Western Times News

Gujarati News

૧૦ રાજ્યની ચૂંટણીનાં પરિણામો શું બદલશે ?

દેશનાં ૧૦ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર (સંભવિત)માં યોજાનારી ચૂંટણીઓ લોકસભાની વર્ષ ૨૦૨૪માં થનારી ચૂંટણીનાં પરિણામોનો સ્પષ્ટ સંકેત સમાન હશે તે તો નક્કી છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે. નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી સત્તારૂઢ છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભાજપ સત્તાસ્થાને છે. તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની સરકાર સત્તામાં છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તારૂઢ છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમની વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન અલગ અલગ તારીખોએ સમાપ્ત થઈ રહ્યો છે. આ તમામ રાજ્યોમાં કુલ ૧૧૬ લોકસભા સીટો છે.

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનું નક્કી છે. જ્યારે કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે તો તેલંગાણામાં ટીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણિય જંગ ખેલાવાનો છે. ત્રિપુરામાં પણ ભાજપ, કોંગ્રેસ અને લેકફ્રન્ટ વચ્ચે મુકાબલો થવાનો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સતત પોતાના જનાધાર અને સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત ખુદના દમ પર સરકાર રચીને સમગ્ર દેશની જનતાને સંદેશ આપવાની તક ભાજપ ગુમાવવા ઇચ્છતો નથી.

ગુજરાતમાં તાજેતરમાં હાથ ધરાયેલા એક જનમત સર્વેક્ષણમાં બહુ ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં હતાં. અનુસૂચિત જનજાતિના અંદાજે ૩૫ ટકા મતદારોએ ભાજપ પર પોતાની પસંદગી ઉતારી હતી, જ્યારે કોંગ્રેસને ફક્ત ૨૭ ટકા મતદારોએ પસંદ કરી હતી. ગુજરાતમાં આદિવાસીઓનાં દિલ જીતવાનો ફાયદો ભાજપને રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ થશે. આ ત્રણેય રાજ્યમાં નવેમ્બર, ૨૦૨૩માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપે ગુજરાતની જેમ જ નેતૃત્વ પરિવર્તન કર્યુ છે. કર્ણાટકમાં મે અને ત્રિપુરામાં ફેબ્રુઆરી, ૨૦૨૩માં ચૂંટણી થવાની છે. આ માટે ગત જુલાઈમાં કર્ણાટકમાં બી.એસ.યેદિયુરપ્પાના સ્થાને બસવરાજ બોમ્મઈને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને ત્રિપુરામાં આ વર્ષે મે મહિનામાં બિપ્લવ દેવની જગ્યાએ માણિક સાહાને સુકાન સોંપવામાં આવ્યું હતું. વિકાસ કાર્યાેમાં જાેરદાર ઝડપ લાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જૂથવાદ અને ભ્રષ્ટાચારના આરોપોને દૂર કરવા માટે પણ નેતૃત્વ પરિવર્તન બહુ જરૂરી હતું.

ભાજપ વિરોધી લહેરને પલટી નાખવા માટે મોદી મેજિકની તમામ કાર્યકરો આશા રાખીને બેઠા છે. હિન્દી બેલ્ટના ત્રણ મહત્ત્વના રાજ્ય-મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તારૂઢ થવા માટે ભાજપે સ્થાનિક સ્તરે મેળવેલી સફળતાના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા અને તેમનાં વિકાસ કાર્યાે જ વધુ કામ લાગશે તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે. આ ત્રણેય રાજ્યમાં ભાજપનું નેતૃત્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મધ્યપ્રદેશ ભાજપના કેટલાક ટોચના નેતાઓ જ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના સ્થાને નરેન્દ્રસિંહ તોમરનું નામ આગળ વધારી રહ્યા છે. તોમરનો મજબૂત જનાધાર નથી અને તેઓ ખૂબ લોકપ્રિય એવા શિવરાજસિંહનો વિકલ્પ બની શકે તેમ ન હોવાથી હાલના સંજાેગોમાં આ સમસ્યા વકરે તેવું લાગતું નથી.

ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે અને ડો.રમણસિંહને અસજમંજસમાં છે. મોટાભાગના નેતાઓ અને કાર્યકરો માને છે કે આ વખતે આ બંને રાજ્યમાં ભાજપે મખ્યપ્રધાન પદના ઉમેદવાર વગર જ ચૂંટણી મેદાનમાં ઊતરવું જાેઈએ.
લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ભાજપને વિપક્ષમાં પડેલી ફૂટ અને અંદરોઅંદરના ડખાનો સીધો ફાયદો મળી શકે તેમ છે. કોંગ્રેસ ભલે હિમાચલ બેઠકોવાળું આ રાજ્ય લોકસભા ચૂંટણીમાં ખાસ મહત્ત્વ ધરાવતું નથી.

૨૦૨૪ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો દરેક મતદાર એ ખાસ જાેશે કે દેશને તે કોના હાથમાં સોંપી રહ્યો છે. આ હાથમાં દેશ સુરક્ષિત છે કે નહીં અને દુનિયામાં ભારતનું મસ્તક ગર્વથી ઊંચુ રહે તેવો દમ કયા નેતામાં છે. રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની એક્તા તથા અખંડિતતા લોકસભા ચૂંટણીમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા બની રહેશે. ભાજપે વર્ષાેથી આ તમામ મુદ્દાઓ પર જ લોકો પાસે મત માગ્યા છે અને સામાન્ય મતદાર પીએમ નરેન્દ્ર મોદીમાં એક મજબૂત નેતૃત્વને જાેઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષો માટે સામાન્ય લોકોની આ વિચારધારા બદલવી એ કોઈ નાનોસુનો પડકાર નથી. ૧૦ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આગામી લોકસભા ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ કરશે અને દેશના મતદારોનો અસલી મિજાજ પણ જાણવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.