દેશ ત્રાસવાદીઓ સામે સ્પાયવેરનો ઉપયોગ કરે તો તેમાં ખોટું શું છેઃ સુપ્રીમ

નવી દિલ્હી, પેગાસસ જાસૂસી વિવાદ અંગેની ટેકનિકલ સમિતિના અહેવાલને સાર્વજનિક કરવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે જો સરકાર આતંકવાદીઓ સામે સ્પાયવેરનો ઉપયોગ કરે તો તેમાં ખોટું શું છે? દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને સ્પર્શતો કોઈપણ અહેવાલ જાહેર કરી શકાય નહીં.
ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એન કોટિશ્વર સિંહની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે ગોપનીયતા ભંગની વ્યક્તિગત આશંકાઓની સુનાવણી કરી શકે છે, પરંતુ ટેકનિકલ સમિતિનો અહેવાલ “રસ્તાઓ પર” ચર્ચા કરવા માટેનો કોઈ દસ્તાવેજ નથી. દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને સ્પર્શતા કોઈપણ અહેવાલને જાહેર કરી શકાય નહીં, જોકે ટેકનિકલ સમિતિનો રીપોર્ટ કેટલી હદ સુધી જાહેર કરી શકાય છે તેની તે ચકાસણી કરશે.
એક અરજદારના એડવોકેટ દિનેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે સરકાર પાસે સ્પાયવેર હતું કે નહીં અને તેને તેનો ઉપયોગ કર્યાે હતો કે તે સવાલ છે. જો સરકાર પાસે તે છે, તો આજે પણ સરકારને તેનો સતત ઉપયોગ કરવાથી કોઈ રોકી શકે તેમ નથી. આનો જવાબ આપતાં ખંડપીઠે જણાવ્યું હતું કે આજકાલ આપણે જે પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે આપણે થોડા જવાબદાર બનીએ.
જો દેશ આતંકવાદીઓ સામે સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યો હોય તો શું ખોટું છે? સ્પાયવેર રાખવું ખોટું નથી, તમે કોની સામે ઉપયોગ કરી રહ્યા છો તે પ્રશ્ન છે. તમે રાષ્ટ્રની સુરક્ષા સાથે સમાધાન કરી શકતા નથી. ખાનગી નાગરિક વ્યક્તિ જેને ગોપનીયતાનો અધિકાર છે તે બંધારણ હેઠળ સુરક્ષિત રહેશે. સુપ્રીમ કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૩૦ જુલાઈએ નિર્ધારિત કરી હતી.
પેગાસસ જાસૂસી વિવાદ પછી સુપ્રીમ કોર્ટે ૨૫ ઓગસ્ટ ૨૦૨૨એ ટેકનિકલ સમિતિની રચના કરી હતી. આ સમિતિની તપાસમાં બહાર આવ્યું હતું કે ૨૯ તપાસાયેલા સેલ ફોનમાંથી પાંચમાં માલવેર મળ્યું હતું, પરંતુ સમિતિ એવું તારણ કાઢી શકી ન હતી કે પેગાસસનો ઉપયોગ થયો હતો.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ આર.વી. રવિન્દ્રનના અહેવાલ પછી સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કેન્દ્રએ પેગાસસ તપાસમાં સહકાર આપ્યો નથી.
સર્વાેચ્ચ અદાલતે ૨૦૨૧માં સરકારી એજન્સીઓ દ્વારા રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકરોના સર્વેલન્સ માટે ઇઝરાયેલી સ્પાયવેરના ઉપયોગના આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો અને આ બાબતની તપાસ કરવા માટે ટેકનિકલ અને દેખરેખ સમિતિઓની નિમણૂક કરી હતી.SS1MS