Western Times News

Gujarati News

મંદિરમાં કેમ જવું જોઇએ? મંદિરમાં જઈને ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ

પ્રતિકાત્મક

મંદિરમાંથી બહાર નીકળતી વખતે ભગવાનને પીઠ બતાવીને ના નીકળવું જોઇએ આમ કરવાથી પાપ લાગે છે.

મંદીર શબ્દમાં મન અને દરની સંધિ છે એટલે કે મનનું દ્વાર.જ્યાં જઇને અમે અમારા મનનું દ્વાર ખોલીએ છીએ તે સ્થાનને મંદિર કહે છે.જ્યાં હુંપણું નથી,જે સ્થાન ઉપર જવાથી અમારામાં અહંકાર ના રહે તે સ્થાન મંદિર છે.ઇશ્વર અમારા મનમાં છે.મંદિરમાં ભગવાનના દર્શન હંમેશાં ખુલ્લી આંખોએ કરવા જોઇએ.

મંદિરનો બીજો અર્થ છે મનની અંદર અંર્તમુખ થઇ નિહાળવું,મનથી દૂર કોઇ જગ્યા.મંદિરનો શાબ્દિક અર્થ ઘર છે,મંદિરને દ્વાર પણ કહે છે જેમ કે રામદ્વારા,ગુરૂદ્વારા વગેરે.મંદિરને આલય પણ કહેવાય જેમકે શિવાલય,જીનાલય. મંદિરમાં સંન્ધ્યા વંદન કરવામાં આવે છે જેના પાંચ પ્રકાર છેઃપ્રાર્થના ધ્યાન કિર્તન યજ્ઞ અને પૂજાઆરતી.માનવીની જેમાં જેવી શ્રદ્ધા હોય છે તેવું કરતો હોય છે.

મંદિર જવાથી આપ એ સિદ્ધ કરો છો કે આપ દૈવીશક્તિઓમાં વિશ્વાસ રાખો છો.સારા મનોભાવથી મંદિરમાં જનારાઓની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.મંદિર જવાથી મનમાં દ્રઢ વિશ્વાસ આવે છે. જો આપે કોઇ એવો ગૂનો કર્યો છે કે જે ફક્ત આપ એકલા જ જાણો છો તો આપણા માટે પ્રાયશ્ચિતની જગ્યા છે મંદિર.આપ ક્ષમા પ્રાર્થના કરીને પોતાના મનને હલકું કરી શકો છો.તેનાથી મનની વ્યગ્રતા દૂર થાય છે.

મંદિરના શંખ અને ઘંટનો અવાજ વાતાવરણને શુદ્ધ કરીને મન-મસ્તિષ્કને શાંત કરે છે.ધૂપ-દીપથી મનમાંના નકારાત્મક ભાવ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.મંદિરમાં શિખર હોય છે જેમાં ટકરાઇને ધ્વનિ તરંગો વ્યક્તિ ઉપર પડે છે જેનાથી મનુષ્ય અસિમ સુખનો અનુભવ કરે છે.

  મંદિરમાં જઇએ ત્યારે કેટલીક વાતો એવી છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.મંદિરમાં કોઇપણ સવારી ઉપર બેસીને ના જવું.અપવિત્ર અવસ્થામાં ભગવાનની વંદના ના કરવી .એક હાથથી પ્રણામ ના કરવા.

ભગવાનની સામે પગ લાંબા કરીને ના બેસવું. મંદિરમાં પલંગ ઉપર ના બેસવું, સુવું ના જોઇએ. મંદિરમાં બેસીને એકબીજા સાથે વાતો ના કરવી કે રડવું કે જોર જોરથી ર્હંસવું નહી કે બૂમો ના પાડવી,ફોન ઉપર વાતચીત ના કરવી,લડવું નહી,જુઠું ના બોલવુ કે ગાળો ના બોલવી.

.મંદિરમાં બેસી ભોજન ના લેવું કે નશો ના કરવો.મંદિરમાં કોઇને સજા ના કરવી.મંદિરમાં કંબલ ઓઢીને ના બેસવું. મંદિરમાં અધોવાયુ ના છોડવો.મંદિરમાં જઇને ઘમંડમાં આવીને ધોઇના ઉપર દયા ના કરવી,બીજાની નિંદા કે વખાણ ના કરવા, સ્ત્રીઓને કઠોર શબ્દો ના કહેવા.

