ધર્મ એટલે પ્રભુના કાયદા સૃષ્ટિના સર્જકે સૃષ્ટિ બનાવ્યા પહેલાં જે બંધારણ આપ્યું તે ધર્મ
કેવો ધર્મ પ્રભુને ગમે?
ધર્મથી ધારણા થાય, દાંપત્ય કુટુંબ ને રાષ્ટ્ર | સૃષ્ટિના સર્જકનું એ બંધારણ ગણાય ||
ધર્મ શબ્દની વ્યાપકતા અને તેનું ઊંડાણ એટલું ગહન છે કે તેને સમજવામાં બુદ્ધિ ટૂંકી પડે. આખું વિશ્વ ધર્મ વડે જ ધારણ થયેલ છે. જેમકે ધારણાત ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા. ધર્મથી જ વ્યક્તિત્વ-કુટુંબ-સમાજ અને રાષ્ટ્ર ધારણ થાય તેવી રીતની જે વિચારધારા અને શક્તિ આપે છે તે ધર્મ છે.
સૃષ્ટિના સર્જકે સૃષ્ટિ બનાવ્યા પહેલાં જે બંધારણ આપ્યું તે ધર્મ. ધર્મ એટલે પ્રભુના કાયદા અને તે કાયદા એટલે અપૌરુષેય વેદો, ઉપનીષદો, ગીતા છે. આપણે એક ફેક્ટરી-કંપની કરીએ, બેન્ક ઊભી કરીએ, મંડળી કરીએ તો પહેલાં એનું બંધારણ બનાવ્યું તે ધર્મ,
અને જાે તે મુજબ ઘરનું, કુટુંબનું, સમાજ અને રાષ્ટ્રનાં બંધારણો ધર્મને ધ્યાનમાં લઈ બનાવીએ અને તે મુજબ જ માણસોનાં જીવનો જાેડાય તો સર્વાંગીણ વિકાસ થઈ શકે. હરકોઈ વ્યક્તિ સુખી, શાન્ત અને સમૃદ્ધ બની શકે. જીવનનો દૈવી આનંદ માણી શકે.
જુદા જુદા ક્ષેત્રોમાં ધર્મપ્રેરણા બદલાય છે અને તે મુજબ કર્તવ્ય કર્મ કરવું જાેઈએ. અર્જુન જ્યારે કુરુક્ષેત્રમાં લડવા આવ્યો ત્યારે સામા પક્ષે દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ તથા સગાસબંધી કુટુંબ પરિવાર જાેયો. તે લોકોને હું મારી નાખું.
જે ભીષ્મદાદાએ ગોદમાં મને રમાડ્યો છે તેમને મારી નાખું. જે ગુરુએ ખભા ઉપર હાથ મૂકી વ્હાલથી શસ્ત્રવિદ્યા શીખવી તે પૂજનીય ગુરુને મારી નાખું.
આ વિચારે તેને વ્યામોહ થયો, તો ગાંડીવ હાથમાંથી સરકી ગયું ને રોમ રોમમાં ધ્રૂજારી છૂટી-ને કહેવા લાગ્યો કે-હે કૃષ્ણ હું જંગલમાં જઈ સન્યાસી બની જીવન વિતાવીશ. મારે રાજ્ય જાેઈતું નથી, રાજ્ય કરવું નથી.
અહીં અર્જુન ધર્મચ્યુત થયો છે. કઠોર કર્તવ્ય પરાયણતા ચુક્યો છે. ‘કિં કર્તવ્યમૂઢ’ થયો છે અને તે અર્જુનના વિષાદને દૂર કરવા ભગવાને ગીતા કહી તેનો વિષાદ દૂર કરવા આત્માની અમરતા, દેહની ક્ષણભંગુરતા અને સ્વધર્મ કર્મની અબાદયતા સમજાવી. હે અર્જુન દેહ ક્ષણભંગુર છે. આત્મા અમર છે.
આત્મા બીજાે દેહ લઈ શકે છે. અત્યારે તું ચક્રવતી રાજા છે. તારો રાજા ધર્મ સંભાળ. જે લોકો ધર્મનાં મૂલ્યો, નૈતિક મૂલ્યોની તોડફોડ કરે છે રાજા તરીકે તે મૂલ્યોનું રક્ષણ કરવાને બદલે નાશ કરી પોતાની રીતે પોતાનું બંધારણ સર્જી રાજ્ય કરવા માગે છે. પ્રભુનુ બંધારણ અમાન્ય કરે છે.
તેવાઓ સામે ધર્મરક્ષણ કાજે, નૈતિક મૂલ્યો કાજે લડવા તને તારો ધર્મ ફરજ પાડે છે. ધર્મનું રક્ષણ કરવું તે તારો રાજા ધર્મ છે. તારો ધર્મ છોડી તું સન્યાસી બનવા જંગલમાં જઈ શકતો નથી. સ્વધર્મ નિધન શ્રેય પર ધર્મો ભયાવહ. આમ ભગવાને જ તેને ગીતા કહી સ્વધર્મ બતાવ્યો છે, લડવા માટે તત્પર કર્યો છે.
સોળ વર્ષે માધવરાવ પેશ્વાએ પોતાના મામા રાસ્તેએ ગુનો કર્યો તો સજા કરી. તે વખતે તેમની માતા ગોપીકાબાઈએ કહ્યું તારા સગા મામાને આરોપી તરીકે દરબારમાં બોલાવે છે ? શરમ નથી આવતી ? માધવરાવે કહ્યું કે બા મામા ઘરે આવે તો નમસ્કાર કરીશ, સત્કાર કરીશ પણ હું પેશ્વા સરકાર તરીકે બેસીસ ત્યારે આરોપી તરીકે જ દરબારમાં બોલાવીસ. આ જ મારું સ્વધર્મ કર્મ છે.
