નકલી ખાતર વેચી દેવાતા ખેડૂતોને ઘઉંનો પાક નિષ્ફળ ગયો
મીતીયાજ ગામના રપ જેટલા ખેડૂતોએ તડ ગામે એગ્રોમાંથી ખાતર ખરીદીને વાવણી કરી હતી-પાક પીળો પાડવા લાગતા ત્રણ-ત્રણ વખત યુરીયા ખાતર છાંટવા છતાં વિકાસ થતો નથી.
કોડીનાર, કોડીનાર તાલુકાના મીતીયાજ ગામના ખેડૂતોએ ઘઉની વાવણીમાં ખાતરની ખાસ જરૂરીયાત સમયે ઉના તાલુકાના તડ ગામે કિસાન એગ્રોમાંથી ડી.એ.પી. ખાતરની ખરીદી કરીને ઉપયોગ કર્યો હતો.
પણ આજે દોઢ માસ થવા છતાં પણ ઘઉંમાં વૃદ્ધિ નહી થવાથી તપાસ કરતા ખાતર નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખેડૂતો રોષે ભરાયા છે.અને આ બાબતે કિસાન એકતા સમીતી દ્વારા ખેડૂતોની મુલાકાત લઈ તાત્કાલીક વળતર મળે તે માટે ગીર સોમનાથ ખાતે ખેતી નિયામક અધિકારીને પત્ર લખીને માંગણી કરી છે.
આ મામલે કિસાન એકતા સમીતીનાં પ્રમુખ સુરપાલ બારડે જણાવ્યું હતું કે,
મીતીયાજ ગામના રપ જેટલા ખેડૂતોએ તડ ગામે એગ્રોમાંથી ખાતર ખરીદીને વાવણી કરી હતી. પરંતુ આ ઘઉંની વૃદ્ધિ અટકી ગઈ છે તેમજ પાક પીળો પાડવા લાગતા ત્રણ-ત્રણ વખત યુરીયા ખાતર છાંટવા છતાં વિકાસ થતો નથી. જેથી ખેતી નિયામક સહીતની ટીમ દ્વારા એગ્રોમાંથી સેમ્પલ લેવાયા છે. પરંતુ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી રપ જેટલા ખેડૂતો ભોગ બન્યા છે. તેમને વળતર આપવાની રજુઆત કરી છે.