મુખ્યમંત્રીએ અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસે કેમ કરી?
અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડમાં પાલડી જલારામ અંડરપાસ મામલે હંગામો
રામદેવપીર ટેકરા સ્લમ રિડેવલપમેન્ટના 500થી વધુ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો-આ મકાનોમાં હજુ સુધી ગટર, પાણી કે વીજળીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી આ તમામ મકાનોમાં લોકો રહેવા જઇ શકતા નથી.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સિંગલ ટેન્ડર જલારામ અંડર પાસ અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ ઉતાવળે થતા લોકાર્પણ મામલે વિપક્ષ દ્વારા આંકડા પ્રહાર કરવામાં આવ્યા હતા ખાસ કરીને જલારામ અન્ડર પાસ નું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીની ગરિમા ઓછી થઈ છે તેથી મ્યુનિ. વહીવટીતંત્ર અને સત્તાધીશોએ આ મુદ્દે મુખ્યમંત્રી અને અમદાવાદના નાગરિકોની માફી માંગવી જોઈએ તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા સામાન્ય સભામાં ભારે હંગામો થયો હતો અંતે પ્રજા કે કામોની ચર્ચા વિના જ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હતું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સામાન્ય સભામાં રજુઆત કરતા કોંગી નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઉતાવળે પૂરા ન થયા હોય તેવા પ્રોજેક્ટોના લોકાર્પણ કરવામાં આવી રહ્યાં છે.
એકાદ મહિના પહેલાં કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રામદેવપીર ટેકરા સ્લમ રિડેવલપમેન્ટના 500થી વધુ મકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુ પણ આશ્ચર્યની વાત એ છે કે, આ મકાનોમાં હજુ સુધી ગટર, પાણી કે વીજળીના કનેક્શન આપવામાં આવ્યા નથી જેથી આ તમામ મકાનોમાં લોકો રહેવા જઇ શકતા નથી.
હવે અહીં સવાલ એ ઉઠે છે કે, જો મકાનોમાં ગટર, પાણી કે વીજળીના કનેક્શન મળ્યાં ન હતા તો પછી ડ્રો કરીને લાભાર્થીઓને મકાનની ચાવી આપવાની ઉતાવળ કેમ હતી? રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તા.4 માર્ચ પાલડી વિસ્તારના જલારામ અંડરપાસનું લોકાર્પણ કરાયુ હતુ પણ લોકાર્પણ કરાયાના ગણતરીના કલાકોમાં આ અંડરપાસને બંધ કરી દેવાયો હતો.હવે, આ અંડરપાસ પબ્લીક માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી.
આ અંડરપાસમાં કેટલીક બાબતોના કામ અધૂરા હતા. અંડરપાસના એક તરફના રોડમાં ટાવર આવે છે જે હટાવવાની કામગીરી કરવાની બાકી હતી. એક તરફથી આવતા વાહનચાલકો માટે ડિવાઇડર બનાવવાનું બાકી છે આ સિવાય અંડરપાસમાં નવો રોડ બનાવવાની ભલામણ પણ આવી હતી જેની કામગીરી કરતાં સમય લાગશે પછી આ અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે.
આ અંડરપાસ ખુલ્લો મૂકવાની ઉતાવળ કેમ કરવામાં આવી તે મોટો સવાલ છે. આ નાગરિકો સાથે છેતરપીંડી સમાન બે કિસ્સા છે. આ ઉપરાંત અંડર પાસ નું કામ પૂર્ણ થયું ન હોવા છતાં ઉતાવળે લોકાર્પણ કરાવી મુખ્યમંત્રી ની ગરિમા પણ ઓછી કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રી અને પ્રજાની માફી માંગવી જોઈએ તેવી માંગણી બાદ કોંગી કોર્પોરેટરો ઘ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.