8 વર્ષની બાળકી પર ધાબા પર કોણે ગોળી મારીઃ કોણે ફાયરિંગ કર્યું?
બોડેલીના ઢોકલિયામાં ધાબા પર રમતી આઠ વર્ષની બાળકી ગોળીબારમાં ઘાયલ-પીઠના ભાગે ગોળી વાગી, નજીકની ખુરશીમાંથી રિવોલ્વરની ગોળી મળી આવતાં અનેક સવાલો ઃ ગોળી આવી ક્યાંથી અને કોણે ફાયરિંગ કર્યું તેનો ખુલાસો નહીં
બોડેલી, છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા ખાતે ધાબા પર રમતી આઠ વર્ષની બાળકી ગોળીબારમાં ઘાયલ થઈ હોવાની ઘટના ઉત્તરાયણ પર્વની સંધ્યાએ બન્યો હતો. બાળકી રમતી હતી તેની નજીકમાં પડેલી ખુરશી પરથી રિવોલ્વરની ગોળી મળી આવતા ગોળીબાર થયો હોવાની શંકા ઉઠી છે. પરંતુ ગોળીબાર ક્યાંથી અને કોણે કર્યો ? તે સવાલ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
સુત્રો મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલિયા ખાતે રહેતા નરેન્દ્રસિંહ ભારતસિંહ ઠાકોર ટાયર પંચર કરવાનો ધંધો કરે છે તેમના પિતા ભારતસિંહ પબ્લિક હોસ્પીટલમાં સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જયારે તેમની માતા સિરોલાવાલી હાઈસ્કૂલમાં નોકરી કરે છે.
ઉત્તરાયણના તહેવાર ટાણે નરેન્દ્રસિંહ અને તેમના પરિવારના સભ્યો સવારથી બાળકોની સાથે પતંગ ચગાવવા અગાસી પર હતા સાંજે છ વાગે પરિવારના મોટા માણસો અગાસી પરથી ઉતરી ગયા હતા. માત્ર બે છોકરીઓ માનસી (ઉ.૮) તથા સાક્ષી (ઉ.૪) અન્ય બાળકોની સાથે ધાબા પર પતંગ ચગાવતા હતા આ દરમિયાન નરેન્દ્રસિંહ તેમના મિત્ર જગદીશ વણઝારાના ઘરે મળવા ગયા હતા.
સાંજના ૬.૪ર કલાકે નરેન્દ્રસિંહને તેમના પત્નીએ ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરી માનસીને કંઈક વાગેલ છે જેના પગલે તેઓ ઘરે દોડી ગયા હતા. ડાબા ખભાના ભાગે ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત માનસી ધાબા પરથી રડતી રડતી નીચે ઉતરી આવી હતી. તેને તાત્કાલીક ઢોકલીયા પબ્લીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અરસામાં ધાબા પર જઈને તપાસ કરતાં માનસી જે ખુરશીમાં બેઠી હતી તે ખુરશીમાં બંદૂકની ગોળી મળી આવી હતી. આ ગોળીથી જ તે ઘાયલ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ આ ગોળી ક્યાંથી આવી? ગોળીબાર કોણે કર્યો ? તે વિગતો મળી આવી ન હતી. ધાબા પર બાળકો સિવાય અન્ય કોઈ જ મોટી વ્યક્તિ હાજર ન હતી. આજુબાજુમાં રહેતા પાડોશીઓ સાથે પણ આ બનાવ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. નરેન્દ્રસિંહ ઠાકોરે આ મામલે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.