રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુદત પૂરી થયા છતાં કેમ ફરજ બજાવે છે?
ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હોદ્દાની પાંચ વર્ષની મુદત તા.૨૨/૦૭/૨૪ના રોજ પૂર્ણ થઇ ગઇ છે.આમ છતાં તેઓ રાજભવનમાં રહીને રાજ્યપાલ તરીકે બધી ફરજો બજાવે છે!તેઓ આવું કેમ કરે છે
એ અંગે જાણકારોને પૂછતાં જે જાણવા મળ્યું છે એ સાચું માનીએ તો વિગત એવી છે કે બંધારણની કલમ -૧૫૬ માં એવું કહેવાયુ છે કે રાજ્યપાલ નિમણૂંક પછી ૫ વર્ષ સુધી રાજ્યપાલ તરીકે ફરજ બજાવી શકશે.
પરંતુ બંધારણની એ પછીની તરતની કલમ આ ૫ વર્ષની મર્યાદાને સમાપ્ત કરી દે છે.એ કલમમાં જણાવાયું છે કે રાજ્યપાલની મુદત પૂર્ણ થયાં બાદ પણ જ્યાં સુધી તેમનાં અનુગામી આવીને તેમનો પદભાર સંભાળી ન લે ત્યાં સુધી તેઓએ તેમની ફરજ બજાવવાની રહેશે.
આ નિયમ હેઠળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હોદ્દાની મુદત પૂરી થયા પછી પણ રાજ્યપાલ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
આ રીતે આચાર્ય દેવવ્રતનાં પુરોગામી રાજ્યપાલોએ પણ મુદત પૂરી થયા પછી પોતાની ફરજ બજાવી છે.(૧)પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝજંગે મુદત પૂર્ણ થયા પછી ૨ માસ(૨)ડો.શ્રીમન્નારાયણે ૩ માસ(૩)કે.કે.વિશ્વનાથને ૪ માસ(૪)નવલકિશોર શર્માએ ૫ દિવસ અને(૫)ઓમપ્રકાશ કોહલીએ ૫ દિવસ ફરજ બજાવી છે.આવું જ કર્ણાટકના રાજયપાલ હતા ત્યારે વજુભાઈ વાળાએ કર્યું છે અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ પોતાની મુદત પૂરી થયા પછીના ૨૫ દિવસ પછી પણ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.આ બધું જ બંધારણ અનુસાર થાય છે એ પણ નક્કી છે.
મોહમ્મદ શાહિદ અને વિજય ખરાડીઃજાણે જય-વિરૂની જોડી?
ગુજરાત આઈ.એ.એસ.કેડરની ૧૯૯૮ની બેચના અધિકારી મોહમ્મદ શાહિદની વિશેષતા એ છે કે તેઓને જ્યાં પણ મુકવામાં આવે ત્યાં એ પરિણામ દાયક કામગીરી કરવા ટેવાયેલા છે.હાલ સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ શાહિદ અહીં પણ નેત્રદીપક કામગીરી કરે છે.વાત જાણે એમ બની કે રાજ્ય સરકારની એક ચિંતન શિબિરમાં એવું સૂચન કરાયું કે ‘તાલીમ એ વહીવટનો મહત્વનો ભાગ છે.
‘આ વાક્ય શાહિદને હૈયે કોતરાઈ ગયું અને એ પછી તેઓએ સાયન્ટીફીક રીતે અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું.પરીણામે આજ ે(૧)અમદાવાદ (સ્પીપા)(૨)અમદાવાદ (પ્રહલાદનગર)
(૩)ગાંધીનગર (૪)સુરત (૫)વડોદરા (૬)મહેસાણા અને (૭)રાજકોટના તાલીમ કેન્દ્રો અત્યંત સક્રિય થઈ ગયા છે! વળી,મોહમ્મદ શાહિદ નિયમિત બેઠકો કરીને તાલીમી પ્રવૃત્તિનુ મોનેટરીંગ પણ કરે છે.
મજાની વાત તો એ છે કે સ્પીપાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે ફરજ બજાવતા ૨૦૦૯ની બેચના આઇ.એ.એસ. અધિકારી વિજય ખરાડી પણ શાહિદ જેટલાં જ ઉત્સાહી અને બાહોશ અધિકારી છે.એટલે એ બન્ને વચ્ચે (ક્રિકેટ ની ભાષામાં કહીએ તો) ‘રનીંગ બીટવીન ધી વિકેટ’ ખૂબ સરસ છે.
આનાં કારણે સ્પીપાના ટ્રેનીંગ સેન્ટરમાંથી યુ.પી.એસ. સી.ની પરીક્ષા પાસ કરનારાઓની સંખ્યા પણ વધી છે.સ્પીપા સાથે સંકળાયેલા લોકો હળવાશથી શાહિદ – ખરાડીની જોડીને હિન્દી ફિલ્મ શોલેના જય-વિરુની જોડી તરીકે પણ વર્ણવે છે.
