દેશમાં સપ્લાયરોને ઉધાર ડ્રગ્સ આપતો સલીમ બલોચ કોણ છે ?
દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ડ્રગ્સનો કારોબાર ૪પપ ટકા વધી ગયો છે, દેશમાં દરરોજ ર૧ લોકો ડ્રગ્સના કારણે આત્મહત્યા કરે છે
ગુજરાત ડ્રગ્સ લોડિંગનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. ગુજરાત કોસ્ટ ગાર્ડે તા.ર૭મી ડિસેમ્બરે ગુજરાત એટીએસની મદદ લઈને અરબી સાગરની સીમા પર ૧૦ પાકિસ્તાનીઓને ૪૦ કિલો હેરોઈન અને હથિયારો સાથે ઝડપી પાડયા હતા. સેંકડો કરોડોનું આ ડ્રગ્સ પકડાયું પરંતુ આવા નહી પકડાયેલા એસાઈન્મેન્ટસ કેટલા હશે તે બાબત ચિંતાની છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હિન્દુસ્તાનમાં ડ્રગ્સ બલુચિસ્તાનનો હાજી સલીમ બલોચ મોકલી રહ્યો છે. આ સલીમ બલોચ ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા છે. પોતાનો કારોબાર ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ઓપરેટ કરે છે.
ડ્રગ્સના કાળા કારોબારનો મોટો ખેલાડી સલીમ સમય સમય પર પોતાનું ઠેકાણું બદલતો રહે છે. જેના કારણે કોઈ પોલીસ કે તપાસ એજન્સીઓના પકડમાં આવતો નથી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સલીમ પોતાની આજુબાજુ બોડીગાર્ડની ટુકડી લઈને ફરે છે. જેમની પાસે એકે-૪૭ અને બીજા આધુનિક હથિયારો હોય છે. સલીમ સેટેલાઈટ ફોન દ્વારા પાકિસ્તાનથી લઈને માલદીવના ટાપુઓ સુધી પોતાનો ધંધો ચલાવે છે. સલીમના ડ્રગ્સના કારોબારની સૌથી મહત્વની વાત એ છે કે બીજા ડ્રગ્સ માફિયાઓની જેમ સલીમ હેરોઈન સપ્લાઈ કરે છે ત્યારે એડવાન્સ પૈસા લેતો નથી. ઉધારમાં ડ્રગ્સ વેચતો આ સલીમ સપ્લાયરોને કહે છે કે પહેલાં ડ્રગ્સ વહેંચો પછી મને પૈસા મોકલો. સપ્લાયરો માટે આ એક નવો સોદો છે. જાેકે એવું પણ કહેવાય છે કે આ સલીમના પૈસા લઈને કોઈ ભાગી છુટવાની હિંમત કરતું નથી, કારણ કે બધાને ખબર છે કે સલીમ પૈસા નહી ચૂકવનારને પાતાળમાંથી પણ શોધી કાઢશે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ર૦રરમાં ગુજરાતના મુદ્રા બંદર પરથી ૩૦૦૦ કિલો હેરોઈન પકડવામાં આવ્યું હતું. આ કેસમાં પકડાયેલા લોકોએ સલીમને હવાલા દ્વારા પૈસા મોકલ્યા હતા. ડ્રગ્સની દુનિયામાં સલીમનો માર્કો પણ જાણીતો છે, સલીમ જે ડ્રગ્સ મોકલે છે તેના પેકેટ પર ૭૭૭, ૯૯૯ કે ઉડતા ઘોડા જેવા સિમ્બોલ ચિતરાયેલા લખેલા હોય છે. એના પરથી ખબર પડે છે કે આ માલ સલીમનો છે. સલીમની ગેંગ સિવાય આ સિમ્બોલ ચિતરેલા માલને બીજા કોઈ અડકતું સુદ્રાં નથી. સલીમનો ડ્રગ્સ મોકલવાની પણ અલગ રીતરસમો છે. સલીમની ગેંગ શ્રીલંકાથી હોડી લે છે.
એક હોડીમાં ૩પ૦ કિલો હેરોઈન ભરે છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ૦૦૦ કરોડ રૂપિયા થાય છે. આ હોડી અફઘાનિસ્તાન કે ઈરાનના રસ્તે હિંદ મહાસાગરમાં ઘુસે છે. આ નાવડીની રાહ જાેતા સલીમના સપ્લાયરો નાની નાની હોડીમાં આવતા હોય છે અને ર૦થી પ૦ કિલો માલ લઈ જાય છે. આ નાની હોડીઓ દેશના જુદા જુદા બંદરો પર માલ ઉતારે છે અને દેશભરમાં સલીમનું ડ્રગ્સ ફેલાય છે. ર૦રરમાં જ સલીમની ૧૦થી ૧ર જેટલી ખેપો દેશભરમાં પકડવામાં આવી.