ભગવાનને ભોગ લગાવીને જ ભોજન લેવું, આત્મપ્રસંશા(પોતાના વખાણ) ના કરવા, અન્ય દેવી-દેવતાઓનો ઉપહાસ ના કરવો, આરતીના સમયે અવશ્ય હાજર રહેવું, ભજન-કિર્તન કરતી વખતી કોઇપણ ભગવાનનો વેશ ધારણ ના કરવો. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ભગવાનને પીઠ બતાવીને ના નીકળવું જોઇએ આમ કરવાથી પાપ લાગે છે.

મંદિરમાં જતાં પહેલાં શરીર અને ઇન્દ્રિયોને શુદ્ધ જળથી શુદ્ધ કરવાં.ભગવાન શિવના મંદિરમાં સોમવારે,વિષ્ણુના મંદિરમાં રવિવારે,હનુમાનજીના મંદિરમાં મંગળવાર અને શનિવારે અને માતાજીના મંદિરે બુધવારે અને મહાકાળી અને લક્ષ્મી માતાના મંદિરે શુક્રવારે જવાનું વિધાન છે.ગુરૂવારને ગુરૂઓનો વાર માનવામાં આવે છે.રવિવાર અને ગુરૂવારને ધર્મનો દિવસ માન્યો છે.

મંદિરમાં જઇને પૂજા કે પ્રાર્થના કરવામાં આવે છે.પૂજા એક રાસાયનિક ક્રિયા છે તેનાથી મંદિરની અંદરના વાતાવરણની પીએચ વેલ્યૂ ઓછી થાય છે જેનાથી બિમારીઓમાં રાહત થાય છે. પ્રાર્થનામાં શક્તિ હોય છે.પ્રાર્થના કરનાર વ્યક્તિ મંદિરમાંના ઇશ્વરના માધ્યમથી પોતાની વાત ઇશ્વર સુધી પહોંચાડે છે.દેવી દેવતા સાંભળે છે અને જુવે પણ છે.પ્રાર્થનાની સાથે સાથે આપણું મન સાચું અને નિર્દોષ હશે તો પ્રભુ જલ્દી પ્રાર્થના સાંભળે છે.

પ્રાર્થના કરવાથી મનમાં વિશ્વાસ અને સકારાત્મક ભાવ જાગૃત થાય છે જે જીવનના વિકાસ અને સફળતા માટે જરૂરી છે.પરમેશ્વરની પ્રાર્થના માટે વેદોમાં કેટલીક ઋચાઓ કહેવામાં આવી છે તેને યાદ કરવી જોઇએ.

આજનો માનવ મંદિર સુધી તો પહોંચી જાય છે પરંતુ ભગવાન સુધી પહોંચી શકતો નથી.મંદિર સુધી પહોંચવું સરળ છે પરંતુ ભગવાન સુધી પહોંચવું કઠીન છે.ચરણ અમોને મંદિર સુધી લઇ જાય છે અને આચરણ સ્વચ્છ હશે તો તે અમોને ભગવાન સુધી પહોંચાડશે.

માનવ મનની વિકૃતિઓ કામ ક્રોધ લોભ મોહ અહંકાર જ મંદિર અને ભગવાન વચ્ચેનો પડદો છે. જ્યાંસુધી આ દુર્ગુણોનો પડદો હટતો નથી ત્યાં સુધી મંદિર સુધી પહોંચવા છતાં અમે ભગવાનથી કોસો દૂર છીએ.મંદિર સુધી પહોંચવું શરીરનો વિષય છે અને ભગવાન સુધી પહોંચવું મનનો વિષય છે.જ્યાં મનની નિર્મળતા સરળતા અને નિષ્કપટતા છે ત્યાં ભગવાનનો વાસ અવશ્ય હોય છે.