હર્ષ સંઘવીના પિતાના બેસણાની વાતો
ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના પિતા સદ્ગત રમેશભાઈ ભુરાલાલ સંઘવીના અવસાન નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક પ્રાર્થનાસભાનુ આયોજન તા.૨૦/૦૭/૨૪ને મંગળવારે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં રાખવા આવ્યું હતું.તે દિવસનાં વાતાવરણની વાત આજે અહીં કરવી છે(૧)તે દિવસે સચિવાલયમાં સંસદ સભ્યો અને ધારાસભ્યોની રજૂઆતનો દિવસ હતો એટલે અનેક માજી અને વર્તમાન સંસદ સભ્યો ધારાસભ્યો ગાંધીનગર આવેલાં.
એ બધાં સફેદ વસ્ત્રોમાં જ આવેલ એટલે સચિવાલયમાં સફેદી છવાઇ ગયેલી(૨)સદ્ગત રમેશભાઈ સંઘવીનો ફોટો ફુલોની ફ્રેમ કરતા નાનો હતો(૩)હર્ષ સંઘવી બે કલાક સુધી સતત ઉભા રહીને શોક દર્શાવવા આવનાર સર્વને વ્યક્તિગત રીતે મળ્યા હતા(૪)હર્ષ સંઘવીની સાથે તેમનો નાનકડો દીકરો આરૂષ પણ ઉભો હતો અને સૌને વંદન કરતો હતો
(૫)પ્રાર્થના સભાનું આયોજન પોલીસ ખાતાનાં કાળુ પેન્ટ અને સફેદ ટીશર્ટ ધારણ કરેલા આશરે ૫૦૦થી પણ વધુ જવાનો દ્વારા ચુસ્તતાથી અને સુંદર રીતે કરાયું હતું.(૬)દરેક ક્ષેત્રનાં સર્વોચ્ચ લોકો પ્રાર્થના સભામાં હાજર હતા(૭)પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું આખું પત્રકાર જગત પણ હાજર હતું (૮)આખા ગુજરાતના ભા.જ.પ.ના તમામ અગ્રણીઓ પહોંચી ગયા હતા.(૯)લગભગ ૫૦૦૦થી પણ વધું લોકો હર્ષ સંઘવી પાસે શોક વ્યક્ત કરવા આવેલા એવું કહેવાય છે.તેમાં કોંગ્રેસી નેતાઓનો પણ સમાવેશ થતો હતો.
હે ભગવાન, પુર્વ મુખ્ય સચિવ ડી. જે. પાંડિયનને જ કેનેડાના વિઝા ન મળ્યાં!
ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી છે જેને લીધે કેનેડાની સરકાર અવાર-નવાર ભારતને આંચકા આપતી રહી છે. એમાંય જો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતનો હોય તો કેનેડાની સરકાર વધુ આકરી થઈને કાર્યવાહી કરે છે એવી હવા છે. આ કહેવાતી માન્યતાને સાચી
ઠેરવે એવો એક બનાવ બહાર આવ્યો છે.
વાત જાણે એમ બની કે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ ડી.જે.પાંડિયને તેમનાં કુટુંબીજનોમાંથી કોઈ કેનેડામાં રહેતા હોવાથી ત્યાં જવાની જરૂરિયાત ઉભી થઇ.આથી તેઓએ કેનેડાના વિઝા માટે અરજી કરી.
અહીં આશ્ચર્યજનક ઘટના એ બની કે કેનેડાની એમ્બેસીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પાંડિયનને વિઝા આપવાની ના પાડી દીધી.ત્યારબાદ આ મામલો દિલ્હી દરબારમા પહોંચ્યો.તો કેટલુંક દબાણ લવાયા પછી અને મજબૂત ભલામણોને અંતે પાંડિયને ફરી વખત અરજી કરી ત્યારે તેમને કેનેડાના વિઝા મળ્યા હતા. ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી સાથે આવું થતું હોય તો વિચારવાનું એ રહે કે કેનેડાની સરકારનું ભારત પ્રત્યેનું વલણ કેવું આકરું છે!
સસ્પેન્ડ આઈ.એ.એસ. (IAS) અધિકારી આયુષ્ય ઓક સામે એક વધુ કૌભાંડની અરજી થઈ છે!
સુરતના આશરે ૨૦૦૦ રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવાતા સસ્પેન્ડ કરવામાં આવેલા ગુજરાતની આઈ.એ.એસ. કેડરની ૨૦૧૧ની બેચના અધિકારી આયુષ્ય સંજીવ ઓક હજુ એક જમીન કૌભાંડના મામલામાંથી બહાર નથી નીકળ્યા ત્યાંતો તેમની સામે વધુ એક જમીન કૌભાંડ આચર્યાની અરજી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સારોલી ગામ ખાતે આવેલ બ્લોક નંબર -૧૯(સર્વે નંબર-૩/૨/૧) જમીન બાબતે તત્કાલીન કલેકટર આયુષ્ય ઓક દ્વારા અન્યાયકારક અને નિયમ વિરુદ્ધના હુકમો કરાયાની ફરીયાદ લેખિતમાં કરવામાં આવી છે. આ અરજીને કારણે ક્દાચ ઓક વધારે ખરાબ રીતે ફસાઈ શકે તેવી પણ શક્યતા ઉભી થઇ હોવાનું સચિવાલયમાં ચર્ચાય છે.