Western Times News

Gujarati News

GPSCની પરીક્ષા અંગે યુવાનોમાં કેમ આટલો બધો અસંતોષ છે?

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નિવૃત્ત આઈ.પી.એસ.હસમુખ પટેલને મુકાયા ત્યારે પરીક્ષા આપનાર બધા વિદ્યાર્થીઓ રાજી થયાં હતાં અને એવી આશા બંધાણી હતી કે જી.પી.એસ.સી.માં ચેરમેન તરીકે અદ્દભુત વ્યવસ્થાપન ગોઠવીને ગયેલા દિનેશ દાસાના યોગ્ય અનુગામી આવ્યાં છે!

પરંતુ તાજેતરમાં જી.પી.એસ.સી.ના વર્ગ-૧ અને -૨ના જાહેર થયેલાં પરિણામોથી જે વ્યાપક અસંતોષ ઉભો થયો છે તેનાથી હસમુખ પટેલ પાસે રખાયેલી આશા કડડડડભૂસ કરતી નીચે પડી છે.

ઉમેદવારો એવું કહે છે કે લેખિત પરિક્ષામાં ઉંચા માર્કસ લઈ આવનાર ઉમેદવાર મૌખિક પરીક્ષામાં ઓછા માર્કસ આવવાને કારણે રહી ગયા છે.હસમુખ પટેલની નિષ્ઠા, પવિત્રતા અને કાર્યદક્ષતા માટે કોઈ શંકા રાખવા જેવું નથી પણ તેમ છતાં પરીક્ષામાં કંઈક કાચુ કપાયું છે અને એ બધું સરખું થાય એ ઈચ્છનીય છે.

ગુજરાતના યુવાનો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પાસે માત્ર એટલી જ અપેક્ષા રાખે છે કે પૂર્વ અધ્યક્ષ દિનેશ દાસાએ દોરી આપેલી આયોજનની લાઈન દોરી પર ગુજરાત પબ્લિક કમિશનર ચાલે તો આ સંસ્થાને કોઈ પ્રશ્ન ઉભો થવાની શક્યતા રહેશે નહીં! આવું થાય તો સારું હોં!

આઈ.એ.એસ.અધિકારી અને વિધાનસભાનાં અધ્યક્ષ વેવાઈ બન્યા!
ગુજરાતમાં કોઈ આઈ.એ.એસ.અધિકારી અને કોઈ પૂર્ણ સમયના રાજકીય નેતા પરસ્પર વેવાઈ બન્યા હોય એવી ઘટના અત્યાર સુધી લગભગ નથી બની.પણ હવે એમાં એક સુખદ અપવાદ સર્જાયો છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ.અધિકારી તથા નિવૃત સહકાર સચિવ તેમજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન નલિન ઉપાધ્યાય પરસ્પર વેવાઈ બન્યા છે.

શંકર ચૌધરીની દીકરી સિંધુ ચૌધરી અને નલિન ઉપાધ્યાયના દીકરા રુતુલે એકબીજાને પસંદ કરતા બંને યુવાઓના માતા-પિતાએ રાજીખુશીથી એ બન્ને યુવા પ્રેમીના હૈયાંને શાતા બક્ષી છે.

નવાઈ તો એ વાતની લાગે છે કે ગાંધીનગરમાં જ વસતા આ બન્ને ઉંચી પહોંચ ધરાવતા વેવાઈઓએ આ લગ્ન અંગે ગાંધીનગરમાં કોઈ રીસેપ્સન કર્યું નથી.વળી,આ લગ્ન અંગે પાટનગરમાં કોઈને કશી ખબર પણ નથી!આમ કેમ થયું હશે? એવો સવાલ ચોમેર પૂછાઇ રહ્યો છે! કદાચ સાદગીનો આગ્રહ કારણભૂત હોય એવું બને!

