વલસાડ પોલીસે રિમાન્ડ પર લીધેલા ગેંગસ્ટરમાંથી સાધુ બનેલો બંટી પાંડે કોણ?

પોલીસના ચોપડે અનેક ગુનામાં સંડોવાયેલા બંટી પાંડેએ માત્ર મહારાષ્ટ્ર નહીં ગુજરાતમાં પણ પોતાનો પગ પેસારો કર્યો હતો
વલસાડ, વલસાડ પોલીસે અલમોડા જેલમાંથી ગેંગસ્ટરમાંથી સાધુ બનેલા બંટી પાંડે લૂંટના ગુનામાં ટ્રાન્ઝીકટ રિમાન્ડથી ગુજરાત લાવ્યા છે. એક જમાનામાં મુંબઈ અને દિલ્હીની પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો હતો.
પોલીસના ચોપડે અનેક ગુનામાં સંડોવાયેલા બંટી પાંડેએ માત્ર મહારાષ્ટ્ર નહીં ગુજરાતમાં પણ પોતાનો પગ પેસારો કર્યો હતો. અહીં વાપીના એક ઉદ્યોગપતિના છોકરાનું અપહરણ કરી પૈસા પડાવી એનું ખૂન કરવાના ગુનામાં એની ધરપકડ કરી છે.
એક જમાનામાં દાઉદ ગેંગ સાથે રહેલો બંટી પાંડે જ્યારે છોટા રાજન માટે કામ કરતો હતો. ર૦૦રમાં થયેલી ગેંગ વોર પછી એને ગુજરાત પર નજર દોડાવી હતી. વાપી અને દમણ સેલવાસના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવાના આરોપ લાગ્યા હતા. આ દરમિયાન ર૦૦૪માં બંટી પાંડેએ વાપીના ઉદ્યોગપતિના દિકરા અબુઝર ખાનનું અપહરણ કરી પાંચ કરોડની ખંડણી માંગી હતી.
પૈસા મળી ગયા બાદ પકડાઈ જવાની બીકે બંટી પાંડેએ એનું ખૂન કર્રી એના ૬ ટુકડા કરી અસવાળી ડેમમાં નાંખી દીધા હતા. ત્યારબાદ એ ભાગી રહ્યો હતો. મુંબઈ અને દિલ્હી પોલીસનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બંટી પાંડેની તપાસમાં દેશની તમામ તપાસ એજન્સી જોડાઈ હતી. એનઆઈએના ઈન્વેસ્ટીગેશનમાં જાણવા મળ્યું હતું કે, મૂળ નૈનીતાલનો પ્રકાશ પાંડે ૭૦ના દશકમાં ગુનાખોરીની દુનિયામાં આવ્યો હતો.
એના પિતા ભારતીય લશ્કરમં સુબેદાર હતા. એના પિતાને એની આ પ્રવૃત્તિ પસંદ ન હતી એટલે એ નૈનિતાલ છોડીને મુંબઈ આવ્યો હતો. અહીં છોટા રાજન માટે કામ કરતો હતો.
ર૦૦૪ બાદ એ વિજય સુભાષ શર્માના નામનો ખોટો પાસપોર્ટ બનાવી કંબોડિયામાં સંતાયો હતો જેને પોલીસે પકડયા બાદ એને પોતે સુધરવાનું નાટક કર્યું હતું અને જેલમાંએ સાધુ બન્યો પણ ૩૬ ગુનામાં વોન્ટેડ બંટી પાંડે સાધુ બની સહાનુભૂતિ મેળવવા માંગતો હતો પણ ગુનાહિત ઈતિહાસ એનો પીછો છોડી રહ્યા નથી. એટલે વલસાડ પોલીસે એની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા છે.