શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે? તેની પાછળ પણ વિજ્ઞાન છે.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/crow-2.jpg)
પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ શાસ્ત્રોક્ત નિષ્કામભાવપૂર્વક કરવાથી પિતૃયોનિ પ્રાપ્ત થતી નથી.
જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ એમની સાથે સારો વ્યવહાર કરતા નથી તેમ છતાં મા-બાપ પોતાના સંતાનો માટે કયારેય ખરાબ ઈચ્છતા નથી, તેઓ હંમેશા એ જ આર્શિવાદ આપે છે કે દિકરા ખુશ અને સુખી રહેજે.
શ્રદ્ધા પરથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરેલા કાર્યને શ્રાદ્ધ કહે છે.જેમને આપણી ઉપર ઉપકાર કર્યો હોય,જેમના દ્વારા આપણને કંઈ લાભ થયો છે તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો,તેમના પ્રત્યે કૃતજ્ઞ હોવું એ શ્રદ્ધાળુનું પરમ કર્તવ્ય છે.શ્રાદ્ધ એ ફક્ત કર્મકાંડની વિધિ નથી.શ્રાદ્ધ એટલે પૂર્વજોનું કૃતજ્ઞતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને આદર સહિત સ્મરણ કરવું.
ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુઘીના સોળ દિવસ શ્રાદ્ધના દિવસો કહેવાય છે.શ્રાદ્ધ એટલે શુદ્વ સંકલ્પોની શ્રદ્વાંજલિ.આપણા પૂર્વજો જેઓ આપણી વચ્ચેથી શરીર છોડીને ગયા છે એમની પાછળ કરવામાં આવતી શ્રદ્વાપૂર્વકની વિઘિ.
કબીરજીનો એક પ્રસંગ છે કે એકવાર તેમના ગુરૂ રામાનંદજી કહે છે કે આપ ગાયનું દૂઘ લઈ આવો જેથી આજે આપણે શ્રાદ્ધ કરીએ.કબીરજી દૂધ લેવા જાય છે ત્યાં રસ્તામાં એક ગાય મરેલી પડી છે તેને કબીરજી ઘાસ નાંખે છે અને રાહ જુએ છે કે ગાય ઉભી થાય અને મને દૂઘ આપે ! આ બાજુ તેમના ગુરૂજી કબીરજીની રાહ જોતા હતા.
ઘણો સમય પસાર થયો છતાં તેઓ આવ્યા નહિ તો તેમને શોધવા ગુરૂજી પોતે જાય છે તો જુએ છે રસ્તામાં કબીરજી એક મૃત ગાય પાસે બેઠા હોય છે.ગુરૂજી પૂછે છે કે આ શું કરો છો? ત્યારે કબીર કહે છે કે આ ગાય ઘાસ ખાય અને પછી દૂઘ આપે તો દૂધ લઇને આવીશ.ગુરૂજી કહે છે કે આ ગાય તો મરેલી છે એ ઘાસ કેવી રીતે ખાશે? ત્યારે કબીરજી કહે છે કે આપણે શ્રાદ્ધ કરીને વાસ નાંખીએ છીએ તો એ ભોજન મૃત પિતૃઓને કેવી રીતે પ્રાપ્ત થાય? આ પણ એક વિચારણીય બાબત છે.
કહેવાનો ભાવ એ છે કે જીવતાં જીવત આપણે એવા કર્મ કરવા જોઈએ કે જેનાથી આપણા માતાપિતા કે વડીલો સંતુષ્ટ થાય,ખુશ થાય,રાજી થાય,આર્શીવાદ આપે પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આવા પુત્ર અથવા સંતાનો કેટલા? જીવતાં-જીવ આપણે આપણા માતાપિતાને વૃદ્વાશ્રમોમાં મુકી આવીએ છીએ.
જો માતાપિતા આપણી સાથે રહેતા હોય તો પણ એમની સાથે સારો વ્યવહાર કરતા નથી તેમ છતાં મા-બાપ પોતાના સંતાનો માટે કયારેય ખરાબ ઈચ્છતા નથી, તેઓ હંમેશા એ જ આર્શિવાદ આપે છે કે દિકરા ખુશ અને સુખી રહેજે.
