અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ૪૦ સ્થળે વ્હાઈટ ટોપીંગ રોડ તૈયાર થશે
તમામ ઝોનમાં રૂા.૧રપ કરોડના ખર્ચથી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેગલુરૂના ધોરણે વ્હાઈટ ટોપીગ રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરે ર૦ર૩-ર૪ના બજેટમાં વ્હાઈટ ટોપીગ રોડ માટે જાહેરાત કરી હતી જેમાં સત્તાધારી પાર્ટીએ સુધારો સુચવી દરેક ઝોન દીઠ અલગથી રૂા.૧૦૦ કરોડ ફાળવ્યા છે.
મ્યુનિ. તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે ત્રણ રોડ બનાવવામાં આવ્યા બાદ પૂર્વ ઝોનમાં રૂા.૮ર.પ૦ કરોડના ખર્ચથી નવા રોડ બનાવવા મંજુરી આપવામાં આવી હતી. હવે પશ્ચિમ ઝોનમાં પણ રૂા.૮૬ કરોડના ખર્ચથી નવા વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કમિશ્નર દ્વારા ડ્રાફટ બજેટમાં વ્હાઈટ ટોપીગ બનાવવા માટે જે જાહેરાત કરવામાં આવી હતી તેના માટે તત્કાલીન સ્ટેન્ડીગ ચેરમેન હિતેશભાઈ બારોટે સતત પ્રયત્ન કરતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર માટે રૂા.૭પ-૭પ કરોડના બે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી પૂર્વ વિસ્તારના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે
જયારે પશ્ચિમ વિસ્તારના ત્રણ ઝોન માટે ગુરૂવારે મળનારી સ્ટેન્ડીગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેમા કમિશ્નરે બજેટમાં સુચવેલ ૬ રોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો જયારે તત્કાલીન સ્ટેન્ડીગ કમિટિ તરફથી જે રોડ સુચવવામાં આવ્યા હતા તેને પણ સમાવવામાં આવ્યા છે.
શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને હળવી કરવા માટે બેગલુરૂના ધોરણે વ્હાઈટ ટોપીગ રોડ બનાવવાની શરૂઆત થઈ છે જે કેટલા અંશે સફળ રહેશે તેના ચોકકસ પરિણામ ર૦ર૪ની ચોમાસાની સીઝન દરમિયાન જાેવા મળશેે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા બજેટ સુધારામાં તમામ ઝોનમાં રૂા.૧રપ કરોડના ખર્ચથી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી
જેના ભાગરૂપે જ પૂર્વ મંજુરી આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય ઝોનમાં પણ વ્હાઈટ ટોપીંગ રોડના કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.