Western Times News

Gujarati News

ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટી મુદ્દે તપાસ કયારે ?

ગુજરાતના મોટા શહેરોમાં ફાટી નિકળેલા ખાનગી ટ્યુશન ક્લાસોમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી રહ્યા છે સંચાલકો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મીડિયાના અહેવાલો બાદ ફાયર વિભાગ જાગ્યું હોય તેમ કલેકટર કચેરી સંકુલમાં ફાયર સિસ્ટમ બંધ મુદ્દે ફાયર વિભાગે અધિક કલેક્ટરને નોટિસ ફટકારી છે.તો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલને પણ વિવિધ ક્ષતિઓ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.

પરંતુ ભરૂચમાં ચાલતા ખાનગી ટ્યુશન કલાસીસો ફાયર સેફટીના સાધનો વિના જ ધમ ધમી રહ્યા છે.ત્યારે કલાસીઓમાં કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા જ બેદરકારી ધરાવતા ટ્યુશન સંચાલકો સામે ફાયર વિભાગે કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.

રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ઘટના બાદ ભરૂચનું તંત્ર હજુ પણ કુંભકર્ણની નીંદરમાં હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચ કલેકટર કચેરીમાં જ ફાયરસિસ્ટમ બંધ હાલતમાં હોય અને ઉપયોગ વિનાની હોય જેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ ફાયર વિભાગ જાગ્યું હતું.

નગર પાલિકાના ફાયર વિભાગે અધિક કલેક્ટરને નોટિસ ફટકારી ફાયર સેફટીની સુવિધા કરવા નોટિસ ફટકારી દીધી હતી.તેવીજ રીતે સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર વિભાગની તપાસ દરમ્યાન ક્ષતિઓ સામે આવતા ફાયર વિભાગે સિવિલ હોસ્પિટલને પણ નોટિસ ફટકારી ક્ષતિઓ દૂર કરવાની તાકીદ કરી છે.

આવા તો ઘણા કિસ્સાઓ ભરૂચ જીલ્લામાં હશે.જેમાં ભરૂચમાં ધણી શૈક્ષણિક શાળાઓ અને ખાનગી ટ્યુશન કલાસીસો,જીમ તથા ડાન્સ ક્લાસો પણ ફાયર સેફટી વિનાના સાધનો વિનાના ચાલી રહ્યા છે. જ્યાં સતત લોકોની અવર જવર સાથે બાળકોની પણ અવર જવર રહેતી હોય તેવી જગ્યાએ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવે અને ફાયર સેફટીના સાધનો વિના ચાલતા ટ્યુશન ક્લાસના સંચાલકો ઉપર તવાઈ બોલાવી કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.પરંતુ ફાયર વિભાગ હજુ પણ નિષ્ક્રય જોવા મળી રહ્યું છે.

હજુ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં ઘરમાં પણ કોઈપણ જાતની સુવિધા વિના ખાનગી ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા છે અને ટ્યુશન ક્લાસો અને શૈક્ષણિક શાળાઓ ઉપર ફાયર એનઓસી માટે જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડશે તેવી માંગ હાલ વાલીઓ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.