બાળકમાં શું ખાસિયત છે તે ઓળખી તેને વિકસાવવી જોઈએઃ સુનયના તોમર
નાંદોલમાં ધો.૧માં ૧પ બાળકોને પ્રવેશ અપાવાયો
ગાંધીનગર, ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ ખાતેની લક્ષ્મીપુરા નાંદોલ પ્રા. શાળામાં અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે ભૂલંકાને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ભૂલકાંને શૈક્ષણિક કીટ આપીને બાલવાટીકા અને ધો.૧ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલ કરી સચિવે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટિકામાં ૭ અને ધો.૧માં ૧પ બાળકો એમ કુલ રર બાળકોને અધિક મુખ્ય સચિવે પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યારે શિક્ષકો અને માતા પિતાની પણ કેટલીક ફરજ છે. જેમકે માતા પિતાએ બાળકોને શાળાએ મોકલવા જ પડે તો જ તેમના બાળકોનું ભવિષ્ય ઉજજવળ થશે.
એવી જ રીતે શિક્ષકોએ પણ જાગૃત રહેવાનું છે. વર્ગખંડમાં બાળકોની કોઈ એક સિદ્ધાંત કે આદતથી માપણી ન કરતા દરેક બાળકમાં શું ખાસિયત છે તે ઓળખી તેને વિકસાવવી જોઈએ.
વડવાસા અને મોહનપુરા પ્રા.શાળામાં પણ સંયુકત રીતે આંગણવાડીમાં ર, બાલવાટીકામાં ૩૦ તથા ધો.૧ માં ર૭ મળી કુલ પ૯ બાળકોને અધિક મુખ્ય સચિવે શાળામાં પ્રવેશ આપ્યો હતો. તેમજ જિલ્લા કલેકટર મેહુલ દવેના હસ્તે દશેલા ગામના આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧ના કુલ-પ૧ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો.