Western Times News

Gujarati News

US ફેડ વ્યાજ દરોમાં ઘટાડા અંગેની જાહેરાત કરે તો રૂપિયા પર શું અસર થશે?

ડોલર ઈન્ડેક્સ ચાર માસની ટોચે -ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે નુકસાનકારક સાબિત થઈ

વોશિંગ્ટન,  અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ભારતીય સહિત અન્ય દેશોના ચલણ માટે નુકસાનકારક સાબિત થઈ છે. ટ્રમ્પની જીતના અહેવાલો સાથે જ રૂપિયો ડોલર સામે ૧૫ પૈસા તૂટી ઓલટાઈમ લા ૮૪.૨૫ ના લેવલે પહોંચ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે જ તેની ફુગાવા આધારિત નીતિઓ ડોલરને વેગ આપશે તેવા સંકેતો સાથે ડોલર ઈન્ડેક્સ આજે બુધવારે ૧.૯ ટકા ઉછાળા સાથે ૧૦૫.૩૦ના ચાર માસની ટોચના લેવલે પહોંચ્યો છે. પરિણામે અન્ય એશિયાઈ અને યુરોપિયન કરન્સી નબળી પડી હતી.

ચૂંટણીની અનિશ્ચિતતાઓના કારણે છેલ્લા કેટલાક સમયથી ડોલર ઈન્ડેક્સ પ્રેશરમાં હતો. યુએસ ૧૦ વર્ષની યીલ્ડ પણ ૧૭ બેઝિસ પોઈન્ટ વધી ૪.૪૪ ટકાના સ્તરે પહોંચી છે. જે રૂપિયા પર પ્રેશર વધારશે.

યુએસ ફેડ આ સપ્તાહના અંત સુધીમાં બેઠક યોજી વ્યાજના દરોમાં ઘટાડા અંગેની જાહેરાત કરી શકે છે. ૨૦૨૫ માટે યુએસ ફેડ વ્યાજના દરો ૧૦૦ બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે તેવી શક્યતાઓ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે.

અગ્રેસિવ મૂડમાં કામ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ઈરાનની કરન્સી પણ ડોલર સામે તળિયે ઝાટક થઈ છે. ઈરાનના રિયાલ ડોલર સામે તૂટી ૭૦૩૦૦૦ ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ઈઝરાયલના સમર્થક ગણાતા અમેરિકામાં ટ્રમ્પની જીતથી ઈરાન પર પ્રતિકૂળ અસરો થવાની ભીતિ સાથે કરન્સી કડડભૂસ થઈ છે. ડોલર સામે અન્ય એેશિયન કરન્સીમાં જાપાનનો યેન ૧.૫૪ ટકા, સિંગાપોર ડોલર ૧.૧૯ ટકા, થાઈલેન્ડનો થાઈ બાહ્‌ટ ૧.૬૪ ટકા, ચીનનો યુઆન ૦.૭૪ ટકા તૂટ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.