ચૌધરી પરિવાર જે બોટમાં સવાર હતો તેનો ચાલક ક્યાં છે?
અમદાવાદ, કેનેડાથી બોટમાં બેસીને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના માણેકપુરાનો ચૌધરી પરિવાર અને રોમાનિયાનો એક પરિવાર ગત સપ્તાહે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયો હતો. નદીમાં બોટ પલટી જતાં આ બંને પરિવારના કુલ ૮ સભ્યો નદીમાં ડૂબી ગયા હતા. આ બંને પરિવાર જે બોટમાં સવાર હતા તે બોટના ચાલકનો પણ ઘટના બાદથી કોઈ પતો નથી.
એગ્વેસેસની મોહોક પોલીસ ગત ૩૦ માર્ચથી આ બોટના ચાલક કેસી ઓક્સની શોધખોળ કરી રહી છે. ઓક્સને છેલ્લે ૨૯મી માર્ચની રાત્રે એ બોટ ચલાવતો જાેવામાં આવ્યો હતો, જે નદીમાં તરતા મૃતદેહોની પાસેથી મળી હતી.
જાેકે, આ બે પરિવારના લોકોના મોત અને ઓક્સ વચ્ચે સીધું કનેક્શન હોવાની કોઈ વાત કરી નથી. ગેરકાયદે અમેરિકા જવાના પ્રયાસમાં કેનેડાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી (૫૦ વર્ષ), તેમની પત્ની દક્ષાબેન (૪૫ વર્ષ), દીકરી વિધિ (૨૪ વર્ષ) અને પુત્ર મીત (૨૦ વર્ષ) સાથે કેનેડા ટુરિસ્ટ વિઝા પર ગયા હતા.
જ્યારે તેમની સાથે બીજાે જે ચાર સભ્યોનો પરિવાર હતો તે રોમાનિયાનો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. તેમના મૃતદેહોને ગુજરાત લાવવાનો ખર્ચો ઘણો વધારે છે અને તેની પ્રક્રિયા પણ ઘણી અટપટી છે.
જેના કારણે મૃતદેહોને લાવવામાં ઘણો સમય જઈ શકે તેમ છે. જેથી મૃતકના પરિવારના બે ભાઈઓ કેનેડા જઈને તેમના અંતિમ સંસ્કાર કરશે તેવું નક્કી કરાયું હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઘટનામાં રોમાનિયાનો જે પરિવાર મોતને ભેટ્યો છે, તેમાં બેની ઓળખ કેનેડા પોલીસે કરી લીધી છે. તેમના નામ ક્રિસ્ટિના (મોનાલિસા) ઝેનૈદા લોર્ડેશ અને ફ્લોરિન લોર્ડેશ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યું કે, ફ્લોરિના પાસેથી એક વર્ષ અને બે વર્ષના બાળકોના બે પાસપોર્ટ પણ મળ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે, ફ્લોરિનને કેનેડામાંથી ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.
જેથી તે ટેન્શનમાં હતો અને આ ઘટના બની તેના ઘણા દિવસો પહેલાથી વકીલ શોધી રહ્યો હતો કે જેથી તે અને તેનો પરિવાર ડિપોર્ટ થતો બચી શકે. દરમિયાનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક ટોક શોમાં આ ઘટનાનો ભોગ બનનારાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી પોતાનો જીવ જાેખમમાં મૂકતા લોકોને રોકવા ઈચ્છે છે.
તેમણે જણાવ્યું કે, એ કારણે જ તેમણે અમેરિકા સાથે સેફ થર્ડ કન્ટ્રી એગ્રીમેન્ટ કર્યા છે, જેથી યોગ્ય ઈમિગ્રેશન પ્રક્રિયાનું પાલન થઈ શકે અને તેને પ્રોત્સાહન મળે.SS1MS