રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે? શું છે કારણ
ભાજપ ધારાસભ્યના પિતાએ કર્યો દાવો-વસુંધરાના દીકરા પર વાડાબંધીનો આરોપ
(એજન્સી)જયપુર, રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે અનેક દાવેદારોના નામો ચર્ચાઈ રહ્યાં છે ત્યારે આજે દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીના નામોની પસંદગીમાટે ચર્ચા થઈ હતી.
આ દરમ્યાનમાં રાજસ્થાનમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હોવાનો વસુંધરાના પુત્ર પર આક્ષેપ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને સસ્પેન્સ યથાવત છે.
ત્યારે હવે રાજસ્થાન ભાજપમાં રિસોર્ટ પોલિટિક્સની ચર્ચાને ભારે બળ મળી રહ્યુ છે. હવે ભાજપના ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો છે. હેમરાજ મીણાનું કહેવુ છે કે પૂર્વ સીએમ વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહે પાંચ ધારાસભ્યોને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખ્યા છે.
હાલ વસુંધરા રાજે દિલ્હીમાં છે. જે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે તે મુલાકાત કરવાના છે. આ પહેલા સૂત્રો દ્વારા એવી જાણકારી સામે આવી હતી કે વસુંધરાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે હાઈકમાનનો નિર્ણય માનશે. ઝાલરાપાટન વિધાનસભાથી ચૂંટણી જીતી વસુંધરા રાજેના દીકરા અને સાંસદ દુષ્યંત સિંહ પર કિશનગંજના ધારાસભ્ય લલિત મીણાના પિતા અને પૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે દુષ્યંત સિંહે ભાજપના ધારાસભ્યોને આપણો રાજસ્થાન રિસોર્ટમાં રાખ્યા છે.
આ રિસોર્ટ જયપુરમાં સીકર રોડ પર આવેલો છે. દાવા અનુસાર એ રિસોર્ટમાં ઝાલાવાડના ત્રણ અને બારાંના ત્રણ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. હેમરાજ મીણા બોલ્યા જ્યારે મને જાણ થઈ તો હું પુત્રને લેવા માટે ગયો હતો. ત્યાં ધારાસભ્ય કંવરલાલે કહ્યુ કે દુષ્યંતસિંહ સાથે વાત કરાવો તો જ લઈ જવા દઈશ. ત્યારબાદ તેઓ ઝઘડો કરવા પર ઉતરી આવ્યા. ત્યારબાદ અમે રાજસ્થાનના પ્રભારી અરૂણસિંહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.પી. જોષી અને સંગઠન મહામંત્રી ચંદ્રશેખરને સૂચના આ અંગેની જાણ કરી હતી.