Western Times News

Gujarati News

IPS પીયૂષ પુરુષોત્તમ પટેલને કેમ લટકતાં રાખવામાં આવ્યા હશે?

પીયૂષ પુરુષોત્તમ પટેલને કેમ લટકતાં રાખવામાં આવ્યા હશે?
ગુજરાત રાજ્યની આઈ.પી.એસ.કેડરના ૧૯૯૮ની બેચના અધિકારી અને કેન્દ્ર સરકારના ડેપ્યુટેશનમાથી રાજ્યની કેડરમાં પરત ફરેલા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસનો હોદ્દો ધરાવતા પીયૂષ પુરુષોત્તમદાસ પટેલને ડેપ્યુટેશનમાંથી પરત આવ્યાને ૧૩ દિવસ વીતી ગયા હોવા છતાં તેઓને કોઈ જગ્યા પર નિમણૂક આપવામાં આવી નથી અને તેમને પોસ્ટીંગ વગર લટકતા રાખવામાં આવ્યા છે.

એકબાજુ આંગણે આવેલા સિનિયર આઈ.પી.એસ. ઓફિસરને સરકાર અર્ધો મહિનો ઘરે બેસાડી રાખે છે અને તેની સામે સી.આઈ.ડી.આઇ. બી.ના વડાની જગ્યા છેલ્લા છ મહિનાથી ખાલી છે! આ સરકારમાં સાવ નાના નાના નિર્ણયો લેવામાં પણ અસાધારણ વિલંબ થાય છે, એનું શું કારણ હશે? આ પ્રશ્નનો જવાબ બધાને ખબર છે પણ કોઈ તેનો જવાબ આપવા તૈયાર નહીં થાય એ વાત પણ નક્કી છે હોં!

બોલો લ્યો,રીક્ષા ડ્રાઈવરને સીટ બેલ્ટ ન બાંધવા બદલ રૂ.૫૦૦/-નો દંડ?
ગુજરાતની પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા જતાં કેવાં ભવાડા કરે છે તેનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે.વાત જાણે એમ બની કે ગત તા.૨૦/૧૨/ ૨૪ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે વણકર કમલેશ મણીલાલ નામના રીક્ષા ડ્રાઈવરને તેની રીક્ષા નંબર – જીજે -૨૩-એકસ- ૫૬૯ ચલાવાતી વખતે વ્હીકલ એક્ટની કલમ-૧૯૫(ડી) હેઠળ સીટ બેલ્ટ બાંધ્યા વગર રીક્ષા ચલાવવા બદલ સરકારી પાવતી નંબર- ૨૭૯૬૪થી રૂ.૫૦૦/-નો દંડ કરાયો છે.

અહીં પ્રશ્ન એ થાય કે શું રીક્ષામાં સીટ બેલ્ટ બાંધવાનો હોય છે? જો હા તો સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતોમાં માત્ર ચાર પૈડાં વાળા વાહનનાં ચાલકોને જ કેમ સીટ બેલ્ટ બાંધવાની શિખામણ અપાય છે? એમાં રીક્ષાનો ઉલ્લેખ કેમ નથી કરાતો? લાગે છે કે અહીં પણ ‘આખું કોળું શાકમાં ગયું છે.’

અધિક મુખ્ય સચિવ અંજુ શર્માનો શ્વાનપ્રેમ
ગુજરાત રાજ્યની આઈ.એ.એસ.કેડરની ૧૯૯૧ની બેચના અધિકારી અને હાલ કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ફરજ બજાવતા ડો.અંજુ શર્મા ભરપૂર શ્વાનપ્રેમી છે.

તેઓ પોતાના ઘરે બે પાળતું શ્વાન રાખે છે અને તેને પોતાના સંતાનની જેમ સાચવે છે! રાજસ્થાનના ભરતપુર જિલ્લાના દીગ ગામના વતની અંજુ શર્મા માર્કેટીંગ એન્ડ ફાઈનાન્સ વિષય સાથે એમ.બી. એ.કર્યુ છે તથા મેનેજમેન્ટના વિષયમાં પીએચ.ડી.કર્યુ છે.

આસીસ્ટન્ટ કલેકટર તરીકે રાજકોટથી કારકિર્દી શરૂ કરનાર અંજુ શર્મા વહીવટમા કડક અને તોછડા હોવાની છાપ ધરાવે છે, પરંતુ એ સાથે કામઢા, નિષ્ઠાવાન અને કાર્યક્ષમ અધિકારી-કર્મચારી પ્રત્યે માયાળું વર્તન રાખીને તેમની પર ચાર હાથ પણ રાખે છે એમ કહેવાય છે.

ભા.જ.પ.ને સત્તાવાર રીતે ગુજરાતમાંથી અધધધધ દાન મળ્યું!
તાજેતરમાં ગુજરાતમાં રાજકીય પક્ષોને મળેલાં દાનના સત્તાવાર આંકડા જાહેર થયા છે. તેમાં ભારતીય જનતા પક્ષને રૂ.૨૩૨/- કરોડ, કોંગ્રેસ પક્ષને રૂ.૨.૩૮/- કરોડ અને આમ આદમી પાર્ટીને રૂ.૭,૫૦,૦૦૦/- લાખનું દાન સત્તાવાર રીતે પ્રાપ્ત થયું છે.

એ રીતે જોઈએ તો ભારતીય જનતા પક્ષને કોંગ્રેસ કરતા સો ગણું વધારે દાન મળ્યું છે.ભા.જ.પ.ને કોર્પોરેટ જગતમાંથી, કોંગ્રેસને તેનાં નેતાઓ દ્વારા અને આમ આદમી પાર્ટીને છુટક છુટક વ્યક્તિઓ દ્વારા આ દાન મળ્યું છે.

અહીં એક વિચાર એ આવે કે માત્ર ગુજરાતમાંથી જ જો ભા.જ.પ. આટલું માતબર દાન મળતું હોય તો પછી આખાં દેશમાંથી કેટલું મળતું હશે? આ પ્રશ્નનો જવાબ આંકડામાં મળે કે ન મળે પણ એક વાત તો નક્કી છે કે હાલમાં તો ભારતીય જનતા પાર્ટીની દસેય આંગળીઓ ઘીમાં જ છે!

સ્વર્ણિમ સંકુલ -૧ના રંગરૂપ બદલાઈ રહ્યાં છે
ગુજરાત સરકારના મંત્રીઓ અગાઉ સચિવાલયમાં આવેલા બ્લોક નંબર ૧ અને ૨ માં બેસતા.એ પછી ૨૦૧૦મા નરેન્દ્ર મોદીએ મંત્રીઓને બેસવા માટે બે અલાયદા સંકુલનું નિર્માણ કરાવ્યું અને તેને સ્વર્ણિમ સંકુલ -૧ અને સ્વર્ણિમ સંકુલ -૨ એવું નામ આપ્યું.આ નામકરણ પાછળનું કારણ એ છે કે ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ પુરા ત્યારે એ સંકુલ બંધાયું હોવાથી તેને આવું નામ અપાયું છે.

હાલ આ બે પૈકીના સ્વર્ણિમ સંકુલ -૧નુ રીનોવેશન ચાલી રહ્યું છે. તેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓને મળવા આવતા મુલાકાતીઓ માટે આરામદાયક બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે.પંખાને બદલે એરકન્ડીશન મુકવામાં આવ્યા છે.રાજ્ય સરકાર પોતાના પદાધિકારીઓ અને અધિકારીઓની સાથેસાથે સામાન્ય નાગરિકોની ચિંતા કરીને આવી સુવિધાઓ ઉભી કરે છે એ સારી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.