શ્રાદ્ધમાં કાગડાને જ કેમ વાસ નાખવામાં આવે છે? તેની પાછળ પણ વિજ્ઞાન છે.આપણા ૠષિ મુનીઓએ આ વિજ્ઞાનની વાતોને ઘર્મ સાથે જોડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દિવસોમાં કાગડા ઈંડા મૂકે છે એને પૌષ્ટિક ભોજનની જરૂર હોય છે. આ કાગડો વડ અને પીપળો કે જે ચોવીસ કલાક પ્રાણવાયુ આપે છે, એના બીજ ખાય છે એના પેટમાં એની પ્રોસેસ થાય છે પછી એની ચરક જયાં પડે છે ત્યાં વડ કે પીપળાના છોડ ઉગે છે. આમ મનુષ્ય જાતિને બચાવવા ઓકિસજન મળી રહે તે માટે કાગડાને બચાવવા જરૂરી છે એટલે કાગડાને કાગવાસ નાંખવામાં આવે છે.
ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તની વૃદ્ધિ થતી હોય છે એટલે આયુર્વેદ પ્રમાણે દૂઘ અને ચોખાની ખીર બનાવીને આરોગવામાં આવે તો આ પિત્તનું શમન થાય છે એટલે દૂઘ-પાક ખાવાનો મહિમા છે.
માતા-પિતા અને ગુરૂનો ઉપકાર આપણી ઉપર સૌથી વધારે છે તેના બદલામાં તેમના પ્રત્યે અખૂટ શ્રદ્ધા રાખી તેમને મનુષ્ય દેહધારી દેવતા માનવા અને તેમના ઉપર શ્રદ્ધા રાખવી.આ કૃતજ્ઞતા ભાવ મનમાં રહે તે ખૂબ જ જરૂરી છે.પિતૃઓના મૃત્યુની પુણ્યતિથિના દિવસે શ્રાદ્ધ કરવાની એટલે તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે.
સત્કર્મ ભલે સ્વેચ્છાએ કર્યું હોય કે અનિચ્છાએ કે કોઈ વિશેષ હેતુ માટે કર્યું હોય તો પણ ઉત્તમ કર્મોનું ફળ ઉત્તમ જ મળે છે.શ્રાદ્ધ નિમિતે જે દાનધર્મ કરવામાં આવે છે તેનું ફળ તે સ્વર્ગીય વ્યક્તિને ભલે મળે કે ના મળે પરંતુ દાન કરનાર વ્યક્તિ માટે તે કલ્યાણકારક છે.સત્કર્મ ક્યારેય નિષ્ફળ જતું નથી. શ્રાદ્ધની મહત્તા એટલા માટે સ્વીકારવી જોઈએ કે શ્રાદ્ધના રીવાજના કારણે અનિચ્છાએ પણ લોકો ધર્મકાર્ય કરવા વિવશ બને છે.
શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધા જીવિત રહે છે.જીવિત પિતૃઓ અને ગુરૂજનો પ્રત્યે શ્રદ્ધા પ્રક્ટ કરવા માટે એમની અનેક પ્રકારે સેવાપૂજા કરી તેમને સંતુષ્ટ કરવા જોઇએ પરંતુ સ્વર્ગીય પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવા,પોતાની કૃતજ્ઞતા પ્રક્ટ કરવા કોઈ નિમિત્ત જરૂરી છે આ નિમિત્ત એ શ્રાદ્ધ છે.
આપણે ભગવાનના અવતારો દેવતાઓ ઋષિઓ મહાપુરૂષો અને પૂજનીય વડીલોની તિથિઓ ઉજવીએ છીએ,તેમના ગુણોનું વર્ણન કરીએ છીએ,એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનાં ચરિત્રો અને વિચારોમાંથી પ્રેરણા મેળવવાની છે.
જો આપણા મનમાં એવો તર્ક ઉભો થતો હોય કે મૃત્યુ પામેલી વ્યક્તિએ તો બીજી જગ્યાએ જન્મ પણ લઈ લીધો હશે તો પછી તેમની તિથિ ઊજવવાનો શો અર્થ? આ તર્ક ખોટો છે. મનુષ્ય માટીનું રમકડું નથી કે જે તૂટી જવાથી કચરાના ઢગલામાં તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવે. તેમનો યશ યુગો સુધી રહે છે અને તે એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરે છે.
આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ યોગેશ્વર ભગવાન કૃષ્ણ પ્રહલાદ સત્યવાદી હરિશ્ચંદ્ર ધ્રુવ દાનવીર કર્ણ શિવાજી રાણાપ્રતાપ તપસ્વી તિલક જગતગુરૂ શંકરાચાર્ય ગૌતમ બુદ્ધ મહાવીર નાનક કબીર વગેરે જીવિત નથી પરંતુ તેમનો યશોદેહ આજે પણ એટલું જ કામ કરે છે જેટલું જીવિત શરીર કરતું હતું.કરોડો વ્યક્તિઓને તેમના જીવનમાંથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત થાય છે.
શ્રાદ્ધ અને તર્પણનો મૂળ હેતુ આપણી કૃતજ્ઞતા અને આત્મિયતાની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરવાનો છે.આ પ્રવૃત્તિઓ જીવિત અને જાગૃત રહે તે જગતની સુખ-શાંતિ માટે અત્યંત આવશ્યક છે.આવી આવશ્યક વૃત્તિઓનું પોષણ કરવા શ્રાદ્ધ જેવાં અનુષ્ઠાન જરૂરી છે.
મૃત્યુ પામ્યા પછી જીવ નાશ પામતો નથી.તે કોઈને કોઈ રૂપમાં આ સંસારમાં રહે જ છે.એના પ્રત્યે બીજાઓની સદભાવના તથા દુર્ભાવના ખૂબ જ સહેલાઈથી પહોંચે છે.શ્રદ્ધા-કૃતજ્ઞતા આપણા ધાર્મિક જીવનની કરોડરજજુ છે.જો આ શ્રદ્ધા નીકળી જાય તો બધી જ ધાર્મિક ક્રિયાઓ વ્યર્થ,નિરસ અને પ્રયોજન વગરની બની જાય.
ભૌતિક્વાદી નાસ્તિક દ્રષ્ટિકોણ અને ધાર્મિક આસ્તિક દ્રષ્ટિકોણમાં મુખ્ય આ જ તફાવત છે.ભૌતિકવાદી નિરસ શુષ્ક ક્ઠોર દષ્ટિકોણવાળો માણસ સ્થળ બુદ્ધિથી વિચારે છે કે પિતાજી મૃત્યુ પામ્યા હવે મારે અને એમને શું સંબંધ? જ્યાં હશે ત્યાં પોતાનાં કર્યા કર્મ ભોગવતા હશે,તેમના માટે હું શું કામ દુ:ખી થાઉ? આનાથી બિલ્કુલ ઊલટું ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ સ્વર્ગીય પિતાના અગણિત ઉપકારોને યાદ કરીને કૃતજ્ઞતાના ભારથી નતમસ્તક બની જાય છે.તે ઉપકારમયી સ્નેહમયી સ્વર્ગીય મૂર્તિના નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું સ્મરણ કરતાં કરતાં એનું હૃદય ભરાઈ જાય છે,એનું હ્રદય પોકારે છે હે સ્વર્ગીય પિતૃઓ ! તમે ભલે સશરીર અહીયાં નથી પરંતુ તમારો આત્મા આ લોકમાં ક્યાંક તો હશે જ. તમારા ઋણથી દબાયેલો હું તમારાં ચરણોમાં શ્રદ્ધાની અંજલિ અર્પણ કરૂં છું.
ધાર્મિક કર્મકાંડ સ્થૂળ રીતે તો બહુ મહત્વ ધરાવતાં નથી પરંતુ તે બધાની પાછળ જે ભાવનાઓ રહેલી છે તે જ મહત્વની છે.આ ભાવનાઓ જ માણસને સુખી સમૃદ્ધ સ્વસ્થ સંપન્ન વૈભવશાળી યશસ્વી પરાક્રમી અને મહાન બનાવે છે.
જીવનમાં આપણા ઉપર ત્રણ ૠણ છે જે ચૂકવવાના હોય છેઃપિતૃૠણ-દેવૠણ અને ૠષિૠણ. ઉપકારનો બદલો ચૂક્વવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ જેથી આપણી ઉપર રહેલો ઋણનો બોજો હલકો બને. જે ઉપકારી પૂજનીય આત્માઓ સ્વર્ગે સિધાવ્યા છે એમના પ્રત્યે મનમાં કૃતજ્ઞતા રાખવી જોઈએ અને સમય આવ્યે કૃતજ્ઞતા પ્રક્ટ કરવી જોઈએ.શ્રાદ્ધમાં ભાવના મહત્વની છે.શ્રદ્ધા અને ભાવનાનો આપણે ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. – વિનોદભાઇ માછી નિરંકારી ૯૭૨૬૧૬૬૦૭૫(મો)