દેશમાં જરૂરિયાતમંદોના 20 મિલિયન ટન ચોખા-ઘઉં જાય છે ક્યાં?
ગુજરાતમાં અંદાજીત ૩ કરોડ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદે છે.
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો ગરીબો માટે આશિર્વાદરૂપ, ત્રુટિઓ દુર થાય તો કામધેનુ સમાન બની શકે છે-
(પ્રતિનિધિ) અમદાવાદ, સસ્તા અનાજની દુકાન પર જરૂરિયાતમંદ ગરીબ-મધ્યમ વર્ગના લોકોને રેશનકાર્ડ મારફતે અનાજ આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની સાથે તેની વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવી રહયો છે.
વિશ્વમાં સૌથી મોટી સાર્વજનિક વિતરણ પ્રણાલી અંતર્ગત ભારતમાં કરોડો લોકો સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ખરીદીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે ગુજરાતમાં અંદાજીત ૩ કરોડ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદે છે.
ભારતમાં આ આંકડો ર૦ર૩ના અંદાજ મુજબ ૭૦ થી ૮૦ કરોડની આસપાસ છે. એવુ કહેવાય છે કે ભારતમાં રેશનકાર્ડની શરૂઆત ૧૯૪૦ની આસપાસ થઈ હતી. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અંગ્રેજોએ અનાજની સાર્વજનિક વિતરણ પ્રણાલી શરૂ કરી હતી.
સારા ઉદ્દેશથી ભારતમાં ચાલી રહેલી સસ્તા અનાજની દુકાનોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહયા છે. તાજેતરમાં એક અહેવાલ આવ્ય્ હતો કે દેશમાં સાર્વજનિક અનાજ વિતરણ પ્રણાલી અંતર્ગત ર૮ ટકા અનાજ ગરીબો સુધી પહોંચતુ નથી. અર્થાત્ આ અનાજ પગ કરી જાય છે. તેમાં સડો આવે છે. સમયસર પહોંચતુ નથી એવા તમામ મુદ્દાઓ ઉપસ્થિત થયા છે પણ આ ર૮ ટકા અનાજ ગરીબો સુધી નહી પહોંચતા સરકારને ૬૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે
લગભગ ૧/૩ ટકા અનાજ ગરીબો સુધી પહોંચતુ નથી સૌથી વધારે ર૦ મિલિયન ટન ચોખા-ઘઉં કે જે રોજીદા જીવનમાં ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે તે અનાજ પહોંચતુ નથી તેની પાછળ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર સિવાય કોઈ બીજુ મોટુ કારણ હોઈ શકે નહિ. ભારતમાં અનાજની સાર્વજનિક વિતરણ પ્રણાલી અવ્વલ નંબરે હોવા છતાં આ પ્રથામાં કેટલેક અંશે સડો પ્રવેશી ગયો છે.
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજ માટે લાંબી કતારો જોવા મળે છે ઘઉં, ચોખા, મીઠુ, તુવેરદાળ, ચણા સહિતની ખાદ્ય સામગ્રી મળે છે. પરંતુ મોટેભાગે રાશનધારકોને બધી વસ્તુઓ મળી જતી નથી. વારંવાર ધક્કાખાવા પડે છે.
ઘણી વખત તો જે મહિનાની ખાદ્ય સામગ્રી ન મળે તો બીજા મહિના પર આધાર રાખવો પડે છે. અમુક વિસ્તારમાં ફરિયાદ ઉઠી છે. રાશનની દુકાનોમાં અપાતા અનાજની ગુણવત્તાને લઈને પણ અનેક વખત સવાલો થાય છે પરંતુ પાછલા ઘણા વર્ષોથી લોકોને ગુણવત્તાયુકત અનાજ મળી રહયુ હોવાની વાત પણ રાશનધારકો જણાવી રહયા છે.
ગુજરાતમાં અનાજ વિતરણની પધ્ધતિમાં સુધારા-વધારાની જરૂર છે તો સસ્તા અનાજની દુકાનના ધારકો તેમને મળતા કમિશનમાં વધારો થાય તેવી માંગ કરી રહયા છે એ હકીકત છે કે સસ્તા અનાજની દુકાનો જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ છે. અનેક તકલીફોની વચ્ચે લોકોને અનાજ તો મળે છે પરંતુ વિતરણમાં ભ્રષ્ટાચાર સહિતની ત્રુટિઓ દુર કરાય તો સસ્તા અનાજની દુકાનો ગરીબો માટે સાચા અર્થમાં કામધેનું બની શકે છે.