ઝઘડિયા GIDCમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં અખાડા કેમ ?

AI Image
(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની વાતે ભરૂચ જીલ્લાએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા,જંબુસર જેવા વિવિધ વિસ્તારોમાં સેંકડો ઉદ્યોગો ધબકી રહ્યા છે.
ઔદ્યોગિક વિકાસ થયો એ સારી બાબત ગણાય,પરંતું ઔદ્યોગિક વિકાસની સાથે સાથે ઉદ્યોગો દ્વારા જાહેરમાં પ્રદુષણ ફેલાવવાની પ્રવૃત્તિ બેરોકટોક થતી જોવા મળી રહી છે.આ પ્રદુષણ વાયુ.ઘન અને પ્રવાહી સ્વરૂપે ફેલાવાતું પ્રદુષણ હોઈ તેનાથી ઔદ્યોગિક વસાહતો નજીક રહેતા લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
ઝઘડિયા જીઆઈડીસીમાં જીલ્લાની અન્ય ઔદ્યોગિક વસાહતોની સરખામણીએ ઘણા મોટા કદની ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે અને તેમાંની મોટા ભાગની કંપનીઓ કેમિકલ કંપનીઓ છે. વળી આવી કંપનીઓમાં ઉત્પન્ન થતા કેમિકલ્સ અને તેને તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતું રો મટિરિયલ ઝેરી કે અન્ય રીતે નુકશાન કરે તેવા પણ હોય છે.
ઝઘડિયા જીઆઈડીસીની ઘણી ઔદ્યોગિક કંપનીઓ દ્વારા જાહેરમાં વાયુ અને પ્રવાહી પ્રદુષણ ફેલાવાતું હોય એવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના ગામોના લોકોના આરોગ્ય પર જીઆઈડીસીના પ્રદુષણની ઘેરી અસર પડી શકે તેમ હોવા છતાં ઉદ્યોગોના પ્રદુષણને અંકુશમાં રાખવા ઉભી કરાયેલી વ્યવસ્થાના અધિકારીઓ કે પદાધિકારીઓ તેમની ફરજમાં ઉણા ઉતરી રહ્યા છે.
જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા જીઆઈડીસી એસોસિએશનની રચના કરાતી હોય છે.આ જીઆઈડીસી એસોસિએશન ફક્ત સંગઠનની ભાવના માટેજ બનાવાયું છે કે અન્ય કોઈ ફરજ ખરી કે નહિ?એસોસિએશન જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો દ્વારા બનાવાય છે ત્યારે આ એસોસિએશન પણ તેની નૈતિક ફરજ માંથી છટકી ના શકે.
જીઆઈડીસીની મીટીંગોમાં “જાનમાં વરનો બાપ” ની અદાથી ફરતા કેટલાક પદાધિકારીઓ કેમ ચુપ છે? તેમણે જીઆઈડીસીમાં પ્રદુષણને નાથવા તેમની નૈતિક ફરજ બજાવવા આગળ આવવું પડશે.વળી જીઆઈડીસી નોટીફાઈડ એરિયા કચેરી પણ જીઆઈડીસીના ઉદ્યોગોને જાહેરમાં પ્રદુષણ ફેલાવવાની બાબતે ટકોર કરી યોગ્ય કરી શકે.
જીઆઈડીસીના પ્રદુષણની વાત છે ત્યારે ઔદ્યોગિક પ્રદુષણને નાથવા જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ પણ કાર્યરત હોય છે. અંકલેશ્વરની જીપીસીબી કચેરીના વિસ્તારમાં ઝઘડિયા જીઆઈડીસીનો સમાવેશ કરાયો છે.ત્યારે જીપીસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ જો સક્રિય રીતે તટસ્થતાથી કામગીરી કરવા આગળ આવે તો જાહેરમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો અંકુશમાં આવે.
પરંતું જીપીસીબી દ્વારા ઔદ્યોગિક પ્રદુષણ બાબતે આંખ આડા કાન કરાતા હોવાની જે લોકચર્ચાઓ ઉઠી રહી છે જે આજના સંદર્ભે એકદમ સત્ય ગણી શકાય તેમ છે. જીઆઈડીસીની કેટલીક ઔદ્યોગિક કંપનીઓ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીથી ખેતીની જમીનને નુકશાન થાય છે પરંતું તેનાથી આ પાણી પીતા પશુઓ તેમજ અન્ય જળચર જીવોને પણ નુકશાન થાય છે.
વળી વાયુ પ્રદુષણથી ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળતા તેનાથી નજીકની માનવ રહેણાંકોના લોકોને શ્વસનતંત્રના રોગો થવાની પણ દહેશત રહેલી છે.ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં જાહેરમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે હાલના તબક્કે જરૂરી બન્યું છે.