ગુજરાતની ૧૫મી વિધાનસભાના ૬ઠ્ઠા સત્રની ખટમધુરી સ્મૃતિઓ
ગુજરાતની ૧૫મી વિધાનસભાનું ૬ઠ્ઠા સત્રનું સમાપન તા.૨૮/૦૩/૨૫ના દિવસે થયું.આ સત્રની કેટલીક નોંધપાત્ર બાબતોની અહીં નોધ લઇએ.

(૧)સત્રારંભે તા.૧૯/૨/૨૫ના રોજ રાજ્યપાલનું પ્રવચન હતું.રાજ્યપાલે અકળ કારણોસર પોતાનું પ્રવચન ૩૭ મિનિટ વાંચ્યું અને પછી બાકી રહેલું પ્રવચન વંચાઈ ગયેલું ગણવાનું કહીને પ્રવચન અધૂરું છોડીને ચાલી નીકળ્યા હતા.

ગુજરાત વિધાનસભામાં આવી ઘટના પ્રથમ બની(૨) રાજ્યપાલે પોતાના પ્રવચનમાં સરદારનાં ખૂબ વખાણ કર્યા હતા પરંતુ મહાત્મા ગાંધીનું નામ લેવાનું ભૂલી ગયા હતા(૩)વિધાનસભાનું સત્ર દર શુક્રવારે સવારે ૯ઃ૦૦ વાગ્યે યોજાતુ હતું.જે સમય ધારાસભ્યોને બહુ વહેલો લાગતો અને તેની અસર હાજરી પર પણ પડતી(૪) ગુજરાત વિધાનસભાની તમામ મહિલા સભ્યો કાયમ સાડી પહેરીને જ આવતી હતી.

અન્ય કોઈ ડ્રેસ ધારણ કરવાનું ટાળતી હતી(૫)તા. ૨૫મીએ અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉતાવળમાં પ્રશ્ન ક્રમાંક ભૂલી ગયા હતા અને ૧૧ને બદલે ૧૨માં ક્રમાંકનો પ્રશ્ન રજું કરી દીધો હતો પણ પછી તરત પોતાની ભૂલ સુધારી લીધી હતી(૬)તા.૨૫મીએ માજી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં આવ્યાં અને પત્રકારોની રૂમમાં આવીને પણ બેઠાં હતાં.

આઈ.એ.એસ.અધિકારીઓ ભા.જ.પ.ના પદાધિકારીઓને ગાંઠતા નથી?
ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભા.જ.પ.ને ભવ્ય બહુમતી આપીને સત્તા પર બેસાડ્‌યો છે! પણ ‘જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે?’ એ કહેવત જેવી સ્થિતિ સર્જાઈ છે!

વડોદરા મહાનગરપાલિકાનાં મેયર પિન્કી સોની હૈયા વરાળ ઠાલવતા કહે છે કે વડોદરાના કમિશનર મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરતા.જ્યારે રાજકોટના મેયર નયના પેઢડીયા કહે છે કે અમારી અવગણના તો થાય જ છે! સરકાર ભાજપની હોય અને મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર હોય છતાંયે તેના પદાધિકારીઓની અવગણના કરવાની હિંમત મ્યુનિસિપલ કમિશનર કરે એ તો સમયની બલિહારી જ ગણવી રહીને?

વિધાનસભા સત્ર સમાપ્તીથી વહીવટીતંત્ર અને પોલીસ ખાતાએ રાહત અનુભવી!
પંદરમી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર તા.૨૮મી માર્ચે વિરામ પામ્યું.એ સાથે જ ગુજરાતના વહીવટી તંત્ર તથા પોલીસ ખાતાએ રાહતનો શ્વાસ લીધો છે.

વિધાનસભા દરમિયાન ગોઠવાતા પોલીસ બંદોબસ્તથી પોલીસ ખાતું હરેરી જાય છે અને વિધાનસભામાં પૂછાતાં પ્રશ્નોના જવાબ શોધવા માટે વહીવટીતંત્ર વ્યસ્ત બની જાય છે.એનો અંત આવતા આ બન્ને તંત્રએ હાશકારો અનુભવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.