ગાંધીનગરના કલેકટરે બે ગામની ઓચિંતી મુલાકાત કેમ લીધી?
ગાંધીનગર તાલુકાના લીંબડિયા અને દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામના ગ્રામજનોએ મુક્ત મને ગામના પ્રશ્નોની રજૂઆત કરી
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ અને ગાંધીનગર તાલુકાના લીબંડીયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરીને તેમના પ્રશ્નો પર ચર્ચા-વિમર્શ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ ગામના પ્રશ્નોને વાચા આપવાના ઉમદા ભાવ સાથે તા.રરમી જૂનના રોજ ગાંધીનગર તાલુકાના લીંબડીયા ગામની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત સમયે તેમની સાથે ગાંધીનગર તાલુના મામલતદાર હરેશ પટેલ પણ સાથે રહ્યા હતા. જિલ્લા કલેકટરે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે બેઠક કરી હતી. તેમણે ગામના વિકાસમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી હતી તેમજ ગામમાં સરકારની આયુષ્માન ભારત, વિધવા સહાય જેવી ફલેગશીપ યોજનાની લાભથી કોઈ વંચિત ન રહે તેની ખાસ જવાબદારી અને રસ લઈ સરપંચશ્રીને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવા માટે સૂચન કર્યું હતું.
લીબંડિયા ગામમાં જિલ્લા કલેકટર સમક્ષ ગામના નાગરિકો દ્વારા વીજળી, રસ્તા, ભૂસ્તર શાસ્ત્ર અને નર્મદા નિગમને સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રશ્નો સાંભળ્યા બાદ જિલ્લા કલેકટર મેહુલ દવે દ્વારા તમામ વિભાગના જિલ્લા સંબંધિત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરીને લીંબડિયા ગ્રામજનોના પ્રશ્નો ત્વરિત નિકાલ લાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
આ જ રીતે દહેગામ તાલુકા વાસણા રાઠોડ ગામના જિલ્લા કલેકટર મેહુલ દવેને મુલાકાત દરમિયાન દહેગામ મામલતદાર રોનક કપૂર સહિત સ્થાનિક તંત્ર જોડાયું હતું. ગ્રામજનો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નોની રજૂઆત તેમણે સાંભળી હતી. જે પ્રશ્નો ત્વરિત અને જિલ્લા કક્ષાએથી ઉકેલ આવી શકે તેમ હતો તે પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત અધિકારી સાથે વાત કરી હતી. આ પ્રશ્નો ઉકેલ લાવવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.
બન્ને ગામની મુલાકાત દરમિયાન તા.ર૩મી જૂન ર૦ર૪ના રોજ યોજાનાર પોલિયો રસીકરણ અભિયાનમાં ગામના તમામ બાળકોનું રસીકરણ થાય તે અંગે ગ્રામજનોને અપીલ કરી હતી. તેમજ આગામી સમયમાં રાજ્યભર સહિત ગાંધીનગરમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ગામનો કોઈપણ બાળક શાળામાં પ્રવેશ વગર ન રહે સૌ કોઈ આ કાર્યક્રમમાં સહભાગી થાય તેવી પણ અપીલ કરી હતી.