Western Times News

Gujarati News

અમદાવાદમાં બેફામ ડ્રાઈવીંગ ક્યારે અટકશે?

લાલદરવાજા બસ ટર્મીનસ છે કે રેસીંગનું મેદાન ?- દ્વિચક્રી વાહન ચાલકો- ગાડીવાળા ક્યારે સુધરશે ?

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં બેફામ ડ્રાઈવીંગ એક મોટો મુદ્દો છે. સૌ કોઈને પોતાનું વાહન ઝડપથી નીકાળી લેવાની ટેવ હોય છે. કોઈપણ ચાર રસ્તા પર કે ક્રોસિંગ બંધ હોય ત્યારે આ બન્ને સ્થળોએ જેવો વાહન વ્યવહાર શરૂ થાય તેવા જ આડેધડ વાહનો નીકાળવાની હોડ લાગે છે. ઓવરસ્પીડ- રેસીંગ કોઈ નવી સમસ્યા નથી. પરંતુ બેફામ ગતિએ ચલાવતા વાહનો બીજા કોઈ નિર્દોષને ઉડાડી દે છે

આપણે ત્યાં ગતિ મર્યાદા નકકી કરવામાં આવી હોવા છતાં ખાનગી વાહનોની સાથે સરકારી વાહનો બેફામ ચાલતા નજરે પડે છે. બાઈકવાળા- એક્ટિવા ચલાવનારા તો ગમે ત્યાંથી વાહન નીકાળી લેશે. ફોર વ્હીલર્સવાળા બેફામ થાય છે. પરંતુ તેમને થોડોક ખુલ્લો રસ્તો મળવો જોઈએ. એસ.જી.હાઈવે અકસ્માત માટે જાણીતો છે.

પરંતુ હવે જશોદાનગરથી હાથીજણવાળો સીધો માર્ગ ‘એક્સીડન્ડ ઝોન’ બની ગયાની પ્રતિતી લોકોને થઈ રહી છે. અહીંયા તો બધા ઉતાવળમાં હોય છે. શટલ રીક્ષા ગાડીની ઝડપે દોડે છે તો અમુક વખત લાલબસવાળાને શૂરાતન ચઢે છે તો તે ભગાવે છે.

વટવા ઈન્ડસ્ટ્રીયલ ઝોન નજીક હોવાથી આ રસ્તેથી ટ્રકો- ટેમ્પા પસાર થાય છે તે બધા ઉતાવળમાં જ હોય છે. બાઈકોવાળા તો ખેલાડી છે રોડની સાઈડમાં ચલાવવાની જગ્યાએ મેઈન ટ્રેકમાં દોડાવશે. ઓવર સ્પીડ લગભગ બધે જોવા મળે છે. ૪૦-પ૦ કી.મી.ની સ્પીડને કોઈ જોતુ નથી. અમદાવાદ ટ્રાફિક વિભાગે તેથી ર૦રપના પ્રથમ બે મહિનામાં ઓવરસ્પીડ- રેસીંગ કરતા અનેક વાહનચાલકો પાસેથી દંડ વસૂલ્યો છે.

એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં ઓવરસ્પીડ ચલાવતા વાહનચાલકોની સંખ્યા બહોળી છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા મોટી સંખ્યામાં પક્કડમાં આવ્યા છે. લાલબસો માટે સ્પીડ લિમિટ બાંધવામાં આવી છે પરંતુ ‘લાલ દરવાજા બસ ટર્મીનસ’માં જયારે બસ વાળવામાં આવે ત્યારે ખબર પડે કે સ્પીડ લિમિટ ક્યાં અદ્રશ્ય થઈ જાય છે.

અમુક ડ્રાઈવરો બસ ટર્ન એવી રીતે લે છે કે જો સહેજ ગફલત થઈ જાય તો ઉભેલા પેસેન્જરોનું શું થાય તે તો ઉપરવાળો જ જાણે. ટૂંકમાં કોઈને ધીમે વાહન હાંકવુ નથી. તેમાં માત્ર બસવાળા નહિ, ખાનગી વાહનચાલકો, ગાડીવાળા, દ્વિ-ચક્રી વાહનચાલકો સૌ કોઈ સહિયારા જવાબદાર છે. અકસ્માતો એમ નથી સર્જાતા. ગાડી- ટુ વ્હીલર્સવાળાઓએ સ્પીડ લિમિટ માટેના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.