AMTSની ટિકિટમાં વિધવા બહેનોને ૫૦ ટકા રાહત મળશે
કમિટી ચેરમેને રૂ.૭૦૫ કરોડનું બજેટ મંજુર કર્યું
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદઃ અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સને ૨૦૨૫-૨૬ નું રૂપિયા ૭૦૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓનો ટિકિટ દરમાં ડિસ્કાઉન્ટ જાહેરાત કરવામાં આવી છે.
એએમટીએસ ચેરમેન ધર્મશિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર તથા આસ-પાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ ૧૧૭૨ બસના ફલીટમાં વધુ ૧૦૦ નવી મીડી એ.સી. સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ ૧૨૭૨ કરવાનું ઠરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૪૫ નવી એ.સી. બસોનો ફ્લીટમાં ઉમેરો કરવામાં આવનાર છે.
૧૬માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૮ કરોડ મેળવીને વધુ ૪ ઇલેક્ટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેકચરર પાસે કરાવવા સાથે ખરીદ કરવામાં આવશે. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન થશે.અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦ પછી સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં ૮૫% ડિસ્કાઉન્ટ આપવાનું આવશે.
અમદાવાદ શહેરમાં ધોરણ ૧૦ પછી અભ્યાસ કરતાં માતા-પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના શરૂ થશે. અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને ટિકિટ દરમાં ૫૦% રાહત અપાશે.. ટ્રાન્સપોર્ટ મેનેજરના બજેટમાં મૂકવામાં આવેલ સ્માર્ટ બસ શેલ્ટર પાસે પી.પી.પી. ધોરણે જરૂરિયાત મુજબ સ્માર્ટ ટોઇલેટ તૈયાર કરવાનું થશે.
૧૬માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. ૨ કરોડ મેળવીને એ.એમ.ટી.એસ. દ્વારા સંચાલનમાં આવતી દરેક બસમાં પ્રવાસીઓને ટિકિટીંગ મશીન ખરીદી તેના દ્વારા ટિકિટો આપવામાં આવશે. દરેક ટર્મિનસમાં રિફ્રેશમેન્ટ કાઉન્ટર/વેન્ડીંગ મશીન દ્વારા શરૂ કરવા, એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ. અને મેટ્રો રેલની ટિકિટનું ઇન્ટિગ્રેશન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
સરસપુર વિસ્તારમાં આવેલ આઈ.ટી.આઈ. સરસપુરનો પ્લોટ હાલમાં ખાલી છે. સરકાર પાસેથી આ પ્લોટ બસ ટર્મિનસના હેતુ માટે મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરના ૭૭ કિ.મી.ના આઉટર રીંગ રોડ ઉપર બસોના નાઈટ ર્પાકિંગ/મેઇન્ટેનન્સ માટે ૬ ટર્મિનસ તૈયાર કરવા માટે રૂ. ૧૨ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
‘શહેરના વધતા વિસ્તારમાં બસોને કન્ટ્રોલીંગ કરવા પી.પી.પી. ધોરણે કન્ટ્રોલ કેબિન ઉભી કરવાનું ઠરાવવામાં આવે છે.’ ટ્રા. મેનેજર દ્વારા રજૂ કરેલ રૂ. ૬૮૨ કરોડના કુલ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂ. ૧૨ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. ૭૦૫ કરોડનું મંજૂર કરવામાં આવ્યા છે.
એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, ‘એ.એમ.ટી.એસ.નું સને ૨૦૨૫-૨૬ના વર્ષનું રૂ. ૭૦૫ કરોડની માતબર રકમનું બજેટ માત્રને માત્ર ખાનગી બસો ચલાવવાના કોન્ટ્રાક્ટ ધરાવતાં ભાજપના નેતાઓના લાભાર્થે મંજૂર કરાયું છે. તાજેતરમાં એ.એમ.ટી.એસ.નું સને ૨૦૨૫-૨૬ના વર્ષનું કુલ રૂ. ૭૦૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ છે. હાલ અંદાજપત્ર ઉપર એક નજર નાખીએ તો અંદાજપત્રનું ઉત્તરોતર કદ વધતું જાય છે અને સેવાઓનું કદ ઘટતું જાય છે.’