Western Times News

Gujarati News

કેવી અહિંસા પ્રભુને ગમે ? : અહિંસા એટલે હિંસા ન કરવી તેટલું જ પૂરતું નથી

કેવી અહિંસા પ્રભુને ગમે ?

અહિંસા પરમોધર્મ કહ્યો છે. હવે આપણે અહિંસાને સમજવા પ્રામાણિક પ્રયત્ન કરીશું. અહિંસા એટલે હિંસા ન કરવી તેટલું જ પૂરતું નથી, અહિંસા એટલે હિંસા તો ન કરવી વત્તા પ્રેમ કરવો, મળીને અહિંસા થાય. હવે અહિંસા વત્તા પ્રેમ આવતાં પ્રેમ જોડે પ્રતિકાર આવે જ. પ્રતિકાર વગરનો પ્રેમ એટલે તો મુર્ખતા, અને પ્રેમ વગરનો પ્રતિકાર તે તો માત્ર હિંસા જ હિંસા. આ સમજવા માટે ઉદાહરણ લઈશું.

એક નાનું બાળક ઘરના આંગણામાં રમતું રમતું માટી ખાવા લાગે છે, તેની બા બાળકને કહે છે માટી ન ખા. માટી ન ખવાય. છોડી દે, છોડી દે, બે ત્રણ વખત કહે છે, બાળક માનતું નથી તો આખરે ઊઠીને ‘મા’ બાળકને તમાચો મારીને માટી પડાવી નાંખે છે અને ધમકી આપે છે કે જો ફરીથી માટી ખાઈશ તો ખાવા આપીશ નહિ અને દંડા વડે મારીશ, કદી ભૂલથી પણ માટી ખાતો ના.

આ પ્રસંગ આપણને સમજાવે છે કે માતાને તેના દિકરા ઉપર પૂરેપૂરો પ્રેમ છે અને પ્રેમ છે તેથી જ પ્રતિકાર કરે છે. તમાચો મારે છે હિંસા કરે છે. પહેલા તેને માટી છોડી દેવા સમજાવે છે પણ તે સમજી ન શક્યું તો છેલ્લે તમાચો માર્યો, ભય આપી તેને નિયંત્રણમાં લીધો અને તેમાં જ બાળકનું હિત થયું. માટી ખાતા બચી શકયું.

તેવી રીતે કૃષ્ણે અર્જુનને કહ્યું કે, અર્જુન તને કૌરવો પ્રત્યે પ્રેમ હોય તો જ તેમને મારી નાંખ, જો તને પ્રેમ ન હોય અને મારીશ તો તું હિંસક ઠરીશ, ખૂની ઠરીશ અને તું ખૂન કરતો હોઈશ તો તેમાં મારું પીઠ બળ નહિ હોય. આ અહિંસાને ઊંડાણથી સમજાય તો ગીતા સમજવી સહેલી થશે.

દુર્યોધન એ એક ભોગવાદી, જડવાદી ચક્રવતી રાજા હતો. તે કાળના બીજા ઘણા રાજાઓ તેવા જ ભોગવાદી-જડવાદી હતા, જેમ કે જરાસંઘ, શીશુપાલ, દંતવક્ર વગેરે. આ લોકો સત્તાધીશો અને સંપત્તિવાન હતા. તેમનો એક અનિયંત્રિત અસંયમી કામી એવો સંઘ થયેલો હતો; અયંરત્ન, વયમ્?ભૂજા એ ન્યાયે અમે તમામ ભોગો સ્ત્રીઓ સહિત ભોગવવા જ જનમ્યા છીએ. અમને કોઈ અટકાવી શકે નહિ, ઈશ્વરી કાયદા અમને ચાલે નહિ, અમારા જ કાયદાથી અમે પ્રજા ઉપર શાસન કરીશું.

અમને કોઈ પૂછનાર નથી. આવી રીતના લોકોને સમજણ અગર ઉપદેશ કોઈનો લાગતો જ હોતો નથી. તેથી સુદામા આમ જનતામાં ઉપેદશ આપીને લોકોને ઈશ્વરભિમુખ કરતા. આમ જનતા ઉપદેશ યા ભાવ આપતાં બદલાઈ શકે છે. સત્તાવાન, સંપત્તિવાન બગડે તો તેને વિચાર આપવા પણ છેલ્લે તેનો નાશ કરવો પડે છે તે વાત કૃષ્ણ અહિં કહે છે કે હે અર્જુન જીવાત્મા અમર છે.

