રામ નામની ધૂન બોલતા બંધન તૂટે પણ પોપટ પાંજરે પૂરાયો
બોધકથા..ગુરૂની મહિમા
૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા સદગુરૂની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.બ્રહ્મજ્ઞાન ગુરૂ વિના પ્રાપ્ત થતું નથી.અવતારી મહાપુરૂષોએ ૫ણ ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની મર્યાદાનું પાલન કર્યું છે. સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.
એક પંડીત દરરોજ રાણીવાસમાં કથા કરતા હતા અને કથાના અંતે તમામને કહેતા હતા કે રામ નામ લેવાથી બંધન તૂટે છે.તે સમયે પિંજરામાં બંધ પોપટ બોલતો હતો કે હે પંડીત આવું જુઠું ના બોલો ! આ સાંભળીને પંડીતને ક્રોધ આવતો હતો કે આ બધા શું વિચારશે? રાણી શું વિચારશે? આ સમસ્યા લઇને પંડીત પોતાના ગુરૂ પાસે જાય છે અને તમામ હકીકત કહે છે.ગુરૂ રાણીવાસમાં આવીને પોપટને પુછે છે કે તૂં આમ કેમ બોલે છે?
પોપટ કહે છે કે હું પહેલાં ખુલ્લા આકાશમાં ઉડતો હતો.એકવાર હું એક આશ્રમમાં જ્યાં તમામ સાધુ સંતો રામ નામની ધૂન બોલતા હતા તો મેં પણ રામનામ બોલવાનું શરૂ કર્યું. એક દિવસ એક સંતે મને પકડીને પિંજરામાં પુરી દીધો અને મને કેટલાક શ્લોક પણ શિખવાડ્યા. આશ્રમમાં એકવાર એક શેઠ આવે છે અને સંતને કેટલાક પૈસા આપીને ખરીદી ચાંદીના પિંજરામાં મને પુરી દે છે.
મારૂં બંધન વધતું ગયું, બહાર નીકળવાની કોઇ સંભાવના ન હતી. એક દિવસ રાજા પાસે કોઇ કામ કઢાવવા મને રાજાને ભેટમાં આપી દે છે.રાજા-રાણી ઘણા જ ખુશ હતા કારણ કે હું હંમેશાં રામ-રામનું ઉચ્ચારણ કરતો હતો. રાણી ધાર્મિક વૃત્તિના હતા એટલે રાજાએ મને રાણીવાસમાં આપી દીધો.હવે હું કેવી રીતે માનું કે રામનામથી બંધન તૂટે?
પોપટ કહે છે કે ગુરૂજી આપ જ મને કોઇ યુક્તિ બતાવે કે જેનાથી મારૂં બંધન તૂટે,ત્યારે ગુરૂજી કહે છે કે આજે તૂં ચૂપચાપ સૂઇ જા,સહેજપણ હલવાનું પણ નહી એટલે રાણી સમજશે કે પોપટ મરી ગયો છે એટલે તને પીંજરામાંથી છોડી મુકશે.ગુરૂજીના આદેશ અનુસાર બીજા દિવસે કથા પુરી થયા પછી પોપટે બોલવાનું બંધ કરી દીધું,ડોક મરડાઇ ગઇ છે એટલે રાણી સમજી કે પોપટ મરી ગયો છે એટલે રાણીએ પિંજરૂં ખોલ્યું એવો જ પોપટ પિંજરામાંથી નીકળીને આકાશમાં ઉડતાં ઉડતાં બોલ્યો કે સદગુરૂ મળે તો જ બંધન છુટે..સાર એટલો જ સમજવાનો કે તમામ શાસ્ત્રો વાંચી લો,ગમે તેટલા જપ-તપ કરી લો પરંતુ સાચા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વવેત્તા સદગુરૂ ના મળે ત્યાં સુધી સંસારની મોહમાયાના બંધનમાંથી છુટકારો થતો નથી. -સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ) [email protected]