કોણે કોણે અને ક્યાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે જાણો છો?
અમદાવાદ શહેરમાં ભુતકાળમાં આતંકવાદી તત્વો દ્વારા અલગ-અલગ જગ્યાઓએ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકા કરી મોટી જાનહાની તથા મિલકતની હાની કરવામાં આવેલ, ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો અનુસાર આવી ઘટનાઓની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે.
ઉપરાંત શહેરમાં વિભિન્ન પ્રકારના લુંટ, ધાડ જેવા ગુનાઓ પણ બનતા હોય છે. જાહેર સ્થળોમાં લગાડવામાં આવેલ સી.સી.ટી.વી.કેમેરા આંતકવાદી પ્રવૃતિઓ તેમજ ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડીરૂપ બને છે.
આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં,૨)ની કલમ ૧૪૪ અન્વયે તથા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામાં નં. જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં અનુક્રમે નીચે મુજબની જગ્યાઓ ઉપર સી.સી.ટી.વી.કેમેરા ગોઠવવા આથી હુકમ કરુ છુંઃ
(૧) જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, શોપીંગ મોલ્સ/ મલ્ટીપ્લેક્ષ થિયેટર્સ/ કોમર્શીયલ સેન્ટર થ્રી સ્ટારથી ઉપરની હોટલો ઉપર સીક્યુરીટીને ધ્યાને લઇ પ્રવેશ દ્વાર ઉપર સિક્યુરીટી ગાર્ડ/ મેટલ ડીટેકટર તથા સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી કરવી. તેમજ આ જગ્યાઓના પાર્કીંગ/ ભોયરું, તમામ માળ ઉપર સીક્યુરીટી ગાર્ડ અને સી.સી.ટી.વી. કેમેરાની ગોઠવણી કરવી જેમાં, Image-colour, Image sensor 1/3″ minimum, Support- TCP/IP and remote monitoring, Resolution-600 TVL Min, Compression-H.264/M.JPEG, System data storage-15 days min., With Back light compensation and night vision capability વાળા સી.સી.ટી.વી કેમેરા ગોઠવવા.
(૨) ૧૦ થી વધુ સંખ્યામાં બેઠક ધરાવતાં રેસ્ટોરન્ટ/ ગેસ્ટ હાઉસ/ લોજીંગ બોર્ડીંગ ધર્મશાળા અતિથિ ગૃહ/વિશ્રામગૃહ કોમર્શીયલ સેન્ટર પેટ્રોલપંપ ટોલપ્લાઝા બહુમાળી બિલ્ડીંગ પાવર હાઉંસ વિગેરે ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાડવા.
(૩) ઉપર દર્શાવેલ જગ્યામાં પ્રવેશ થતી ગાડીઓનો નંબર તથા વ્યકિતઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરવી. સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગની જાળવણી દિન-૧૫ સુધી સંગ્રહ કરવી.
(૪) ધર્મશાળાના સંચાલકોએ ધાર્મિક સ્થળોની ધર્મશાળાઓમાં મુસાફરોની જરૂરી આઇ.ડી., એડ્રેસ, મુલાકાતનું કારણે તથા ખાનગી વાહનના રજીસ્ટ્રેશન નંબરોની રજીસ્ટરમાં જરૂરી નોંધ કરી મુસાફરોને ઉતારો આપવો.
(૫) તમામ સી.સી.ટીવી કેમેરાઓનાં માલિકો/ સંચાલકો/ વ્યસ્થાપકોએ તેઓના હસ્તકના તમામ સી.સી.ટી.વી કેમેરાઓમાં ચોક્કસ (Accurate) તારીખ તથા (Indian Standard time) ભારતીય માનક સમયાનુસાર ચોક્કસ (accurate) સમય સેટ કરવો,
આ હુકમ તા.૨૭/૦૨/૨૦૨૩ના કલાક ૦૦/૦૦થી તા.૨૭/૦૪/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે.
ગુજરાત પોલીસ એક્ટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.