ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તા. ૦૫ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે-
ભારત સરકારે ઘઉં માટે રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો-ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. ૧૭ માર્ચથી શુભારંભ થયો
ખેડૂતોને પોતાની ઉપજના પોશાન્ક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા વિવિધ જણશીઓના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. ૧૭ માર્ચથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારે ઘઉં માટે જાહેર કરાયેલા રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા આ ખરીદી કરવામાં આવી રહી છે.
લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ગત તા. ૦૧ માર્ચથી તા. ૧૬ માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના હજુ પણ કેટલાક ખેડૂતોએ નોંધણી કરાવવાની બાકી રહી જતા રાજ્ય સરકારે નોંધણીની સમયમર્યાદા આગામી તા. ૦૫ એપ્રિલ સુધી લંબાવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ VCE મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “૭/૧૨ કે ૮/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે.
ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર – ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર ખેડૂતોએ સંપર્ક કરવાનો રહેશે.