૫૨ દિવસથી ગુમ જોડિયા બહેનો અચાનક જ કેમ થઈ હાજર?
વડોદરા, શહેરના હરણી વિસ્તારમાંથી ગુમ થયેલી બંને બહેનો આખરે મળી આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને બહેનો સામેથી લિંબાસી પોલીસ મથકમાં હાજર થઈ હતી. સૌથી મોટો સવાલ એ છે કે, ૧૭ ફેબ્રુઆરી એટલે કે છેલ્લા ૫૨ દિવસથી ગાયબ થઈ ગયેલી બંને બહેનો અચાનક જ પોલીસ સમક્ષ સામેથી જ કેમ હાજર થઈ? હાલ આ તપાસનો વિષય છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વડોદરા પોલીસ નિવેદન નોંધવા માટે બંને બહેનોને વડોદરા લઈ ગઈ છે. પરંતુ બંને બહેનોની એવી માંગ છે કે, નિવેદન નોંધ્યા બાદ તેમને પોલીસ પ્રોટેક્શન સાથે લિંબાસી મોકલી દેવામાં આવે. હાલ આ કેસમાં બંને બહેનોની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.
લિંબાસી મથકે હાજર થયેલી બંને બહેનોએ પોતાની મરજીથી જ અહીં આવી હોવાનું જણાવ્યું હતું. એક બહેને પોતાની સાથે રહેલા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાની વાત કરી હતી. બંને બહેનોની સાથે એક યુવક પણ હાજર થયો હતો. સામે આવેલી તસવીરોમાં જાેઈ શકાય છે કે, બંને બહેનમાંથી એકના સેથામાં સિંદૂર હતું. તેમણે કહ્યું કે, નિવેદન માટે બંનેને વડોદરા લઈ જવામાં આવી રહી છે.
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા ચીમનભાઈ વણકર સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ બે પુત્રો અને બે જાેડિયા બહેનો સારિકા અને શીતલ (૨૪ વર્ષ)ની સાથે રહેતા હતા બંને જાેડિયા દીકરીઓ ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ તેમના ભાઈ સાથે કોલેજ ગઈ હતી.
પરંતુ સાંજના સમયે પરત ઘરે ન ફરતા પિતા ચીમનભાઈએ સયાજીગંજ પોલીસમાં જાણ કરી હતી. ઘણા દિવસો વીતી ગયા છતાં બંને દીકરીઓનો કોઈ પત્તો લાગતો ન હતો. બે દિવસ પહેલા ચિંતિત બનેલા પિતાએ મુખ્યમંત્રી સુધી દીકરીઓને શોધી લાવવા માટે પત્ર લખીને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશરને તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા પોલીસને બંને બહેનોનો કોલેજથી હરણી માર્ગ પરના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં બંને બહેનો એક દુકાનની બહાર જાેવા મળી હતી. પોલીસે પણ બંને યુવતીઓનો પત્તો લાગે તે માટે આકાશ પાતાળ એક કરી દીધા પરંતુ તેમને શોધી શકી નથી.
પરંતુ રવિવારે ઘટનામાં અલગ જ ટિ્વસ્ટ આવ્યો જ્યારે બંને બહેનો એક યુવક સાથે સામેથી લિંબાસી પોલીસ મથકમાં હાજર થઈ ગઈ. બંનેએ પોતાની મરજીથી ઘરેથી લિંબાસી આવી હોવાની વાત કરતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર સારિકાએ એક યુવક સાથે લગ્ન કરી હોવાની વાતની પરિવારને જાણ થતાં તેઓ પણ ચોંકી ગયા હતા.SS1MS