એવું તે શું થયું કે વહુએ સાસુને છાતીમાં લાત મારીને પાંસળી તોડી નાંખી
પતિ અને સસરાના બાઈક તોડ્યાઃ ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ-બાળકને હોસ્પિટલ લઈ જવા મામલે પુત્રવધૂએ સાસરિયામાં એસિડ એટેક કર્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં હેવાન બનેલી પુત્રવધૂએ સાસુની છાતીમાં લાત મારીને પાંસળી તોડી નાંખ્યા બાદ પતિ તેમજ સસરાના બાઈક તોડીને એસિડ એટેક કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બાળકને હોસ્પિટલ લઈ જવા મામલે બબાલ થઈ હતી. જેમાં વીફરેલી પુત્રવધૂએ હુમલો કરીને હાહાકાર મચાવી દીધો હતો.
સાસુને હોસ્પિટલથી ઘરે લાવ્યા ત્યારે પુત્રવધૂ તેની બહેન તેમજ સંબંધીઓને લઈ આવી હતી અને ઘરના દરવાજા પર એસિડની બે બોટલો ફેંકી હતી. એસિડ એટેક કૃયા બાદ પુત્રવધૂએ સાસુની હત્યા કરાવી દેવાની પણ ધમકી આપી હતી.
નિકોલ વિસ્તારમાં આવેલા અંકુર ચોકડી ટેનામેન્ટમાં રહેતા ગીતાબહેન ઢાલિયાવાળાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સોનિયા, શિવાની અંજલિ અને રવિ વિરૂદ્ધ હુમલા તેમજ એસિડ એટેકની ફરીયાદ કરી છે. ગીતાબહેન પતિ અશોકભાઈ તેમજ બાળકો સાથે રહે છે.
ગીતાબહેનની મોટી દીકરી રોશનના લગ્ન મેઘાણીનગર ખાતે રહેતા પ્રકાશ સાથે થયા હતા જ્યારે દિકરા જકના લગ્ન સોનિયા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ સોનિયા સાસરિયાંને હેરાન-પરેશાન કરતી હતી અને ઘરખર્ચ બાબતે બબાલ કરતી હતી. સોનિયા કહ્યામાં નહીં હોવાથી તે અવારનવાર પિયરમાં રહેવા માટે જતી રહેતી હતી.
થોડા દિવસ પહેલાં સોનિયા ઘર બહાર કપડા સૂકવતી હતી ત્યારે ેણે પહેરેલા કપડા અસ્તવ્યસ્ત હતા જેથી જનકે તેની પાસે જઈ ઠપકો આપ્યો હતો અને કપડા વ્યવસ્થિત પહેરવાનું કહ્યું હતું. જનકની વાત સાંભળીને સોનિયાએ બબાલ કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી ગીતાબહેને બન્નેને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું. સોનિયાએ તે સમયે ટાંકીમાં પડીને આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ જનકે તેને પકડી લીધી હતી.
જનક અને સોનિયાના દિકરાને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હોવાથી ગીતાબહેને સોનિયાને દવાખાને લઈ જવાનું કહ્યું હતું. સોનિયા દિકરાને દવાખાને ના લઈ ગઈ અને પોતાની મનમાની કરવા લાગી હતી. દવાખાને લઈ જવા મામલે સોનિયાએ ઘરમાં મોટી બબાલ કરી હતી જેની અદાવત રાખીને બીજા દિવસે તેણે ગીતાબેહનને છાતીમાં લાત મારી દીધી હતી. સોનિયા તેના દિકરાને લઈ જતી રહી હતી ત્યારે જનક તેમજ અશોકભાઈ ગીતાબહેનને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગીતાબહેનનું સીટી સ્કેન કરાવતા તેમને પાંસળીમાં ફ્રેકચર થયું હોવાનું સામે આવ્યું હતું.
ગીતાબહેનની સારવાર કરાવીને તે ઘરે આવ્યા ત્યારે સોનિયા, તેની બહેન શિવાની, અંજલિ તથા રવિ રિક્ષા લઈને આવ્યા હતા. ચારેય જણા ગાળો બોલવા લાગ્યા હતા જેથી ગીતાબહેન અને જનકે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. ચારેય જણાએ પથ્થર લઈને જનક અને અશોકભાઈની બાઈક તોડી નાંખી હતી. ચારેય જણાએ ગીતાબહેનના ઘર ઉપર એસિડ એટેક કર્યો હતો અને ત્યાંથી જતા રહ્યા હતા.
સોનિયાએ જતાં જતાં ધમકી આપી હતી કે હું તારા ઉપર ખોટા-ખોટા કેસ કરીશ અને તારું મર્ડર કરાવી નાંખીશ. ગીતાબહેને આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂ સહિત ચાર લોકો વિરૂદ્ધ ફરીયાદ કરી છે. પોલીસે ગીતાબહેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.