એટીએમ અને ક્રેડીટ કાર્ડ પર કાળી પટ્ટી શેની હોય છે ?
એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય તો તેનું કાર્ડ મશીનના સ્લોટમાં યોગ્ય રીતે નાખવું પડે. કાર્ડ ઉપરની કાળી પટ્ટી જરૂરી દિશામાં હોય તો જ કાર્ડ ઓળખાય છે. ઘણા ઈલેકટ્રોનિક કાર્ડ ઉપર આ કાળી પટ્ટી હોય છે તેને મેગ્નેટિક સ્ટ્રીપ કહે છે. મેગ્નેટિક સ્ટ્રીપ ચુંબકીય ધાતુ એટલે કે લોખંડના સૂક્ષ્મ રજકણોને પ્લાસ્ટીકમાં ભેળવી તૈયાર કરેલી પાતળી ફિલ્મ છે. લોખંડના રજકણો શક્તિશાળી મેગ્નેટની નજીક આવે તો પોતે જ ચુંબક બની જાય અને રજકણો કતારબંધ ગોઠવાઈ જાય છે.
ટેપ રેકાર્ટરમાં હોય છે તેવું મેગ્નેટિક રેકોર્ડર આ સ્ટ્રીપ ઉપર કાર્ડના માલિકની વિગતો, નંબર વગેરે ટેપ કરે છે. જયારે કાર્ડ મશીનના સ્લોટમાં નાખવામાં આવે ત્યારે આ મેગ્નેટિક સ્ટ્રીપ કાર્ડ રિડરની સામે રહે છે. કાર્ડ રિડરમાં વાયરની કોઈલ હોય છે. મેગ્નેટિક ફિલ્ડને કારણે કોઈલમાં વીજપ્રવાહ પેદા થાય છે. આ કરંટ કોમ્પ્યુટરની સર્કીટમાં જાય છે અને કાર્ડની વિગતો ઉકેલાય છે.
સ્ટ્રીપ ઉપરનો ડેટા બારકોડની જેમ ઉભી સુક્ષ્મ રેખાઓ મેગ્નેટિક ફિલ્ડની હોય છે તે આપણને દેખાતી નથી. એટીએમ ક્રેડિટ કાર્ડની મેગ્નેટિક સ્ટ્રીપ ઉપરનો ડેટા વર્ષો સુધી સચવાય છે તેમ છતાં કાળજી રાખવી જરૂરી છે. તેને કોઈ શક્તિશાળી ચૂંબકની નજીક રાખવું જાેઈએ નહી કે વધુ પડતું ગરમ પણ થવા દેવાય નહી તેમ કરવાથી તેનું મેગ્નેટિક ફિલ્ડ નબળું પડે છે અને ડેટા ભૂંસાઈ જાય છે.