તાજાં જન્મેલાં બાળકને રડાવવામાં કેમ આવે છે! જાણો છો?
રડવું પણ જરૂરી છે ! તાજાં જન્મેલાં બાળકને રડાવવા પ્રયાસ કરવામાં આવે છે, બાળકના જોરથી રડવાના અવાજ પરથી એનું સ્વાસ્થ્ય નોર્મલ છે કે કેમ એ નક્કી થાય છે
‘તને ક્યારેય રડવું આવે ? છેલ્લે તું ક્યારે રડ્યો હતો ? લગ્ન માટે છોકરો જોવા ગયેલી દિયાએ પૂછયું.
‘આ કેવો સવાલ છે ? છોકરીઓ પ્રોફેશન, હોબી વિશે, ફેમિલી ફ્રેન્ડસ એવું બધું પૂછે તે સમજ્યા પણ આવા સવાલોનો અર્થ ન સમજાયો.’
‘સીધી વાત છે. બાકી બધું તો મળી રહે પણ સાથીનું લાગણીશીલ હોવું ખૂબ જરૂરી છે. હસતા ચહે સૌને ગમે એ વાત સાચી પણ એટલું જ સહજ રીતે રડતા આવડવુ જરૂરી છે રડવું એ અભિવ્યકત થવું જ તો છે! માણસ ખુબ ખુશ થાય ત્યારે કે અચાનક કોઈ દુઃખ આવી પડે કે બીજાની પીડા જોઈ લાગણીમાં આંખ ભીંજાય એ નોર્મલ વ્યક્તિ. જેમ હસવું આવે એને આપણે રોકતા નથી એમ આંસુ પણ નેચરલી આવવા જોઈએને.’
તાજાં જન્મેલા બાળકને રડાવવા પ્રયાસ કરવામાં આવે છે. બાળકના જોરથી રડવાના અવાજ પરથી એનું સ્વાસ્થ્ય નોર્મલ છે કે કેમ એ નકકી થાય છે ! બાળક માટે રડવું એ પોતાની જરૂરિયાત કહેવા માટેની ભાષા છે. જેમ જેમ મોટા થતાં જઈએ એમ એમ રડવાનું ઓછું થતું જાય. રડવું એ શરમજનક કહેવાય એવુ માનસમાં ઠસાવવામાં આવે. ‘અલ્યા, છોકરીઓ રડે. છોકરાથી તે કંઈ રડાતું હશે ! ‘રડે ઈ છોકરા બાયલા કહેવાય.’ આવા ડાયલોગ દરેકે સાંભળ્યા હશે.
આપણે ત્યાં રડતા લોકોને પોચા મનનાં કમજોર માનવામાં આવે છે પણ ખરેખર એ સાવ ખોટી માન્યતા છે. ખરેખર તો સારા સ્વાસ્થ્ય માટે હાસ્ય જેટલું જ મહત્વ આંસુઓનું છે. નિષ્ણાતો કહે છે કે રડવું એ કુદરતી ક્રિયા છે અને તે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આંસુ આંખને સુકાવાથી બચાવે છે. આંસુ વાટે આંખમાંનો કચરો સાફ થઈ જતાં આંખો સુંવાળી રહે છે જે આંખોને ઈન્ફેકશન થતાં બચાવે છે.
રડવાથી સ્ટ્રેસ હોર્મોન્સ રીલિઝ થાય છે જેથી રડ્યા પછી હળવાશ અનુભવાય છે. રડવાથી શરીરમાં મેન્ગેનિઝનું સ્તર નીચું આવે છે જે મૂડને સારો કરે છે. મેન્ગેનિઝનું પ્રમાણે વધારે હોય તો ગભરામણ, થાક, ગુસ્સો, તણાવનો અનુભવ થાય છે. એટલે જ રડવાનું બહુ ઓછું કે બિલકુલ ન આવતું હોય એવી વ્યક્તિમાં સ્ટ્રેસ ખૂબ વધુ જોવા મળે છે.
