Western Times News

Gujarati News

શહેરમાં રાત્રે પૂરપાટ દોડી રહેલી ટ્રાવેલ્સની બસો પર કાબુ ક્યારે લેવાશે?

પ્રતિકાત્મક

સુવિધા ચાર રસ્તા પર લકઝરી બસની અડફેટે આવેલા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત-લકઝરી બસના ચાલકે પુરઝડપે ડાબી બાજુ ટર્ન લેતાં વૃદ્ધને અડફેટે લીધા

અમદાવાદ, શહેરના સુવિધા ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક લકઝરી બસના ચાલકે પુરઝડપે પાલડી તરફથી આવી ડાબી બાજુ ટર્ન લેતા એક વ્યક્તિને અડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યાે હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસે લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાત્રીના સમયે ટ્રાફિક ઓછો હોવાને કારણે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની બસો પૂરપાટ ગતીએ દોડતી જોવા મળે છે. તેમજ ગમે ત્યાં રસ્તા પર પણ ડ્રાયવરો લકઝરી બસો ઉભી રાખી દેતા હોય છે. રાત્રીના 9 થી 12 ના સમયમાં સામાન્ય રીતે અવરજવર ઓછી હોય છે તેમજ ટ્રાફિક પોલીસની હાજરી નહિવત હોવાને કારણે લકઝરી બસના ડ્રાયવરો બેફામ બનીને ચલાવતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે, અવાર નવાર પાલડી ચાર રસ્તા પાસે લકઝરી બસના ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવતા અકસ્માતો સર્જાતા હોય છે. એલિસ બ્રિજ પોલીસ અને ટ્રાફિક પોલીસની હપ્તાખોરીને કારણે આ ટ્રાવેલ્સ સંચાલકો બેફામ બનતા એક બાદ એક લોકોને જીવ ખોવાનો વારો આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

૫૩ વર્ષીય શંકરભાઈ પ્રજાપતિ સુવિધા ચાર રસ્તાથી સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે રાત્રે દસેક વાગ્યાના સુમારે પાલડી તરફથી એક ચાર્ટર્ડ લકઝરી બસ પુરઝડપે આવી હતી. બસના ચાલકે ડાબી બાજુ મહાલક્ષ્મી તરફ જવાના રોડ તરફ ટર્ન લેતા જ સાઈકલ લઈને જતા શંકરભાઈ પર બસ ચઢાવી દીધી હતી.

ડ્રાઈવરથી ફુલ ટર્ન ન વાગતા શંકરભાઈ અડફેટે આવી જતા બસના આગલા ટાયરમાં શંકરભાઈ પ્રજાપતિ આવી જતા ટાયર તેમના પર ફરી વળ્યું હતું અને ઘટના સ્થળે તેઓનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે રોડ પરથી પસાર થતાં લોકો એકત્રિત થઇ જતા ડ્રાઈવર ગભરાઈને નાસી છૂટ્યો હતો.

બીજીતરફ પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટના અંગે શંકરભાઈના પુત્ર આશિષભાઈની ફરિયાદ નોંધી અને ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.

પાલડી ચાર રસ્તા પાસે નિયત સમય પહેલાની બસના ચાલકો શહેરની અંદરના વિસ્તારોમાં બસ લાવતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાવેલ્સ સંચાલકો અને પોલીસની મીલીભગતના કારણે અહીં ટ્રાફિકજામ અને અકસ્માતની પણ સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિકો તરફથી ફરિયાદ ઉઠી છે.

એલિસ બ્રિજ અને ટ્રાફિક પોલીસની મીલીભગતના કારણે ટ્રાવેલ્સ સંચાલકો બેફામ બની લોકોને રંજાડતા હવે શું પગલાં લેવાય છે તે એક પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.