Western Times News

Gujarati News

RSSના સહ સર કાર્યવાહક અતુલ લિમયે ગુજરાતમાં સમન્વય બેઠકો કેમ યોજે છે?

ગુજરાત રાજ્ય એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે એક લેબોરેટરી છે. આ માટે જે કંઈ પ્રયોગો કરવાનાં હોય તેનો આરંભ અહીંથી કરવાનું સંઘને અને ભા.જ.પ.ને ગમે છે. આના સંદર્ભે હાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે.

એ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સર કાર્યવાહ અતુલ લિમયેએ તાજેતરમાં ગુજરાતમાં આવીને સમન્વય બેઠકોને સંબોધી હતી.

આ સમન્વય બેઠક એટલે શું?તેનો જવાબ એ છે કે સંઘ દ્વારા પ્રેરિત જે ૨૮-૩૦ સંસ્થાઓ કાર્યરત છે તે દરેકના પસંદગીના ૨-૩ અધિકારીઓને અપેક્ષીત બનાવીને સમન્વય બેઠકમાં ઉપસ્થિત રખાતા હોય છે

અને આવી બેઠકોમાં ભાવી કાર્યક્રમના આયોજનની વિગતો આપીને તેને કેવી રીતે કાર્યાન્વિત કરવા એ જણાવવામાં આવતું હોય છે.આ બેઠક મૂલ્યવાન ગણાય છે અને એમાં હાજર રહેવાનું સૌ પસંદ કરતા હોય છે.સંઘ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ગુજરાતમાં કરશે એવું લાગે છે હોં!

ભા.જ.પ.ના સૌથી સક્રિય ધારાસભ્ય કોણ છે?
ભારતીય જનતા પક્ષનાં ગુજરાત વિધાનસભામાં ૧૬૦થી પણ વધુ સભ્યો છે. આ બધાં ધારાસભ્યોમાં સૌથી વધુ સક્રિય ધારાસભ્ય કોણ છે? એવો જો સર્વે કરાવવામાં આવે તો તેમાં અર્જુન મોઢવાડીયા અને ડો.સી.જે ચાવડાને સંભવતઃ સૌથી વધારે માર્કસ મેળવી જાય એવું બને!

આ બન્ને ધારાસભ્ય સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ સંકુલ -૨માં ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે ખાસ ફાળવવામાં આવેલા મંગળવારે નિયમિત રીતે અને અચુક હાજર રહે છે તથા મંત્રીઓને મળીને પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે છે.

આ બન્ને ધારાસભ્યો કોંગ્રેસમાં હતાં ત્યારે પણ ખૂબ સક્રિય હતા. તેઓ ભાજપ આવીને પણ પોતાના મિજાજને જાળવી રાખીને કામ કરે છે.અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડા ખૂબ મળતાવડા,નમ્ર અને પરિપક્વ ધારાસભ્યો છે એવું તેમના પરિચયમાં આવનાર સૌ અનુભવતાં હોય છે.

ગાંધીનગરના પ્રજાવત્સલ કલેકટર મેહુલ દવે
ગુજરાતની આઈ.એ.એસ. કેડરની ૨૦૧૨ની બેચના અધિકારી અને તા.૦૩/૦૨/૨૦૨૪થી ગાંધીનગરના કલેકટર તરીકે ફરજ બજાવતા મેહુલ કે.દવે વિશે હવે આમજન સમૂહમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ અધિકારી થોડા વહેલા ગાંધીનગરમાં કલેકટર તરીકે આવ્યા હોત

તો કેવું સારું હતું! તેનું કારણ એ છે કે અગાઉ જેમ રાજા-મહારાજાઓ પ્રજાવત્સલ હતા એમ આ કલેકટર પણ પ્રજાવત્સલ અધિકારી હોવાની પ્રતીતિ કરાવી રહ્યા છે.

મેહુલ દવે જિલ્લાના શિક્ષણની ચિંતા કરે, ઓર્ગેનિક ખેતીનો વિકાસ થાય એની કાળજી રાખે અને એ માટે ખેડુતો સાથે જમીન પર બેસી વાતો કરે.આરોગ્ય સેવાઓ તપાસે, દિવ્યાંગ લોકોનાં ગરબામાં હાજરી પુરાવે.અરજદારને જ ભગવાન સમજતા મેહુલ દવે હસમુખા છે એટલે સામાન્ય લોકો તેમની પાસે જતા એક હુંફ અનુભવે છે.

કલેકટર દવે તાજેતરમાં પલસાણા ગામની શાળાની મુલાકાતે ગયા ત્યારે બાળકોને શિસ્ત શીખવવા માટે વર્ગખંડની બહાર વિખરાયેલા પડેલા પગરખાં જાતે લાઈનમાં ગોઠવી બાળકોને સારી ટેવ પાડવાની શીખ આપી હતી. ગાંધીનગરવાસીઓ એવું કહે છે કે આવા કલેકટર સૌને મળજો!

નવ મહાનગરપાલિકાની જાહેરાત તા.૨૫મી ડિસેમ્બરે કેમ ન થઈ?
ગુજરાતની ૯ નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવાની જાહેરાત ગત તા.૦૧/૦૧/૨૫ના રોજ કરવામાં આવી.સચિવાલયમા થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો વાસ્તવિકતા એવી છે કે આ જાહેરાત ગત તા.૨૫મી ડિસેમ્બરે સુશાસન દિનની ઉજવણી સાથે કરવાની હતી.

આ અંગે વિધિસર સરકારી પ્રક્રિયા કરી સત્તાવાર નોટીફીકેશન બહાર પાડી તેની ઉજવણીની આગોતરી તૈયારી પણ થઈ ગઈ હતી! પરંતુ એવું ન થયું તેનું કારણ એવુ ચર્ચાય છે કે આ અંગે દિલ્હીથી બ્રેક મારવામાં આવતા બધું બંધ રાખવું પડ્‌યું હતું.આજના યુગમાં પણ ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ જેવો ઘાટ સર્જાય છે હોં!

(માત્ર) તારીખમાં તો ગુજરાત સરકાર એક વર્ષ આગળ છે હોં!
વિકાસની એક વ્યાખ્યા એવી છે કે આગળ વધવું.બીજી કોઈ રીતે આગળ વધાય કે ન વધાય પણ સરકારી હુકમોમાં તારીખ નાંખવામાં તો આ સરકાર એક વર્ષ આગળ છે એ નક્કી થઈ ગયું છે.

આ અંગેનો પુરાવો એ છે કે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા ‘નામદાર હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરવા બાબત’નાં વિષય માટે એક હુકમ પત્રક્રમાંકઃ પી?આર. એચ. આર.ડી.ડી./એમ??.એસ??.એમ./ઈ-ફાઈલ/૧૪/૨૦૨૪૧૭૫૪/સેક્શન -ડીથી બહાર પાડવામાં આવ્યો છે

અને તેમાં એપ્રૂવલ ડેટ તરીકે તા.૩૦/૧૨/૧૯૨૫ નાંખવામાં આવી છે! હવે આ પરિપત્ર કઈ તારીખનો ગણવો એની મુંઝવણ તેનો અમલ કરવાની જવાબદારી જેઓની છે એ સૌને થાય છે! બોલો લ્યો આનું શું કરવું? આને કહેવાય ‘આખું કોળું શાકમાં ગયું.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.