શા માટે કોર્ટે પ્રકાશ હિન્દુજા અને કમલ હિન્દુજાને 4 વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી?
ઇન્ડસઇન્ડ બેંક અને અશોક લેલેન્ડ જેવી પ્રખ્યાત બ્રાન્ડની માલિકી ધરાવતો હિન્દુજા પરિવાર ઘરમાં કામ કરતાં કામદારો પર શોષણના મામલે મુશ્કેલીમાં મુકાયો
જીનીવા, હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ લગભગ $47 બિલિયન છે અને તેઓ 38 દેશોમાં તેલ અને ગેસથી લઈને બેંકિંગ અને હેલ્થકેર સુધીના વ્યવસાયો ચલાવે છે. સ્વિટ્ઝર્લેન્ડમાં એક કેસમાં ટ્રાયલ દરમિયાન, ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે હિન્દુજા બંધુઓએ તેમના કર્મચારીઓને દિવસમાં 18 કલાક સુધી કામ કરવા માટે માત્ર $8 (રૂ. 660) ચૂકવ્યા હતા. આ રકમ સ્વિસ કાયદા દ્વારા ફરજિયાત પગારના દસમા ભાગ કરતાં ઓછી હતી.
ઇન્ડસઇન્ડ બેંક અને અશોક લેલેન્ડ જેવી પ્રખ્યાત બ્રાન્ડની માલિકી ધરાવતો હિન્દુજા પરિવાર ફરી એકવાર તેમની પર ચાલી રહેલા સમાચારોને કારણે ચર્ચામાં છે. બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવાર એવા હિન્દુજા ભાઈઓના કેટલાક સભ્યોને તેમના જીનીવા વિલામાં ભારતીય કામદારોનું શોષણ કરવા બદલ સ્વિટ્ઝર્લેન્ડમાં લગભગ ચાર વર્ષની જેલની સજા ભોગવવી પડી છે. સ્વિસ ન્યાયાધીશે પરિવારના ચાર સભ્યોને ગેરકાયદેસર રીતે લોકોને નોકરી પર રાખવા બદલ દોષી ઠેરવ્યા છે. પરિવારે કોર્ટના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકાર્યો છે.
વકીલોએ આરોપ લગાવ્યો હતો કે હિન્દુજા બંધુઓએ તેમના કર્મચારીઓ સાથે અમાનવીય વર્તન કર્યું હતું. આ કામદારોને ભારતમાંથી જીનીવામાં ફેમિલી વિલામાં ઘરેલુ સહાયક તરીકે કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું અને નજીવા વેતનના બદલામાં રોજના 17 થી 18 કલાક કામ કરાવવામાં આવ્યું હતું.
અહેવાલો અનુસાર, પરિવારના સભ્યોએ તેમના ઘરેલુ સહાયકોને એક વર્ષમાં તેમના પાલતુ કૂતરા પાછળ ખર્ચ્યા તેના કરતા ઓછા પૈસા આપ્યા. હવે આ કેસમાં કોર્ટે હિન્દુજા બંધુઓને ‘સ્વાર્થી’ ગણાવ્યા છે. કોર્ટે પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ હિન્દુજાને ચાર વર્ષ અને છ મહિનાની જેલની સજા ફટકારી છે, જ્યારે તેમના પુત્રો અજય અને નમ્રતાને ચાર-ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે, કોર્ટે તેને માનવ તસ્કરીના વધુ ગંભીર આરોપમાંથી મુક્ત કર્યો હતો.
હિંદુજા પરિવારના સભ્યોએ તેમના બચાવમાં શું કહ્યું?
હિન્દુજા બંધુઓએ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમના કર્મચારીઓ મુક્તપણે વિલા છોડી શકે છે અને તેમને પૂરતા લાભો આપવામાં આવ્યા હતા. બચાવ પક્ષે દલીલ કરી હતી કે કર્મચારીઓ “તેમને વધુ સારું જીવન આપવા” બદલ “આભાર” માનતા હતા.
પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદાથી “આઘાત” પામ્યા હતા અને ઉચ્ચ અદાલતમાં પડકાર દાખલ કર્યો હતો. હિન્દુજા બંધુઓના વકીલો દ્વારા હસ્તાક્ષર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે આ કોર્ટમાં લીધેલા બાકીના નિર્ણયોથી ચોંકી ગયા છીએ અને નિરાશ છીએ, અને અમે અલબત્ત ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી છે, જેથી નિર્ણયનો આ ભાગ હવે અસરકારક રહેશે નહીં.
શું સજા વખતે પરિવારના સભ્યો કોર્ટમાં હાજર હતા?
હિંદુજા બંધુઓએ અગાઉ તેમની સામે આક્ષેપો કરનારા ત્રણ કર્મચારીઓ સાથે કોર્ટની બહાર સમાધાન કર્યું હતું, પ્રકાશ અને કમલ હિન્દુજા સ્વાસ્થ્યના કારણોસર કોર્ટમાં હાજર થયા ન હતા.
શું હિન્દુજા પરિવાર પહેલા પણ વિવાદોમાં રહ્યો છે?
હિંદુજા પરિવાર ભૂતકાળમાં મિલકતની વહેંચણીને લઈને વિવાદોમાં રહ્યો છે. આ વિવાદો વર્ષો સુધી ચાલ્યા. હકીકતમાં, 2014માં હિન્દુજા ગ્રુપના સંસ્થાપક દીપચંદ હિન્દુજાના ચાર પુત્રો શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક વચ્ચે સમજૂતી થઈ હતી. એક ભાઈના નામે રાખેલી મિલકત એક નહીં પણ ચાર ભાઈઓની હશે એવું કહેવાયું હતું. આ કરાર વિવાદનું મૂળ બની ગયો.
કરારના લગભગ એક વર્ષ પછી, હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદ હિન્દુજાએ સ્વિટ્ઝર્લેન્ડની હિન્દુજા બેંકની એકમાત્ર માલિકીનો દાવો કર્યો. આ માટે તેણે તેના અન્ય ત્રણ ભાઈઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2014માં થયેલો કરાર કાયદેસર રીતે માન્ય નથી. વર્ષો સુધી આ વિવાદો ચાલ્યા બાદ પરિવારે સમાધાન કર્યું. પરિવારના સૌથી મોટા ભાઈ શ્રીચંદ હિન્દુજાનું 17 મે 2023ના રોજ અવસાન થયું હતું.