તેમાં અંદાજે ૧૦૦૦ કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીઓનું કહેવું છે કે પકડવામાં આવેલું બધું જ ડ્રગ્સ સલીમનું હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં નાના મોટા બંદરો પર પણ સલીમ ડ્રગ્સ નાવડીઓ દ્વારા મોકલે છે. તાજેતરમાં જ એનસીબી અને ભારતીય નૌસેનાએ કોચીની પાસે હિંદ મહાસાગરમાં ર૦૦ કિલો હેરોઈન ઝડપી પાડયું હતું જેની કિંમત ૧ર૦૦ કરોડ રૂપિયા થાય છે. આ કિસ્સામાં ચાર ઈરાની નાગરિક સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ પણ સલીમ બલોચનું હોવાનું હોવાનું તપાસ એજન્સીઓને શંકા છે.
ડ્રગ્સનો મોટાભાગનો જથ્થો ઈરાન અને અફઘાનિસ્તાનના રસ્તે ભારતમાં ઘુસે છે. આ સંજાેગોમાં ભારતીય એજન્સીઓએ ઈરાન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની એજન્સીઓને સલીમની ગેંગ અંગે માહિતી આપી હતી પરંતુ સલીમ વિરુદ્ધ આજદિન સુધી કાર્યવાહી થઈ નથી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને ડીઆરઆઈના ૬પમાં સ્થાપના દિવસે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે તેમણે ડ્રગ્સના કિસ્સામાં મોટી માછલીઓને પકડવાની જરૂર છે. જે ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. સવાલ એ છે કે ડ્રગ્સનો કાળો કારોબાર રોકાય કેવી રીતે? અમેરિકા સહિતના વિકસિત દેશો પણ ડ્રગ્સના દૂષણથી વાકેફ છે પરંતુ પોતાના દેશમાં પણ આ મોટા દેશો ડ્રગ્સના ફેલાવાને રોકવા અસમર્થ સાબિત થયા છે.
ખાલી ભારત દેશની જ વાત કરીએ તો રોજ ર૧ લોકો ડ્રગ્સની લતથી પરેશાન થઈને આત્મહત્યા કરી રહ્યા છે. ર૦૧૯માં દેશમાં કુલ ૭૮૦૦ લોકોએ ડ્રગ્સના કારણે આત્મહત્યા કીર હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. યુનોના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ર૦૦૯થી ર૦૧૯ દરમિયાન એટલે કે ૧૦ વર્ષમાં ભારતમાં ડ્રગ્સ લેનારાઓની સંખ્યા ૩૦ ટકાનો વધારો થયો છે. દેશમાં ૩.૧ કરોડ લોકો ગાંજાે લેતા હોવાનું બહાર આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા બતાવે છે કે ર૦ર૦માં ડ્રગ્સની હેરાફેરીના ર૬પ૬૦ કેસો નોંધાયા હતા. જે મુજબ ર.૪૭ લાખ કિલો ડ્રગ્સ અને ૪.૩૬ લાખ કિલો ગાંજાે આ કેસોના કારણે જપ્ત કરવામાં આવ્યો હતો.
દેશમાં ફેલાયેલા આ ડ્રગ્સનો કારોબાર છેલ્લા ત્રણ વર્ષમાં ૪પપ ગણો વધી ગયો છે. નશાની લતમાં સપડાયેલા ર લાખ લોકો દર વર્ષે દુનિયાભરમાં મોતને ભેટે છે. દેશમાં પંજાબમાં ડ્રગ્સનું સૌથી વધારે દુષણ છે. બીજા રાજયમાં પણ આ દૂષણ હવે ફેલાઈ રહ્યું છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાંમાર અને નેપાળના રસ્તે દેશમાં ડ્રગ્સ ઘુસી રહ્યું છે. અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર ચાલે છે ત્યારે ડ્રગ્સનું ઉત્પાદન પણ વધ્યું છે.
દુનિયામાં અફીણનું ઉત્પાદન સૌથી વધારે અફઘાનિસ્તાનમાં થાય છે. વાર્ષિક ૬૦૦૦ ટન અફિણ અફઘાનિસ્તાન પેદા કરે છે ત્યારે આ અફિણમાંથી બનતા જાતજાતના ડ્રગ્સ આસાનીથી ભારતમાં ઘુસાડવામાં આવે છે. આવનારા દિવસોમાં જાે ડ્રગ્સ પ્રત્યે વધારે સાવચેત નહી બનવામાં આવે તો દેશના તમામ શહેરોમાં ડ્રગ્સ સરેઆમ વેચાવા લાગશે અને તેના કારણે દેશની યુવા પેઢી કમજાેર બની જશે.