એવું તે શું થયું કે 20 થી વધુ આંગડિયા પેઢીની ઓફિસોમાં સોંપો પડી ગયો
અમદાવાદ, સીઆઇડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાલતી ક્રિકેટના સટ્ટાની તપાસમાં પીએમ એન્ટરપ્રાઇઝ અને એચએમ આંગડિયા સહિતની આંગડિયા પેઢીના નામ બહાર આવ્યા છે. તેના પગલે સીજી રોડ પર ઇસ્કોન આર્કેડમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસોમાં સોંપો પડી ગયો છે.
૨૦થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો બંધ થઈ ગઈ છે. આ બધી ઓફિસો પર તાળા જોવા મળ્યા હતા.પીએમ એન્ટરપ્રાઇઝ અને એચએમ ગડિયા પેઢી બંનેની ઓફિસમાં પણ તાળા હતા. કોઈપણ કર્મચારી ત્યાં જોવા મળ્યા ન હતા.
ઇસ્કોન માર્કેટમાં ત્રણ માળમાં દરેક માળ પર ત્રણથી ચાર આંગડિયા પેઢીની ઓફિસ આવેલી છે. આ ઉપરાંત આંગડિયા પેઢીના કર્મચારીઓ પણ કોઈપણ વાત કરવા તૈયાર નથી. હાલમાં ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી આંગડિયા પેઢીમાં કોઈ વ્યવહાર કરવામાં આવતા ન હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે રતનપોળ અને આસપાસના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ નિયમિત રીતેચાલુ છે, પરંતુ વ્યવહાર થતા નથી. જો કે ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી પૂરી થયા પછી તેમા નાના નાના વ્યવહારો શરૂ થયા છે. શહેરમાં અન્ય સ્થળે આવેલી આંગડિયા પેઢીઓ ચાલુ છે.
એન્ટરપ્રાઇઝના નામે અન્ય કેટલીક પેઢીઓ આવેલી છે તે બંધ જોવા મળી છે. ડાયમંડ જ્વેલર્સ અને અન્ય પાર્સલો જે મોકલવામાં આવે છે તેના કામકાજ ધીમે-ધીમે શરૂ થયા છે. આંગડિયા પેઢીઓ હવાલાની રકમની હેરાફેરી કરતી હોવાના આરોપના પગલે આ તપાસ શરૂ થઈ છે.
અમદાવાદ ઝોનના સીઆઇડી ક્રાઇમની વિગે ક્રિકેટમાં સટ્ટાનો એક કેસ કર્યો હતો. આ કેસની તપાસમાં અવનવા વળાંક આવ્યા છે. તેમા ફક્ત ક્રિકેટ બેટિંગ જ નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય હવાલા કારોબાર હોવાની પણ જાણ થઈ છે. આ ઉપરાંત આંગડિયા દ્વારા અહીંથી દુબઈ ઓનલાઇન ગેમિંગના ખેલાડીઓ પાસે રૂપિયા પહોંચતા હતા.
કેટલાક લોકો ડમી એકાઉન્ટને ક્રિકેટના સટ્ટા માટે વાપરતા હતા. અત્યાર સુધી તપાસ દરમિયાન કેટલાક એકાઉન્ટ મળ્યા છે. કરોડોની રકમ અને લાખો રૂપિયાનું સોનું અને વિદેશી નાણું મળી આવ્યું છે.