રડવું એ એક પ્રકારની થેરાપી છે. લાગણીઓનો અતિરેક થાય ત્યારે માણસ અવાચક થઈ જાય છે. ભીતર એટલો બધો ભાર અનુભવે છે કે એ રીલીઝ કરવા માટે વેન્ટિલેશન જોઈએ. એ લાગણી અણધારી ખુશીની હોય કે દુઃખ ક્રોધ પીડાની હોય, રડી લેવાથી હળવાશ અનુભવાય છે. સમયે પ્રેશર કૂકરની સિટી ન વાગે તો કૂકરના ફાટવાની દુર્ઘટના ઘટી શકે છે. એવી જ રીતે સમયે રડી લેવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
ઘણા દેશોમાં ભૂશિક્ષલ થેરાપી પ્રચલિત છે. ૧૦ મિનિટ રડવાથી આંખોના ૯૦ટકા બેકટેરિયા દૂર થઈ જાય છે. સ્ટ્રેસ લેવલ નીચું આવી જાય છે, બીપી નોર્મલ થઈ જાય છે અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થઈ જાય છે. સંશોધકોનું કહેવું છે કે રડ્યા પછી થોડા સમય પછી વ્યક્તિ હળવાશ અનુભવે છે અને જો અનિંદ્રાનો શિકાર હોય તો આરામથી ઉંઘી જાય છે. એટલે જ મનની શાંતિ માટે એકાંત શોધી રડી લેવું એ શ્રેષ્ઠ ક્રિયા છે.
માણસ જ નહીં જીવ માત્ર લાગણી અનુભવે છે. અબોલ પશુ પક્ષી પણ રુદન દ્વારા પોતાની લાગણી વ્યકત કરતાં હોય છે. લીલીબેનનું આકસ્મિક અવસાન થતાં સગા સંબંધીઓ તો શોકમાં રડી રહ્યા હતા પણ એમની ગાયો અને શેરીના કુતરાની આંખમાં પણ આંસુ હતાં. આંસુ એ શબ્દો વગરની ભાષા છે.
માનસિક તાણ એ માણસના અતિ વ્યસ્ત જીવન, હરીફાઈ, વધુને વધુ મેળવવાની આંધળી દોડની આડપેદાશ છે જેનો કોઈ અંત નથી. ેજેમ સ્ટ્રેસ વધતું જાય એમ આપણી અંદર નકારાત્મકતા વધતી જાય છે જેનાથી લાંબા ગાળે આપણા જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાય. ડિપ્રેશન, હાઈ બીપી, ડાયાબિટીસ હાર્ટ એટેક, કેન્સર તો કેટલાંક ન્યૂરોડીસીઝ એ લાગણીઓ મનમાં ભરી રાખવાથી લાંબા ગાળે થતાં રોગો છે એટલે જ કહેવાય છે કે સહજ આંસુ સારી લેવા સારા.
લોકો શું કહેશે એની પરવાહ કર્યા વગર લાગણીઓને મનમાં દબાવી રાખવા કરતાં મુક્ત રીતે વહેવા દેવી. બાળક જેટલી સહજતાથી રડી શકે છે એમ મોટા થયા પછી રડી શકાતું નથી ત્યારે ક્યાંક વાંચેલી પંક્તિઓ યાદ આવે છે. એક આંસુ ભી ગીરતા હૈ તો લોગ સવાલ પૂછ લેતે હૈ, ઐ બચપન, લૌટ આ, મુજેખુલ કર રોના હૈ.
વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોતાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાની સાથે સાથે અનેક ચાહકોની આંખો ભીંજાઈ ગઈ હતી. દિલ તૂટવાનો અવાજ નથી આવતો. આંખમાંથી આંસુ સરી પડવા એ શબ્દો વગરનો સંવાદ છે. અને ક્યારેક મૂક સધિયારાની આશ છે.