મરતો નથી અને આ લોકોનો જીવાત્મા, રાજાના ખોળિયામાં રહે છે ત્યાં સુધી વધુ પાપ જ કરશે, માટે તે ખોળિયામાંથી મુકત કર. શરીરનો નાશ કરે તો જ પાપ થતું અટકે. બીજું, જો તે લોકો વિજયી થાય તો આખા ભારત પર નિરશ્વરવાદ ફેલાઈ જાય, તેટલા માટે તેમના શ્રેય માટે, જનતાના શ્રેય માટે તને પ્રેમ હોય તો તું તારો ક્ષત્રિય ધર્મ બજાવી પ્રતિકાર કર, કાયર ન બન, પલાયનવાદી ન બન. પ્રતિકાર વગરનો પ્રેમ પ્રેમ જ નથી મુર્ખતા છે અને પ્રેમ વગરનો પ્રતિકાર કેવળ હિંસા જ હિંસા છે. આજ વાત કૃષ્ણ સમજાવે છે.

આજના સમાજમાં પણ પ્રતિકાર વગરના મા-બાપના પ્રેમના કારણે ઘણાં સંતોનાનાં જીવન બગડ્‌યાં છે, જેમ કે તમાકુ, ગુટખા, દારૂ પીવો, અફીણ, ગાંજો, ચળસ વિગેરેનું સેવન કરવું જે દુષણો ઊભાં થયાં છે તેના મૂળમાં વડીલોનો શરૂ શરૂમાં જ પ્રતિકાર વગરનો પ્રેમ જ જવાબદાર છે. આવા-આવતા દુષણને અટકાવવા ઘરના તમામ માણસોએ તેનો વિરોધ કરવો જોઈતો હતો, ન માને તો તેને સજા પણ કરવી જોઈતી હતી, તે ન થઈ જેના કારણે તે દુષણના ભોગ બન્યા.

ગાંધીજીએ પણ પ્રતિકાર કરેલો છે. પરદેશી શાસનને હટાવવાનું હતું. તેની પાસે શસ્ત્ર-સરંજામ ઘણો હતો, ઉચ્ચ પ્રકારનો હતો, જેથી આપણે તેમની સામે શસ્ત્રોથી લડી વિજયી તો ન થાત પણ મોટો વિનાશ સર્જત. ત્યારે ગાંધીજીની અહિંસા જ શસ્ત્ર બની અને ‘ના કર’ તેમજ સવિનય કાનૂન ભંગ, પરદેશી માલની હોળી કરો ના પોગ્રામો આપી, જબરદસ્ત તે કાળને અનુસરીને એક ઉચ્ચ પ્રકારની પ્રતિકારશક્તિ બતાવી, જેના કારણે અંગ્રેજોને જવું પડ્‌યું છે.

ભારતને આઝાદી આપવા માટે પ્રભુએ જ ગાંધી સરદારને મોકલેલા. ભારતમાં જ ભગવાને અવતારો લીધા છે અને વૈદિક સંસ્કૃતિને પીઠબળ આપેલું છે. આ સંસ્કૃતિ ભારત આઝાદ થાય તો જ વિશ્વમાં જાય. ગુલામ હોય તો તેની કોઈ ગમે તેટલી ઊંચી વાત પણ સાંભળે નહિ. તેથી આપણી વૈદિક સંસ્કૃતિને વિશ્વમાં લઈ જવા માટે જ ગાંધીજી સરદારને માધ્યમ બનાવી ભગવાને જ આઝાદી અપાવી છે તેવું સમજીશું

અને ભગવાનની એ ઇચ્છાને અનુકૂળ સંસ્કૃતિ વિશ્વમાં લઈ જવા માટે આપણી શક્તિઓ વાપરીશું. ઉપર કહ્યા મુજબ પ્રેમ સહિત અહિંસાને સમજીશું અને પ્રેમ માટે પ્રતિકાર કરીશું તો ઊભી થતી સમસ્યાઓને જ સમસ્યામાં મૂકી દઈશું. આપણે સમસ્યામુકત થઈશું. આવી રીતની વિધાયક અહિંસાને સમજીશું ને વર્તીશું તો તે રીતની અહિંસા પ્રભુને જરૂર ગમશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.