મકાન માલિકનો ભાઈ જાગી જતા ચોરે ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી
અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના ધોળકામાં એક ચોર ચોરી કરવા તો આવ્યો પણ મકાન માલિકનો ભાઈ જાગી જતા તેનજ ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. જોકે હત્યા કરી નાસી છુટેલા આ શખ્સની અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીએ ધરપકડ કરી હતી. ધોળકામાં અગાઉ પણ તેની પર ચોરીનો ગુનો દાખલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ બનાવની વિગત મુજબ ૭ માર્ચના રોજ ધોળકામાં કલીકુંડ સ્થિત સુરભી સોસાયટી વિભાગ-૧ માં આવેલા એક બંધ મકાનમાં એક શખ્સ ચોરી કરવા ઈરાદે ઘુસ્યો હતો. બીજી તરફ નજીકના જ મકાનમાં રહેતા ફરિયાદીના ભાઈ કિશનભાઈ તથા અન્ય પડોશીઓ શંકા જતા આ ઘરમાં તપાસ કરવા ગયા હતા. લોકોને જોઈને આરોપી ગભરાઈ ગયો હતો.
કિશનભાઈ અને અન્ય લોકોએ તેને પકડવાનો પ્રયાસ કરતા તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં આરોપીએ તેની પાસેના ચાકૂ વડે કિશનભાઈની છાતીમાં ડાબી બાજુએ ચાકૂ મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ આરોપી અહીંથી ભાગી ગયો હતો. બીજીતરફ સારવાર ઉર્થે કિશનભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે તેમનું મોત નીપજ્યું હતું.
આ અંગે કિશનભાઈના ભાઈ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસના પી.આઈ આર.એન કરમટિયા, પીએસઆઈ જે.એમ પટેલ. પોલીસ કોન્સ્ટેબલ વિપુલ જી. પટેલ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસ પાસે આરોપી અંગે કોઈ ચોક્કસ પુરાવા ન હતા. પરંતુ હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવીને આરોપી આનંદ ઉર્ફે હની કનુભાઈ દેવીપુજક (૨૩)ની ધરપકડ કરી હતી.
પી.આઈ કરમટિયાના જણાવ્યા મુજબ આરોપી આનંદ ધોળકામાં જ દેવીપુજક વાસમાં રહે છે અને તેની વિરૂધ્ધ અગાઉ ધોળકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. આ કેસની વધુ તપાસ ધોળકા ટાઉન પોલીસ કરી રહી છે.