તુર્કીથી 4000 કિલોમીટર દૂર અમદાવાદની રોપડા પ્રાથમિક શાળાને આ મહિલાએ શા માટે પસંદ કરી ?
તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે
ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી
ભારત સરકાર ડિજિટલ સાક્ષરતાને લઇ ખૂબ જ પ્રાધાન્ય આપી રહી છે. ભારતમાં ડિજિટલ લિટરસીને લઇને અનેક તકોનું નિર્માણ પણ થઇ રહ્યું છે – બેંગિસુ સુસાર
તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.
આપણે જાણીએ છીએ કે પરીવર્તન સંસારનો નિયમ છે. એક જમાનો હતો કે જ્યારે ગુરુકુળ અથવા વિદ્યાપીઠોમાં ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર અધ્યયન અને અધ્યાપન થતું. સમયાનુસાર તે ઉત્તમ પધ્ધતિ હતી પણ સમયના બદલાવ સાથે રીત બદલાતી ગઇ છે. આજે વિશ્વ બદલાઈ રહ્યું છે, આજના વિશ્વમાં ઓનલાઇ શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક બનતું જઇ રહ્યું છે અને તેને આપણે અપનાવી પણ રહ્યા છીએ.
આજે ડિજિટલ સાક્ષરતા પણ મહત્વનું બની ગયું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ડિજિટલ સાક્ષરતાને ખુબ મહત્વ આપીને ઘણી યોજનાઓ અને પ્રોજેક્ટ શહેર અને ગ્રામિણ લેવલ પર શરૂ કર્યા છે.
ભારતમાં સતત વધી રહેલા ડિજિટલ સાક્ષરતાનું મહત્વ સમજવા અને તેનો વ્યાપક બાળકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા કુમારી બેંગિસુ સુસારે અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. એટલું જ નહીં, બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.
આ અંગે વાત કરતા તુર્કીથી આવેલા કુમારી બેંગિસુ સુસાર કહે છે કે, હું અત્યારે તુર્કીમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. મારા ડિજિટલ લિટરસી પ્રોજેક્ટ અંતર્ગત હું ભારતમાં આવી છું. મારા આ પ્રોજેક્ટ અંતર્ગત મેં પ્રથમ દેશ તરીકે ભારતની પસંદગી કરી છે.
મેં જ્યાં સુધી રિચર્સ કર્યું છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે ભારતમાં ડિજિટલ લિટરસીનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ભારત સરકાર પણ ડિજિટલ સાક્ષરતાને લઇ ખૂબ જ પ્રાધાન્ય આપી રહી છે. એટલું જ નહીં, ભારતમાં ડિજિટલ લિટરસીને લઇને અનેક તકોનું નિર્માણ પણ થઇ રહ્યું છે. હું ભારત શહેરના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે કામ કરવાને લઇને ઉત્સાહીત છું.
કુમારી બેંગિસુ સુસારે વધુમાં કહ્યું કે, મેં મારા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લાની રોપડા ગામની પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. હાલમાં હું ગ્રામ્ય કક્ષાના બાળકોને ડિજિટલ સાધનોનો ઉપયોગ વિશે સમજાવી રહી છું તેમજ વિવિધ પ્રવૃતિઓ સાથે-સાથે નાટક પ્રવૃત્તિ દ્વારા બાળકોની ભાવનાત્મક અને શારીરિક જાગૃતિના વિકાસનું મહત્વ સમજાવી રહી છું.
હું આ શાળામાં આવીને આશ્વર્યચકિત થઇ ગઇ કેમ કે આ શાળામાં ભવિષ્યની યોજનાઓને લઇને પોતાની તમામ સુવિધાઓ અપડેટ કરેલી છે. આ શાળામાં બાળકોને ડિજીટલ પ્લેટફોર્મ થકી એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે, જે ખરેખર સહારનીય છે. હું રોપડા શાળા પરિષરની હકારાત્મક ઊર્જા તેમજ બાળકો અને શિક્ષકોથી ખૂબ પ્રભાવિત થઇ છું. આ સાથે-સાથે ભારતના ગ્રામ્ય વિસ્તારની રહેણી કરણી, ખેતરો-લીલોતરી અને વિકાસ જોઈને પણ અભિભૂત થઇ છું એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
બેંગિસુ સુસારે કહ્યું કે, ડિજિટલ લિટરસી ક્ષેત્રમાં કાર્ય કરવા માટે હું ૧૭ જુલાઇથી ભારતમાં આવી છું અને ૨ સપ્ટેમ્બર સુધી ભારતમાં આ પ્રોજેક્ટ પર કામ કરવાની છું. મેં અત્યાર સુધીમાં વારાણસીના બનારસ, રાજસ્થાન તેમજ હવે હું ગુજરાતની મુલાકાત પર લઇ રહી છું.
ભારતના દેશના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે એમ કહી તેઓને પોતાના દેશના લોકો સાથે સરખામણી કરી ભારત દેશના લોકોને સ-વિશેષ પણ ગણાવ્યા હતા.
