Western Times News

Gujarati News

સફેદ મુસળી પહેલીવાર ઉગી નીકળે ત્યારે લોકો ઘરના બારણા પર મૂકી પૂર્વજોને યાદ કર્યા બાદ તેનો ઉપયોગ રસોઈમાં કરે છે

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં ઉગે છે -ડાંગમાં કમોસમી વરસાદથી સફેદ મુસળી ઉગી નીકળતા લોકોમાં ખુશી

વાંસદા, ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી પણ ડાંગ જિલ્લામાં આણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવળી નમની ભાજી (સફેદ મુસળી) ઉગી નીકળી છે

જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે. આ અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લાના દરડી ગામના શૈલેષભાઈ મહાલાએ સૌપ્રથમ પોતાના ગામમાં કમોસમી વરસાદમાં આ ભાજી ઉગેલી જોઈ અને આ વાતની જાણકારી આપણંં દક્ષિણ ગુજરાત ગ્રુપના અમિતભાઈ રાણાને આપી હતી. ત્યારબાદ આ બાબતે ગ્રુપમાં ચર્ચા થઈ હતી.

સામાન્ય રીતે કવળીની ભાજી જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ચાર-પાંચ દિવસમાં નીકળે છે પરંતુ આ વખતે કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં તે વહેલી જોવા મળી છે. ખાતર વગર કુદરતી રીતે ઉગી નીકળતી આ ભાજી પ્રથમ વરસાદમાં જ ખાવા મળતા લોકો રોમાંચિત થઈ ગયા હતા. કવળીની ભાજીને સ્થાનિક ભાષામાં કુમળીની ભાજી તેમજ સફેદ મુસળીના નામે પણ ઓળખવામાં આવે છે.

આ ભાજી પર સફેદ રંગના સુંદર ફૂલો જોવા મળે છે. ડાંગમાં જ્યારે આ ભાજી પહેલીવાર નીકળે છે ત્યારે ગામના લોકો તેને ઘરના બારણા ઉપર મૂકી પોતાના પૂર્વજોને યાદ કરે છે અને ત્યારબાદ તેનો ઉપયોગ રસોઈમાં ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ ભાજીમાંથી સ્વાદિષ્ટ શાક, ગોટા અને મુઠિયા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સફેદ મુસળી એક વનસ્પતિજન્ય પેદાશ છે. જેની ઔષધીય બજારમાં ખૂબ જ માંગ રહે છે. ચોમાસાની શરૂઆતના વરસાદમાં નીકળતી આ શક્તિવર્ધક કવળીની ભાજી ડાંગમાં ખૂબ જ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે ચોમાસાના ભારે વાતાવરણમાં આ ભાજી અહીંના લોકોને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.