તેવી રીતે જુદા જુદા ક્ષેત્રોમાં કર્મપ્રેરક ધર્મ જ છે. ઘરમાં જુદા જુદા પાત્રોના પણ જુદા જુદા ધર્મો છે. જેમકે પુત્રધર્મ, પત્નીધર્મ, પિતાધર્મ, સાસુધર્મ, પુત્રવધુધર્મ, કુટુંબધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ. આ બધા દરેકની જગ્યાએ જ રહી કર્તવ્ય બજાવે તો જ માનવબગીચો મહેંકી ઊઠે. જેમકે ઘરની સ્ત્રી રાંધવાનું કર્મ છોડીને કંટાળીને બીજું કામ કરે તો સ્વર્ગ ન મળે.
સ્ત્રીને એમ લાગે કે હું પુરુષ સમોવડી થાઉં તો ઘણાં સારાં કામો કરું. તેને કહેવું પડે કે તું સારી સ્ત્રી થા. પુરુષ સ્ત્રી જેવો થાય તો ન ચાલે. પુરુષ સારો પુરુષ થાય તું તારી બેઠક પકડીને વિકાસક્રમ મુજબ તને આપેલી શક્તિ ખીલવતો રહે તેમાં જ કલ્યાણ છે. સ્ત્રીને સ્ત્રી તરીકે જે ગુણો આપ્યા છે તે તેણીએ ખીલવવા જાેઈએ.
એનું કારણ તે ગુણો ખીલવવા માટે અનુરૂપ શરીર આપ્યું છે. તેમાં સ્ત્રીત્વના ગુણો ખીલવશે તો તેના કરતાં સારો જન્મ બીજા જન્મમાં મળશે. તેના બદલે સ્ત્રીનો દેહ મળ્યા છતાં પુરુષી ગુણો ખીલવવા પ્રયત્ન કરશે તો સ્ત્રીત્વના સહજ મળેલા ગુણો ખોઈ બેસસે અને પુરુષી ગુણો મેળવી નહિ શકે. તેના પરિણામે વિકાસક્રમમાં અટકાવ આવશે.
બીજા જન્મારે તકલીફ થશે તે વધારામાં. પરધર્મો ભયાવહ તે ન્યાય મુજબ આપણી સંસ્કૃતિમાં ચાર પુરુષાર્થ કહ્યા છે ઃ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ. અર્થ અને કામ, ધર્મ અને મોક્ષની વચ્ચે રાખ્યા છે. તે ધર્મની મર્યાદામાં રહીને પ્રાપ્ત કરવા. અર્થ એટલે વિત્ત-લક્ષ્મી મેળવવા જ જાેઈએ. હું કુબેરનો વૈભવ પ્રાપ્ત કરીશ. લક્ષ્મી શક્તિ છે અને તે સજ્જનોએ પ્રાપ્ત કરવી જ જાેઈએ.
રાક્ષસો જાેડે લક્ષ્મી જશે તો જગત બગડશે. આપણા ઋષિઓએ લક્ષ્મી અને વિદ્યા બન્ને શક્તિઓ માંગી છે. વર્ષમાં એક દિવસ તો લક્ષ્મીપૂજન (ધનતેરસ)નો રાખેલ છે. લક્ષ્મીનો આગ્રહ રાખેલ છે પણ તેના તરફનો વ્યવહાર માનો રાખવાનો છે. લક્ષ્મી મારી ‘મા’ છે. વિષ્ણુપત્ની છે. ગોલીની જેમ વ્યવહાર ન કરો. ધર્મની મર્યાદામાં પ્રાપ્ત કરો.
રઘુરાજા તેનું ઉદાહરણ છે. આવી લક્ષ્મી ધર્મલક્ષ્મી આશીર્વાદ જ આશીર્વાદ આપશે. છેલ્લી વાત કે દરેક વ્યક્તિ જ્યાં ઊભી હોય ત્યાં તે સ્થાને પોતાનો ધર્મ બજાવે. જેમકે રામ પુત્રધર્મ કારણે વનમાં ગયા. ભરત નાના ભાઈના ધર્મમાં રહ્યા, તો ગાદી ઉપર રામની પાદુકાઓ જ રાખી. પોતે ન બેઠા. રામના સેવક થઈને જ રાજ ચલાવ્યું.
સીતા માતાધર્મ ખાતર સગર્ભાવસ્થામાં જંગલમાં ગયાં છે. રામે રાણી સીતાનો ત્યાગ કયોર્ે, સતી સીતાનો નહિ. રોહીત (હરીશચંદ્રનો પુત્ર) પુત્રધર્મ માટે માતા પિતાના પહેલાં વેચાણો છે. લક્ષ્મણ બંધુધર્મ સમજી મોટાભાઈની સેવા માટે ચૌદ વર્ષ સુધી ભર યુવાનીમાં પત્ની છોડીને રામ સાથે જંગલમાં ગયો છે.
આ રીતે સંસારજીવનનાં બધાં પાત્રો પોતપોતાનો ધર્મ પકડીને સુખ-દુઃખમાં ચાલશે તો સૃષ્ટિ નંદનવન બનશે, સ્વર્ગ બનશે. આવો કર્તવ્ય પરાયણ ધર્મ પ્રભુને જરૂર ગમશે.