ભાજપ કયા બે નવા ચહેરાઓને રાજ્યસભામાં સ્થાન આપશે?
ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ જોતા ચારેય બેઠકો ભાજપ જીતશે-૧૪ ફેબ્રુઆરીએ ૪ બેઠકો પર ભાજપ નામ જાહેર કરે તેવી શક્યતા
ગાંધીનગર, ગુજરાતની ૪ રાજ્યસભાની બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઈનલ જેવું સમીકરણોના આધારે કહી શકાય છે. હાલની ૪ બેઠકમાંથી ૨ કોંગ્રેસ જ્યારે ૨ બેઠકો ભાજપ પાસે છે. વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ ૩૬ વોટ સાથે એક બેઠક પર જીત થાય છે.
ત્યારે ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટે ભાજપ ૧૪ ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભાજપ બે નવા ચહેરાને રાજ્યસભામાં સ્થાન આપી શકે છે. અત્રે જણાવીએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ૪ ઉમેદવારો નક્કી કરાશે. સૂત્રો પાપ્ત વિગતો એવી પણ છે કે, માંડવીયા અને રૂપાલાને લોકસભા ચૂંટણી લડાવવાની ભાજપમાં ચર્ચા છે.
૪ બેઠકો માટે ૧૪૪ સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ૪ ધારાસભ્યના રાજીનામા બાદ હાલ ૧૭૫ સભ્યોની સંખ્યા છે. ૧૭૮ ધારાસભ્યોમાંથી ભાજપ પાસે ૧૫૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો છે. વિધાનસભામાં આપ ના ૪, સમાજવાદી પાર્ટીના ૧ તેમજ અપક્ષના ૨ ધારાસભ્યો છે.
૧૮૨ બેઠકની વાત કરીએતો તેમાંથી કોગ્રેસના ૨, આપ અને અપક્ષના ૧-૧ ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. વર્તમાન સમીકરણને જોતા તમામ ૪ બેઠકો પર જીત સાથે રાજ્યની ૧૦ બેઠકો પર ભાજપનો કબ્જો છે. રાજ્યસભાની ૧૧ માંથી ફક્ત ૧ બેઠક કોંગ્રેસ પાસે રહેશે. જેમાં વર્તમાન શક્તિસિંહ ગોહિલ સાંસદસ છે. ગુજરાત વિધાનસભામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ ૧૫૬ બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો છે અને તેનો લાભ રાજ્યસભાની ચૂંટણીમાં થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યસભામાં કયા આગેવાનોને મોકલવા તે અંગે મંથન શરૂ થઈ ગયું હતું. ખાસ કરીને ગઈકાલે દિલ્હીમાં આ અંગે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. ભાજપ હંમેશા બેઠક ઉમેદવારોની પસંદગીમાં લોકોને ચોંકાવે છે. તે મુજબ આ વખતે પણ રાજ્યસભામાં બે નવા ચહેરાઓને સ્થાન આપે તેવું ચર્ચાઈ રહ્યું છે.