આ અંગે વાત કરતા રોપડા પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી નિશીથ આચાર્ય કહે છે કે, અમારી સ્કૂલમાં શિક્ષણ અને સહ-અભ્યાસી પ્રવતિની સાથે રમતા રમતા શિખીએ માધ્યમ થકી ઘણી એવી પ્રવૃતિઓ બાળકો સાથે કરવામાં આવી છે, જેનો બાળકોએ ખુબ સારો એવો લાભ લીધો છે. એટલું જ નહીં, તેનાથી બાળકોમાં ઉત્તરોતર પ્રગતિ થતી પણ જોવા મળી છે. તાજેતરમાં જ અમારી શાળામાં તુર્કીથી બેંગિસુ સુસાર મુલાકાત લેવા માટે આવ્યા છે.
શ્રી નિશીથ આચાર્યએ વધુમાં કહ્યું કે, આ બેંગિસુ સુસાર બાળકો સાથે ડિજિટલ એજ્યુકેશન એટલે કે શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ એજ્યુકેશનનો શું મહત્વ છે અને ડિજિટલ એજ્યુકેશનમાં બાળકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા કેવી રીતે અભ્યાસ કરી શકે તેની સમજ આપે છે. પાંચ દિવસ સુધી શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે.
શિક્ષણની સાથો-સાથ વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશ બોલતા, વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શું બનવા માગે છે અને વિદ્યાર્થીઓ સાથે અનેક રમતો રમશે. વિદ્યાર્થીઓ સાથે ડ્રામા એક્ટિવિટી પણ કરી રહ્યા છે. અમારા શાળાના શિક્ષકો તેમની સાથે જોડાઇને એક મીડિયેટરનું કામ પણ કરી રહ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ તેમની ભાષા સરળતાથી સમજી શકે.
તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર રોપડા પ્રાથમિક સ્કૂલ સિવાય તેઓ રોપડા ગામની પણ મુલાકાત લેવાના છે, ગામના વાતવરણનો અને ખેતીવાડીનો પણ અભ્યાસ કરશે અને ગ્રામજનો સાથે મુલાકાત કરીને ભારત અને ગુજરાતના કલ્ચરલ વિશે પણ જાણશે.
સ્કૂલ અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ થકી બાળકોનો સર્વાંગી વિકાસ સાધી રહી છે
અમદાવાદથી ૫૦ કિ.મીના અંતરે આવેલા રોપડા ગામનું વાતાવરણ જ કંઈક અલગ છે. અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોમાં અવનવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતા પણ મળી છે. અહીંની પ્રાથમિક શાળા વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિવિધ રમતો સાથે બાળકોને જોડીને સર્વાંગી વિકાસ સાધી રહી છે.
રોપડા પ્રાથમિક શાળામાં અદ્યતન સાયન્સ લેબ આકાર પામી છે
શિક્ષણની વાત કરીએ તો આ શાળામાં એક કંપની દ્વારા શાળાને ૧.૩૭ કરોડનાં ખર્ચે અદ્યતન નવું બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. રોપડા ગામ અને શાળાના વિદ્યાર્થીઓ ગણિત – વિજ્ઞાન વિષય સાથે વિવિધ ટેકનોલોજી સારી રીતે સમજી અને શીખી શકે તે માટે કંપની સાથે અન્ય સ્વૈચ્છિક ફાઉન્ડેશન અને સંસ્થા દ્વારા ૪ લાખનાં ખર્ચે અદ્યતન “ક્ષિતિજ સાયન્સ લેબ” આકાર પામી છે, જેમાં વિધાર્થીઓ નિયમિત રીતે નીત નવા પ્રયોગો શીખી સાથે શિક્ષણ મેળવી વિજ્ઞાન વિષયમાં રુચિ વધારી શકશે.
રોપડા સ્કૂલના બાળકોને ડિજિટલ ક્લાસરૂમ થકી શિક્ષણ અપાઇ રહ્યું છે
રાજ્ય સરકાર તરફથી તો સંખ્યાબંધ સુવિધાઓ મળી છે, જેમાં ખાસ ડિજિટલ ક્લાસરૂમનો સમાવેશ થાય છે. સ્કૂલના બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે પણ વિશેષ પ્રયત્નો કર્યા છે. સરકાર ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાનો અને સેવાભાવી સંગઠનનો પણ સહયોગ મળ્યો છે. શાળાના સમય બાદ પણ ગામનો કોઈ પણ વિદ્યાર્થી આ લેબનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે.
વૃક્ષે લગાડેલા એજ્યુકેશનલ માળામાં પક્ષીઓ અને પ્રાણીઓએ પોતાના રહેઠાણ બનાવ્યા
રોપડા પ્રાથમિક શાળાનું પ્રાકૃતિક વાતાવરણ પણ ખૂબ સુંદર છે. ગમે તેવી ગરમીમાં પણ ૨થી ૩ ડિગ્રી તાપમાન નીચું રહે તે માટે શાળા કેમ્પસમાં ચૌ તરફ વૃક્ષો ઉછેરી વિવિધ પર્યાવરણની સમતુલાને પણ જાળવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે વળી વૃક્ષે લગાડેલા એજ્યુકેશનલ માળામાં પક્ષીઓ અને પ્રાણીઓએ પોતાના રહેઠાણ બનાવ્યા છે. વળી શાળાની બોલતી દીવાલો પણ ઘણું ખરું કહું જાય છે. આલેખન – ગોપાલ મહેતા, વિડીયો – પરવેઝ લાખવા, ફોટોગ્રાફ – રુદ્રેશ ત્રિવેદી, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