 

નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કે તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર.વાસના નહી પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

 

તમે ઘર છોડી શકતા નથી તો તમારા ઘરને ભગવાનનું મંદિર બનાવો.ઘરમાં જે કંઈ છે તે ભગવાનનું છે હું તો સેવક છું.ભક્તિમાર્ગમાં સર્વ સમર્પણ કરવાનું છે,છોડવાનું નથી.૫રીવારમાં એક બીજાનું ધ્યાન રાખવાથી તથા એક બીજાને ખુશી આપવાથી મકાનમાંથી ઘર બને છે અને ત્યારબાદ ઘર મંદિર બની જાય છે.જે ઘર બાળકોની કિલકિલારીઓથી ગુંજતું હોય,ઘરના વડીલોના આર્શિવાદ હોય,ઘરને સારી રીતે સજાવવામાં આવેલ હોય,ઘરમાંની તમામ ચીજવસ્તુઓ યોગ્ય સ્થાને રાખવામાં આવેલ હોય તે ઘરમાં ખુશી આપોઆપ આવે છે.જો ઘરનું વાતાવરણ સારૂં હોય તો પ્રત્યેક કામમાં મન લાગે છે.ઘરના તમામ સદસ્યોમાં ઉત્સાહ જોવા મળે છે પરંતુ જો ઘરમાં ક્લેશ કંકાશ થતો હોય તો ઘરના કોઇ સદસ્યનું કામમાં મન લાગતું નથી તેમનું મન ભટકે છે એટલે જો ઘરની ઉન્નતિ ઇચ્છતા હોઇએ તો અંદરોઅંદરના ક્લેશ-કંકાશને દૂર કરી અંદરોઅંદર પ્રેમ વધારીએ..

 

જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી અને થવાનો નથી.એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો.શિવાલયમાં હોય શું? આમ તેમ નજર કરતાં ઉપર નજર કરી તો તાંબાની જળાધારી જોઇ તેણે વિચાર્યું કે આ લઇ જાઉં.તેના પચીસ-પચાસ આવશે.જળધારી બહુ ઉંચી હતી એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો,પગ મૂકતાં જ શિવજી પ્રગટ થાય છે.ચોર ગભરાયો કે શિવ મને મારશે કે શું? ત્યાં શિવજીએ કહ્યું માગ માગ..! ચોર કહે છે કે મેં એવું તે શું પુણ્ય કર્યું છે કે આપ પ્રસન્ન થયા છો? શિવજી કહે છે કોઈ મને ફૂલ ચઢાવે,કોઈ જળ ચઢાવે પણ તે તો તારી આખી જાતને મારા ખભે બેસાડી દીધી.શિવજી આવા ઉદાર છે.

જીંદગીમાં બે શબ્દોનું ઘણું જ મહત્વ છેઃપ્રેમ અને ધ્યાન.પ્રભુ પરમાત્માના મંદિરના આ બે વિરાટ દરવાજામાં પ્રેમ અને ધ્યાનથી પ્રવેશ થઇ શકે છે અને આના માટે અહંકાર છોડવો પડે છે.મંદિરમાં દર્શન કર્યા પછી બહાર સીડીઓ કે ઓટલા ઉપર થોડો સમય બેસીને આ શ્ર્લોક બોલવો જોઇએ.

અનાયાસેન મરણમ્, બિના દૈન્યેન જીવનમ્, દેહાન્તે તવ સાનિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્..

વિના તકલીફે અમારી મૃત્યુ થાય અમે ક્યારેય બિમાર પડીને બિસ્તર ઉપર ના પડી રહીએ,મૃત્યુ સમયે કષ્ટ ના પડે,હરતાં ફરતાં અમારા પ્રાણ નીકળે.પરવશ જીવન ના હોય,કોઇ બીજાના સહારે ના રહેવું પડે અને જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાન સન્મુખ હોય.હે પરમેશ્વર ! અમોને આવું વરદાન આપો.

મંદિરમાં જઇને ગાડી-લાડી છોકરા-છોકરી પતિ-પત્ની કે ભૌતિક સંપત્તિ ના માંગવી.આ બધું તો આપણને પ્રારબ્ધકર્મ અનુસાર મળે જ છે. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી,તા.શહેરા(પંચમહાલ) ૯૭૨૬૧૬૬૦૭૫(મો)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.