની કલમ-૧૭૮(૨) આરોપીને ૨૪ કલ્લાક માટે નહીં પણ ૯૦ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખી શકશે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ-૧૭૨(૨) પોલીસને વગર વોરન્ટે ધરપકડ કરવાની સત્તા આપે છે શું રાજકીય કંઠી બાંધીને ફરતા વકીલોને તે મંજુર છે ?! જયારે ન્યાય સંહિતાની કલમ-૧૧૧(૧) શું કહે છે ?! વકીલો વિચારે ?! ફોજદારી વકીલાત કરતા વકીલો માટે ચિંતાજનક ?!

ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સિક્રીએ કહ્યું છે કે, ‘બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ’!! જયારે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ગજેન્દ્ર ગડકરે કહ્યું છે કે, “બંધારણથી આ દેશમાં દાખલ કરવા ધારેલી લોકતાંત્રિક જીવનરિતીનો પાયો અને સ્તંભ છે”!! ભારતના જુદા જુદા રાજયોની હાઈકોર્ટના ન્યાયાધીશોએ અને ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ આ દેશના બંધારણનું ગૌરવ જાળવ્યું છે !

જયારે જુદા જુદા રાજકીય પક્ષોની સરકારોના સલાહકારો કે પછી સરકારનું નેતૃત્વ કરતા નેતાઓ જયારે બંધારણમાં સુધારા ઉમેરે છે કે પછી નવા કાયદાઓની રચના કરે છે ત્યારે દેશના બંધારણીય પાયાના મૂલ્યોનો અભ્યાસ કર્યા વગર નવા કાયદાની રચના કરતા હોય એવું લાગે છે ! ભારતમાં ભારતીય ન્યાયાસંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં થયેલ ફેરફારોને લઈને સુવિખ્યાત કાયદાવિદોમાં ભારે હોબાળો મચી ગયો છે ! અને પરિસ્થિતિ જોતાં કેટલાક નવા કાયદાઓને દેશના બંધારણીય મૂલ્યો સાથે પડકારાય એવો માહોલ દેશમાં સર્જાયો છે !!

ભારતીય સંસદે ઘડેલા ત્રણ નવા કાયદાની રચના ભારતીય ન્યાયસંહિતા, નાગરિક સુરક્ષા સંહિતા અને સાક્ષ્ય અધિનિયમના અમલમાં મુકાતા તેની સામે અનેક કાયદા શાસ્ત્રીઓએ આલોચના કરી છે ત્યારે કઈ જોગવાઈ વિવાદાસ્પદ છે ?!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “ખરાં અને ખોટાં વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય ! પરંતુ અસત્ય સામે સત્યને ખોળી કાઢીને તેને પકડી રાખવું એ ન્યાય છે”!! ભારતની વર્તમાન કેન્દ્ર સરકારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બ્રિટીશ સમયના કાયદાઓ રદ કરીને નવા કાયદાકીય જોગવાઈ સાથે નવું નામકરણ કર્યુ છે ! જેમાં (૧) ભારતીય ન્યાય સંહિતા, (ર) નાગરિક સુરક્ષા સંહિતા અને (૩) સાક્ષ્ય અધિનિયમની રચના કરાયા બાદ તેનો અમલ કરાય છે !

માટે જુના અને નવા કાયદા મુજબ કેસો કોર્ટમાં ચાલતા સૌથી મોટો બોજો તો ન્યાય પ્રક્રીયા સાથે જોડાયેલા બધાં ઉપર આવશે !! કેટલીક જોગવાઈઓના ફેરફાર સાથે જુના કાયદા અમલમાં આવ્યા છે એવું જણાય છે! નવા કાયદાઓ ઘડવા પાછળ સરકારનો ઉદ્દેશ ગુન્હેગારો છટકી ન જાય અને સમાજમાં ગુન્હેગારો પર ધાક ઉભી થાય એ ઉદ્દેશ છે !!

આ કાયદા ઘડવા પાછળ રાજકીય ફીલસુફીનો અમલ કરાવવાનો પણ છે સાથે આરોપીઓ કાયદાની હળવાશનો લાભ લઈને છટકી જાય છે ! તેમને કાનૂનના સકંજામાંથી બરી થતાં રોકવાનો પણ મોટો ઉદ્દેશ છે ! નવા કાયદાની કલમ-૧૮૭(૨), ૧૧૧(૧), ૧૭૨(૨) ની જોગવાઈ કડક કરી છે જેથી સમાજમાં ગુન્હેગારો સામે ધાક ઉભી થાય ! પરંતુ સાથો સાથ આ જોગવાઈઓ સામે કાયદાશાસ્ત્રીઓમાં તીવ્ર મતભેદો પણ સર્જાયા છે !!

હેરેલ્ડ લેસ્કીએ દેશની સર્વાેપરી અદાલતને “ધારાસભા”નું ત્રીજુ ગૃહ કહે છે ! એનો અર્થ એ છે કે, સરકારને ફકત કાયદાઓ ઘડવાની સત્તા છે ! પરંતુ જો આ કાયદાઓએ દેશના બંધારણ સાથે સુસંગત ન હોય તો આવા કાયદાઓ સર્વાેચ્ચ અદાલતે સમીક્ષા કરી ગેરબંધારણીય અને રદબાતલ ઠરાવી શકે છે ! ત્યારે દેશના કેટલાક કાયદાશાસ્ત્રીઓએ નવા કાયદાના અમલ સામે તેમજ કેટલીક જોગવાઈઓને ગેરબંધારણીય જણાવી રહ્યા છે

એ જોતાં આ તમામ નવા રચાયેલા કાયદાઓ દેશના બંધારણીય મૂળભૂત અધિકારો સાથે સુસંગત ન હોઈને ન્યાયની અદાલતમાં પડકારાશે એવો દેશમાં માહોલ સર્જાયો છે ! ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે, આનો વિરોધ દક્ષિણના રાજયોમાં વધુ થાય એવી શકયતા છે ! કારણ કે નવા કાયદાની રચનામાં “ફકત હિન્દી” શબ્દો મુકાયા છે !

જે દક્ષિણના રાજયોમાં વિવાદનું કેન્દ્ર બનશે કારણ કે બંધારણના અનુચ્છેદ-૩૪૧ મુજબ કાનૂની જે ખરડાઓ કે વટહુકમો વગેરે સંસદમાં જો અંગ્રેજી ભાષામાં રજૂ થતાં હોય જયારે ૫૯% લોકો હિન્દી નહીં અન્ય ભાષા જાણે છે માટે આ મુદ્દો અદાલતમાં જવાની શકયતા છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.